વલસાડમાં પોલીસના ટોચિંગ અભિયાનથી વેપારીઓમાં રોષ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીઓ અને પ્રબુધ્ધ નાગરિકોની મળેલી બેઠકમાં ટ્રાફિકનો મુદ્દો ગરમાયો
પાલિકાએ પાર્કિગ પ્લોટ ખુલ્લા કરવાની, પટ્ટા પાડવાની અને દબાણો દૂર કરવાની કામગીરી કરવી જોઈએ
વલસાડ શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ વાહનોને ડીટેઈન કરવાની કામગીરી સામે વલસાડનો વેપારી આલમ પાલિકા સામે રોષે ભરાયો છે. રવિવારે વલસાડના ભીજ ભંજન મંદિર સામે આવેલા માતૃ મંદિર ખાતે જન જાગૃતિ વિકાસ મંચના નેજા હેઠળ મળેલી વલસાડના વેપારીઓ અને પ્રબુધ્ધ નાગરિકોની બેઠકમાં આ મુદ્દો ગરમાયો હતો. દબાણો દૂર કરવાથી માંડીને પાર્કિગ પ્લોટ ખુલ્લા કરવા અને રોડ ઉપર પટ્ટા પાડવાની કામગીરીમાં પાલિકાની નિષ્ક્રીયતા સામે આગામી દિવસોમાં લડતના મંડાણ કરાશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, વલસાડ શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિકની વિકરાળ સમસ્યા હલ કરવા માટે ટોચન પધ્ધતિથી કામગીરી હાથ ધરાતા રોજે રોજ વેપારી અને પ્રજા સાથે પોલીસનુ ઘર્ષણ વધી રહ્યુ છે. વેપારીઓનુ કહેવુ છે કે, પોલીસની કામગીરી સારી છે, પરંતુ આ કામગીરી કરવા પહેલા પાર્કિગ માટે પૂરતી જગ્યા ફાળવે અને રોડ ઉપર પટ્ટા પાડવાની જરૂર છે. જેથી લોકો વ્યવસ્થિત રીતે પાર્કિગ કરી શકે અને ટ્રાફિકની સમસ્યા પણ ન ઉદ્ભવે, પરંતુ પાલિકા દ્વારા આ પ્રકારની કોઈ કામગીરી ન થતા વેપારીઓ અને નાગરિકો પણ હેરાન થવું પડે છે.
રવિવારે વલસાડના ભીડ ભંજન મંદિર સામે આવેલા માતૃ મંદિરમાં જન જાગૃતિ વિકાસ મંચના સભ્યોની ઉપસ્થિતીમાં પ્રથમ સભા મળી હતી. જેમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પાલિકાની નિષ્ક્રીયતા સામે આક્રોશ જોવા મળ્યો હતો. સભામાં મંચના બંધારણનુ પઠન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ શહેરમાં તમામ લોકોને સ્પર્શતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણનો મુદ્દો ઉઠયો હતો.
વેપારીઓએ જણાવ્યુ કે, નાની ખત્રીવાડની પાછળના ભાગે તેમજ શાકભાજી માર્કેટના ફરતે તેમજ પાલિકાના પાર્કિગ પ્લોટને ફ્રી પાર્કિગ પ્લોટ તરીકે ખુલ્લો મુકવામાં આવે તો ૮૦ ટકા સમસ્યા હલ થઈ શકે તેમ છે. આ સિવાય રસ્તાને અડીને રોડ માર્જિનમાં જે દબાણો છે તે દબાણો દૂર કરવાની જરૂર છે.
આ સિવાય રોડ ઉપર કયાંક પટ્ટા નજરે ચઢતા નથી. જેથી લોકો આડેધડ રોડને અડીને વાહન પાર્કિગ કરી ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા હોય છે. આ તમામ કામગીરી પાલિકાના શિરે છે પરંતુ પાલિકા દ્વારા જ આ મામલે કોઈ પગલા ન ભરાતા પોલીસની કામગીરીના કારણે લોકોએ હેરાન પરેશાન થવુ પડે છે. જેથી આ મામલે મંચ દ્વારા આગામી તા.૨૧ માર્ચના રોજ કલેકટર અને પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવશે.
પ્રથમ સભામાં મંચના હોદ્દેદારોની પસંદગી
વલસાડ જિલ્લા જન જાગૃતિ વિકાસ મંચની બેઠકમાં જિલ્લા પ્રમુખ તરીકે હેમંતભાઈ શાહ, શહેર પ્રમુખ પદે પરિચય દેસાઈ, જિલ્લા મહામંત્રી તરીકે રાજુભાઈ ડાંગરવાલા અને શહેર મંત્રી તરીકે મોહનભાઈ કાપડીયા અને હેકટર ચોઠીયાની પસંદગી કરવામાં આવી હતી. જયારે સલાહકાર સમિતિમાં સિનિયર એડવોકેટ દીપકભાઈ દેસાઈ, રવિન્દ્ર ધિલ્લોન અને ચંદ્રકાંત કાપડીયાની પસંદગી કરવામાં આવી હતી.