છેલ્લા બે સપ્તાહથી આંગડિયાના ધંધા બંધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના એલબીટીના કાયદાથી વલસાડના પ૦૦ આંગડિયાઓ અને વેપારીને કરોડોનું નુકસાન
વેપારીઓને માલ ન મળતા હેરાનપરેશાન, એલબીટીને કાળો કાયદો ગણાવતા વેપારી અને આંગડિયાઓ
મહારાષ્ટ્ર સરકાર દ્વારા નાનામાં નાની ચીજ વસ્તુની ખરીદી ઉપર એલબીટી (લોકલ બોડી ટેક્ષ) લાગુ કરાતા છેલ્લા બે સપ્તાહથી આ કાયદાના વિરોધમાં દુકાનો બંધ હોવાથી મુંબઈ સાથે સીધી રીતે સંકળાયેલા વલસાડના પ૦૦ આંગડિયા અને વેપારીઓને રોજના કરોડો રૂપિયાનુ નુકસાન થઈ રહ્યુ છે. જેનો ભોગ છેવટે પ્રજા બની રહી છે. મુંબઈથી માલ મળતો ન હોવાથી હવે લોકોએ વધુ ભાવ ચુકવી વસ્તુ ખરીદવી પડશે એવી નોબત આવી છે.
મહારાષ્ટ્ર નગરપાલિકા કાનૂન ૧૯૪૯ હેઠળ એલબીટીનો કાયદો દૂધવાળાથી માંડીને પાનના ગલ્લાવાળા અને ઉદ્યોગપતિઓ સુધીને લાગુ કરાતા પ્રત્યેક વેચાણકર્તાએ દરેક પ૦૦ કે તેથી વધુના બીલ પર ખરીદનારનુ નામ, એડ્રેસ અને તેના પર એલબીટી રજિસ્ટ્રેશન નંબર લખવો ફરજીયાત છે. જેને પગલે મુંબઈની દુકાનોમાંથી જથ્થાબંધ ખરીદી કરી વલસાડ કે અન્ય વિસ્તારોમાં વેચાણ કરનાર નાનાથી માંડીને મોટા વેપારીઓનો ધંધો ચોપટ થઈ રહ્યો છે. બે સપ્તાહથી મુંબઈના ગ્રાંટ રોડ, લેમિગ્ટન રોડ, મસ્જિદ બંદર, નાગદેવી સ્ટ્રીટ, મહમંદ અલી રોડ અને અન્ય વિસ્તારોની દુકાનો બંધ હોવાથી અને હાલ છેલ્લા બે દિવસથી મુસાફર ખાના અને ક્રાફટ માર્કેટના રીટેઈલ કાઉન્ટર પણ બંધ હોવાથી વલસાડના આંગડિયાઓની રોજી રોટી છીનવાઈ ગઈ છે.
વલસાડના અંદાજે પ૦૦ આંગડિયાઓ રોજ મુંબઈ અપડાઉન કરી ઈલેકટ્રીકસ, મોબાઈલ, રમકડા, અનાજ થી માંડીને જીવન જરૂરીયાતને લગતી તમામ ચીજવસ્તુઓ બીલ દ્વારા જ ખરીદી શકાશે તેમ હોવાથી હવે વેપારીઓ પણ પોતાનો નફો શોધવા માટે વસ્તુના ભાવો પોતાની મેળે વધારી દેશે જેને પગલે એલબીટીના કાયદાની માઠી અસર પ્રજા પર પડનારી તેમ છે.
એલબીટીના કાયદામાં કોનો કોનો સમાવેશ
મહારાષ્ટ્ર નગરપાલિકા કાનૂન ૧૯૪૯ની કલમ (૧૬) (અ) પ્રમાણે તમામ વ્યાપારી, ઉદ્યોગપતિ, ટ્રાન્સપોર્ટ, હોસ્પિટલ, દલાલ, ફાયનાન્સ કંપની, કો.ઓ.સોસાયટીઓ, એસોસિયેશન, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, ચાર્ટડ એકાઉન્ટન્ટસ, ડોકટર્સ, એનાઉન્સર, પાનવાળા, દૂધવાળા, ફ્રુટવાળા, શાકવાળા, ફેરીયા અને છૂટક વેપારીઓનો સમાવેશ થાય છે.
મુંબઈમાં લાગુ કરાયેલા એલબીટીના કાયદાથી વલસાડના વેપારીઓની ઊંઘ હરામ
ગ્રાહકને ૧૦૦ની વસ્તુ ૧૬૦માં પડશે
એલબીટીના કાયદાથી ઓકટ્રોયની સાથે હવે આ વધારાનો ટેક્ષ લાગુ પડશે જેથી ગ્રાહકને રૂ.૧૦૦ની વસ્તુ રૂ.૧૬૦ માં પડશે. મુંબઈ દેશની આર્થિ‌ક રાજધાની હોવાથી નાનાથી માંડીને મોટા વેપારીઓ સીધા મુંબઈ સાથે કનેકટ છે. પરંતુ હવે એલબીટીના કાયદાથી વસ્તુઓ મોંઘી મળશે.
