વલસાડ: મૂર્ખ કહેવાના મુદ્દે પંચાયત સભામાં મારામારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( પંચાયતની બહાર મારામારી પછી એકઠા થયેલા સભ્યો )

મૂર્ખ કહેવાના મુદ્દે પંચાયત સભામાં મારામારી
વિખવાદઉભો થતા વાત મારામારી સુધી પોહંચી

વલસાડ: વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા ભદેલી જગાલાલા (હિંગરાજ) ગામના વિભાજનના મુદ્દે સોમવારે ખાસ સભા મળી હતી. જેમાં વિભાજનની તરફેણ કરનાર પંચાયતના સભ્યને ઉપસરપંચ અને સભ્યે સભામાં જ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.વલસાડના ભદેલી જગાલાલા (હિંગરાજ) ગામના વિભાજનના મુદ્દે સોમવારે ભદેલી જગાલાલા ગ્રામ પંચાયતમાં સભા મળી હતી. જેમાં સભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં વિભાજન માટે ચર્ચા ચાલી રહી હતી ત્યારે સભ્યો અલગ અલગ મંતવ્યો રજૂ કરી રહ્યા હતા.

આ સમયે સભ્ય વલ્લભ ડાહ્યાભાઈ ટંડેલે વિભાજન માટે તરફેણ કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ઉપસરપંચ કાંતી હરી ટંડેલ અને સભ્ય મણી ગોપાળ ટંડેલે વલ્લભભાઈને મુર્ખ કહી તમારામાં કોઈ અક્કલ નથી એમ જણાવ્યું હતું. જેથી વલ્લભભાઈએ આ પ્રકારના શબ્દોનો ન ઉચ્ચારવા માટે જણાવતા કાંતી અને મણી બંને ઉશ્કેરાઈ ગયા હતા .જેઓએ વલ્લભભાઈને માર મારી આજે તો બચી ગયો છે, ફરી મળશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જેને પગલે સભામાં અફરાતફરી મચી જતા સરપંચ નલીનાબેન ટંડેલને સભા રદ્દ જાહેર કરવાની ફરજ પડી હતી. જેથી વિભાજનના મુદ્દે મળેલી સભામાં વિભાજનનો મુદ્દો જ ટલ્લે ચઢી ગયો હતો.વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ખાતે ગ્રામ પંચાયતની મળેલી સામાન્ય સભામાં વિભાજનના મુદ્દાને એજન્ડામાં સમાવેશ કરાયો હોય અપેક્ષા મુજબ તોફાની બની હતી.જેમાં વિવાદ અને મારામારી સુધ્ધા થતા સભાને સરંપચ દ્વારા રદ કરી દેવામા આવી હતી.ત્યાર બાદ પંચાયત ઘરની બહાર બે ઇસમો વચ્ચે મારામારી થતા અફરાતફરી મચી જવા પામી હતી.
રિપોર્ટ બાદ હવે નવી તારીખ જાહેર થશે
સભામાં બોલાચાલી થતા મામલો ગરમાયો હતો તેમજ તલાટી કમ મંત્રી પણ સભામાં ગેરહાજર હતા. જેથી સભા રદ્દ કરવાની ફરજ પડી હતી. હવે વિભાજનના મુદ્દે ફરી સભા યોજવા માટે ટીડીઓને રજૂઆત કરાશે. ત્યારબાદ નવી તારીખ જાહેર કરાશે. > નલીના ટંડેલ, સરપંચ, ભદેલી જગાલાલા

વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..