• Gujarati News
  • Morarji Desai Memorial Library Poor Conditions In Valsad

વલસાડમાં મોરારજી દેસાઇ સ્મારકની લાયબ્રેરીની કથળેલી હાલત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પાલિકા તંત્રને રિનોવેશન કરવા અધિક કલેક્ટરનો હુકમ
- શહેરનાં બેચર રોડ ઉપર આવેલી લાયબ્રેરી જર્જરિત થઇ જતાં સ્થળ નિરીક્ષણ કરી પાલિકા તંત્રને કામગીરી હાથ ધરવા તાકીદ કરાઇ
વલસાડ: વલસાડનાં બેચર રોડ ઉપર માજી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઇનાં સ્મારક સ્થળે પાલિકા દ્વારા બનાવાયેલી લાયબ્રેરી ઘણાં સમયથી જર્જરિત થઇ જતાં અધિક કલેક્ટરે સ્થળ નિરીક્ષણ બાદ તેનો રિનોવેશન માટે પાલિકાને હુકમ કર્યો છે. વોર્ડ નં.૬માં આવેલા આ સ્મારકનાં કોર્પોરેટરની રજૂઆતનાં પગલે વહીવટી તંત્રએ મરામતની કામગીરી હાથ ધરવા તાકીદ કરતાં પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
વલસાડ શહેરમાં ૨૦૦૧ દરમિયાન પાલિકાનાં માજી પ્રમુખ કીર્તિભાઈ દેસાઇનાં કાર્યકાળ દરમિયાન ભારતનાં માજી વડાપ્રધાન અને વલસાડનાં પનોતાપૂત્ર સ્વ.મોરારજી દેસાઇની સ્મૃતિમાં સ્મારકનું નિર્માણ કરાયું હતું. વોર્ડ નં.૬માં બેચર રોડ ઉપર એપીએમસી સામે બંધાયેલા આ સ્મારકમાં નીચેનાં ભાગે ૨૦૧૦માં સ્વ.દેસાઇનાં જીવન ચરિત્રને લગતાં પુસ્તકો અને અન્ય વાંચનસામગ્રી સાથે એક વાંચનાલય (લાયબ્રેરી) પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. બેચર રોડ ઉપર મોગરાવાડી તરફ જતાં માર્ગ ઉપર બનેલાં આ સ્મારક અને લાયબ્રેરી લોકો માટે આર્કષણનું કેન્દ્ર બની હતી. જો કે ત્યારબાદ વર્ષો વિતવા માંડતાં લાયબ્રેરીનાં બેહાલ થવા માંડ્યા હતાં. લાયબ્રેરીમાં દૈનિક પેપરો પણ આવતાં હોવાથી લોકો ત્યાં વાંચન માટે આવે છે. જો કે લાયબ્રેરી મકાનની નિયમિત જાળવણી ન થતાં તેની હાલત દિનપ્રતિદિન ખરાબ થતી ગઇ હતી. આ લાયબ્રેરીમાં રંગરોગાન કરવાની કામગીરી ન થતાં દિવાલની સ્થિતિ બગડી રહી હતી. પુસ્તક પ્રેમીઓ માટે તૈયાર કરાયેલી આ લાયબ્રેરીની જર્જરિત હાલતને લઇ તેનાં ટકાઉપણાં સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો.
આ મામલે વોર્ડનાં પાલિકા કોર્પોરેટર પ્રવિણ કચ્છીએ આ મુદ્દે તંત્રનું ધ્યાન દોરી સ્મારક નીચેની લાયબ્રેરીનાં મકાનની મરામત કરવા ટહેલ નાંખી હતી. જેનાં પગલે શુક્રવારે અધિક કલેક્ટર આઇ.જે. માલીએ સ્થળ નિરીક્ષણ કરવા આવી પહોંચ્યાં હતાં. જ્યાં વોર્ડ કોર્પોરેટર કચ્છી પણ હાજર થઇ ગયાં હતાં. અધિક કલેક્ટરે સીઓ જે.યુ.વસાવા, બાંધકામ ઇજનેર હિતેશ પટેલને બોલાવી આ લાયબ્રેરીનાં મકાનનાં રિનોવેશનની કાર્યવાહી સત્વરે શરૂ કરવા હુકમ કર્યો હતો. સ્વ.મોરારજી દેસાઇની સ્મૃતિમાં બનેલી લાયબ્રેરીને રંગરોગાન કરી પુસ્તકપ્રેમીઓ માટે આર્કષક બનાવવા તેમજ તેની જાળવણી નિયમિત કરવા પણ તાકીદ કરી હતી.
આગળ ક્લિક કરો અને તસવીરો સાથે વાંચો સ્વ. મોરારજી દેસાઇનાં જીવનચરિત્ર સહિતનાં પુસ્તકો માટે લાયબ્રેરીની જાળવણી જરૂરી: અધિક કલેક્ટર અને વલસાડનાં પનોતા પૂત્ર સ્વ.મોરારજીનાં સ્મારકની લાયબ્રેરી જર્જરિત: કોર્પોરેટર અને પાલિકા દ્વારા લાયબ્રેરીની સાફસફાઇ શરૂ કરાઇ......
(તમામ તસવીરો: ચેતન મેહતા, વલસાડ)