હિ‌તેનભાઇ ગાલા, ઇલેકટ્રોનિકસ અને મોબાઇલના વેપારી, તિથલ, રોડ વલસાડ
ગરીબ અને મધ્યમ વર્ગનુ જીવન આકરું બની જશે
એલબીટીના કાયદાને પગલે છેલ્લા ૨૦ દિવસથી મુંબઈથી કોઈ નવો માલ આવ્યો નથી. જે છે તેનાથી અત્યારે ચલાવવુ પડે છે. જો આમને આમ પરિસ્થિતી રહેશે તો લોકો ઉપર હાલમાં જ મોંઘવારીનો માર પડી રહ્યો છે અને હવે આ કાયદાથી મધ્યમ અને ગરીબ વર્ગનુ જીવન દોહલ્યુ બનશે.
શાંતિલાલ ગાલા, રમકડાની દુકાનના માલિક, નાનીખત્રીવાડ, વલસાડ
મુંબઈથી માલ ન આવતા ભાવવધારાની નોબત
મુંબઈથી માલ ન આવતા છેવટે ભાવ વધારવાની નોબત આવશે. જે વ્યક્તિ કે વેપારી એલબીટી હેઠળ રજિસ્ટર્ડ નહી હોય તો પણ તે એલબીટી કરવેરો, વ્યાજ અને દંડ ચૂકવવાને પાત્ર ગણાશે. ખરીદી કરી છે તેવા વેપારી પાસેથી એલબીટી ભરાઈ ગઈ છે તેનું સર્ટીફીકેટ પણ લેવાનું રહેશે.
સંજયભાઇ મિસ્ત્રી, મોબાઇલના વેપારી, હાલર રોડ, વલસાડ
આંગડિયાઓના પેટ પર લાત પડી છે
નાના વેપારીઓ ઓછી મૂડીનું રોકાણ કરી ગુજરાન ચલાવતા હતા, પરંતુ હવે તેમની હાલત પણ કફોડી બની છે. આ કાયદાથી આંગડિયાના પેટ પર લાત પડી છે. મુંબઈમાં કોઈપણ વ્યકિત નાની થેલીમાં ચીજવસ્તુ ખરીદીને જતી હશે તો તેણે પણ ટેક્ષ ભર્યો કે નહી તેની ચકાસણી કરાશે.
જગુભાઇ વસાણી, આંગડિયા વેપારી, વલસાડ
એલબીટી કાયદાના ભંગ સામે દંડની જોગવાઈ
જો ડીલર બીલ ન આપે તો બમણી એલબીટી જેટલો દંડ લગાડવામાં આવશે. જો નોટિસનો પ્રત્યુત્તર નહી આપવામાં આવે તો રૂ.૧૦ હજારનો દંડ, રિટર્ન ફાઈલ કરવામાં નહી આવે તો રૂ.પ હજારનો દંડ, જો હિ‌સાબ કિતાબ રાખવામાં નહી આવે તો રૂ.પ૦ હજાર કે એલબીટીની બમણી રકમ બેમાંથી જે ઓછી હોય તે દંડ તરીકે વસૂલવામાં આવશે.
લોકલ બોડી ટેક્સ ગુજરાતમાં ના ઉઘરાવી શકાય
અમદાવાદ: ઓક્ટ્રોયની અવેજીમાં વેપારીઓ પાસેથી લોકલ બોડી ટેક્સ ઉઘરાવવાની કેન્દ્ર સરકારની હિ‌લચાલનો વિરોધ કરતાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અન્ડ ઈન્ડસ્ટ્રીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે ગુજરાતમાં આ ટેક્સ ઉઘરાવી શકાય નહિ‌. મહારાષ્ટ્રમાં લોકલબોડી ટેક્સ ઉઘરાવવાની હિ‌લચાલ ચાલી રહી છે તેનો પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ઓક્ટ્રોય નાબૂદીની અમલવારીના ભાગ રૂપે વેપાર ઉદ્યોગ સાથે પરસ્પર સંમતિના ભાગ રૂપે ગ્રામ્ય વિસ્તારની અક્ટ્રોય નાબૂદી માટે ૧૯૯૯માં પેટ્રોલિયમ પરના વેરામાં સેસ નાખવામાં આવી હતી અને મહાનગર પાલિકામાં ઓક્ટ્રોય નાબૂદી માટે ૨૦૦૭માં વેટ ઉપર એડિશનલ ઓક્ટ્રોય નાબૂદીથી વેરો ઓછો ના થાય અને વેપારીઓને કનડતી પ્રથા બંધ થાય એ ઉદેશથી આ પગલા લેવાયા છે.