વાપી હરી ફિળયામાં પાલિકાની ટીમનો સરવે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ ટીમ સફાળી જાગી

વાપી પાલિકાના વોર્ડ નંબર ૧૦ના દેસાઇવાડ હરી ફિળયામાં પીવાના પાણી તથા ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ સોમવારે પાલિકાની એક ટીમે આ વિસ્તારની મુલાકાત લઇને સરવે હાથ ધર્યો હતો. વાપી પાલિકાના વોર્ડ નંબર ૧૦ના દેસાઇવાડ હરી ફિળયા વિસ્તારના રહીશો અનેક તકલીફોનો સામનો લાંબા સમયથી કરી રહ્યા છે.

આ વિસ્તારમાં પાલિકા દ્વારા કોઇ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ નીવડી છે. પીવાના પાણીની સમસ્યાથી લઇને ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી નથી. સ્થાનિક રહીશો દ્વારા આ અંગે વારે ઘડીએ અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિને રજૂઆત કરવા છતાં કોઇ નક્કર પરિણામ આવ્યું ન હતું. સ્થાનિક રહીશોએ આ અંગે પાલિકા નિયામકને રજૂઆત કરવા સીધીની તૈયારી દર્શાવી હતી.

વાપી નગર પાલિકાના તમામ ૧૪ વોર્ડમાં જ્યારે કોઇને કોઇ પ્રકારના વિકાસના કામો થઇ રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં કોઇપણ પ્રકારનું આયોજન હાથ ધરાયું ન હતું. દિવ્ય ભાસ્કરે આ વિસ્તારની મુલાકાત લઇને અહીંના સ્થાનિક રહીશોની સમસ્યા જાણીને અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.

આ અહેવાલના પગલે સોમવારે પાલિકાના અધિકારીની એક ટીમે હરી ફિળયા વિસ્તારની મુલાકાત લઇને ડ્રેનેજ લાઇન તથા અન્ય સુવિધા આપવા માટે સર્વે કર્યો હતો. પાલિકા દ્વારા હાથ ધરાયેલા સરવે બાદ હવે ક્યારથી કામગીરી શરૂ થાય છે તે હવે જોવું રહ્યું કે, પછી દર વખતની જેમ માત્ર મુલાકાત લઇને કામને ટલ્લે ચઢાવી દેવામાં આવે છે.

- સીધી વાત

સરવે કરીને કામગીરી કરાશે
હરી ફિળયાની સમસ્યામાં કંઇ કામગીરી કરાઇ ?
પાલિકાની ટીમે આ વિસ્તારની મુલાકાત કરી હતી.
ગટર લાઈનનું કામ ક્યારે થશે?
લાઇન ક્યાંથી આપી શકાય તે અંગે માપણી અને સર્વે થયો છે. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ક્યાથી વધુ યોગ્ય રહેશે તે અંગે અભ્યાસ કર્યા બાદ કામગીરી કરવામાં આવશે.
નિકાલ ક્યારે આવશે ?
તમામ પ્રયાસ થઇ રહ્યા છે.
- કલ્પેશ શાહ
સિટી ઈજનેર, નગરપાલિકા, વાપી