પારડીમાં પોલીસનું ગુંડારાજ, સરપંચને તમાચો માર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોલીસની વર્દીનો રોફ જમાવી ફોજદાર જયદીપ સોલંકીએ હોમગાર્ડ અને સરપંચની કાર વચ્ચે અકસ્માત થયા પછી ઘટના સ્થળે પહોંચી સરપંચને તમાચો ચોડી દીધો

પોલીસની વર્દીનો ખોફ જમાવી સામાન્ય જનતાને ડરાવવાની ઘટના તો રોજ બરોજ બનતી રહે છે, પરંતુ સેનાપતિ વહિોણી બે ખોફ બનેલી વલસાડ પોલીસ હદ વટાવી હવે જાહેરમાં કોઇના પર પણ હાથ ઉપાડતી અચકાતી નથી. આવી જ એક ઘટના વલસાડના પારડી ગામે બની છે. પારડીના પીએસઆઇ જયદીપે કુંભારિયા ગામના સરપંચને વર્દીના રોફમાં તમાચો ચોડી દીધો હતો. પારડીના બાલદા ગામે શનિવારના રોજ એક હોમગાર્ડ અને કુંભારિયા ગામના સરપંચની કારનો અકસ્માત થયો હતો. જેમાં સરપંચ અને હોમગાર્ડ વચ્ચે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો. જેની જાણ થતા પારડી પીએસઆઇને થતાં તેણે સરપંચને તમાચો મારી દેતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, પરંતુ ત્યાં પણ વર્દીના જોરે પોલીસે સમગ્ર મામલો રફે દફે કરી દીધો હતો.

પારડી વિસ્તારમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા શૈલેશભાઈ પટેલની મારૂતિ વાન (નં.જીજે-૧૫-સીટી-૦૬૯૨) અને કુંભારિયા ગામના સરપંચ નરેન્દ્ર ઉર્ફે નંદા દાજીભાઇ પટેલ સ્વીફ્ટ કાર નંબર ડી ડી ૦૩ એફ ૬૪૮ માંશનિવારના રોજ ૧૧ કલાકે પારડી થી નાનાપોંઢા તરફ જઈ રહ્યા હતા. આ સમયે અચાનક નરેન્દ્ર ભાઈએ કારનો હોમગાર્ડ જવાનાની વાન સાથે અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં વાન આગળ ચાલતી પિયાગો રીક્ષામાં અથડાઈ હતી. આ બનાવના પગલે ઘટના સ્થળે હોમગાર્ડ અને કુંભારિયાના સરપંચ વચ્ચે બોલા ચાલી થઇ હતી. આ સમગ્ર બનાવની જાણ થતાં પારડી પોલીસ મથકના પીએસઆઈ ઘટના સ્થળે ધસી ગયા હતા અને સરપંચને ધક્કે ચઢાવી દીધા હતા. જેને લઇ આ મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. ઘટનાને લઇ માજી મંત્રી વગેરે રાજકારણીઓએ પોલીસ મથકે ધસી આવી સમાધાન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના રાજમાં રાજકારણીઓ પણ વામણાં

વલસાડ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વર્દીના રોફમાં જાહેરમાં લોકોને અપમાનિત કરવાની અને મારવાની ઘટના અવાર-નવાર બની રહી હોવા છતાં જિલ્લાના રાજકારણીઓ વામણાં પૂરવાર થઇ રહ્યા છે. પોલીસ દ્વારા લોક પ્રતિનિધિ એવા સરપંચને પણ માર મારવા છતાં ઉચ્ચ રાજકારણીઓ લડવાની નહીં પરંતુ સમાધાનની ભૂમિકામાં આવી રહ્યા છે. જેને લઇ રાજકારણના પાયાના કાર્યકરમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

આ મામલે સરપંચ સાથે સમાધાન થઈ ગયું છે

સરપંચ અને હોમગાર્ડના અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે ગયા હતા. જ્યાં બોલા ચાલી થઇ હશે, જ્યાં ભૂલથી સરપંચને લાગી ગયું હશે. જોકે, તેનું સમાધાન થઇ ગયું છે.
જયદીપ સોલંકી, પીએસઆઇ, પારડી.

બુટલેગર જેવો વ્યવહાર કરાયો

અકસ્માત સમયે સ્થળ પર આવેલા પીએસઆઇએ બુટલેગર હોય એવું તોછડું વર્તન કર્યું હતુ. તેમજ અપશબ્દ બોલી હાથ ઉગામ્યો હતો. જેની ઉચ્ચસ્તરે રજુઆત કરાશે. હજુ સુધી આ મામલે કોઇ સમાધાન કરાયું નથી. પીએસઆઇનો રૂઆબ હજુ પણ યથાવત છે.
નરેન્દ્ર પટેલ, સરપંચ કુંભારિયા.