શાળાઓમાં મોબાઇલ વાપનાર સામે તવાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિક્ષકોને પણ તેમના મોબાઇલ ફોન લોકરમાં મૂકવાની તાકીદ
- ખાસ કરીને ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ સૌથી વધારે મોબાઇલનો શાળામાં ઉપયોગ કરી રહ્યા છે


પારડીની ડીસીઓ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી ચેકિંગ દરમિયાન મળી આવેલા મોબાઇલ ફોનની ઘટનાએ શાળા સંચાલકો અને જેતે શાળાઓનાં આચાર્યની નિષ્ક્રિ‌યતા છતી થઇ રહી છે. તો બીજી તરફ વલસાડ શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને જ નહી, પરંતુ શિક્ષકોને પણ શાળામાં મોબાઇલનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી.વલસાડની શાળાઓની મૂલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ શાળાઓમાં મોબાઇલ લાવતા પકડાશે તો મોબાઇલ જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ પ્રકારની જાહેરાત માઇક ઉપર કરવામાં આવી રહી હતી.વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોને પણ તાકીદ કરવામાં આવતી હતી કે તેઓ ચાલૂ શૈક્ષણિક કાર્ય દરમિયાન કોઇપણ સંજોગોમાં મોબાઇલનો ઉપયોગ કરી શકશે નહી.તેઓ પોતાના ફોન લોકર મૂકયા બાદ જ વર્ગખંડમાં પહોંચે તે પ્રકારની જાહેરાત કરવામાં આવતી હતી.

પારડીની ડીસીઓ હાઇસ્કૂલમાં પોલીસ અને શાળાના આચાર્યએ ઓચિંતી ચકાસણી હાથ ધરી ૪પ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી મોબાઇલ જપ્ત કર્યા હતાં. શાળાઓમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંઘ હોવા છતાં વિદ્યાર્થીઓ નિયમોની અવગણના કરી બિન્દાસ મોબાઇલનો ઉપયોગ કરી રહયા છે.ખાસ કરીને ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ સૌથી વધારે મોબાઇલનો શાળામાં ઉપયોગ કરતા હોવાનું જાણવા મળી રહયું છે.જિલ્લાની તમામ શાળાઓમાં આગામી દિવસોમાં આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરાશે. જો કોઇ વિદ્યાર્થી મોબાઇલ સાથે ઝડપાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

- વિદ્યાર્થીઓની સાથે શિક્ષકને પણ તાકીદ

શાળામાં કોઇપણ વિદ્યાર્થી મોબાઇલ ફોન ન લાવે તે માટે કડક સૂચના આપવામાં આવે છે.સાથે શિક્ષકો પણ પોતે જ વર્ગખંડમાં કે શાળા સમયમાં ફોનનો ઉપયોગ ન કરે તે માટે તાકીદ કરવામાં આવે છે.
ફાલ્ગુની દેસાઇ, આચાર્યા, આર.જે.જે. હાઇસ્કૂલ

- સમયાંતરે મોબાઇલ ન લાવવા માટે જાહેરાત કરાય છે

શાળાનાં શિક્ષકો દ્વારા સમયાંતરે પ્રવેશદ્વાર પાસે સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવે છે.માઇક ઉપર પણ વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન ન લાવવાની તાકીદ કરવામાં આવે છે.
કે.કે. દુદાણી, આચાર્ય, જીવીડી હાઇસ્કૂલ

- નિયમોનું પાલન કરાવાશે

જિલ્લાની તમામ શાળાઓમાં નિયમોનું પાલન કરાશે. શાળાઓને આ અંગે તાકીદ કરાઇ છે.વાલીઓએ પણ આ બાબતે ધ્યાન રાખવાની જરૂર છે. મોબાઇલ ન લઇ જવા વાલીઓએ પણ પહેલ કરવી જોઇએ.ડી.જી.પટેલ, ડીઇઓ

- વર્ગખંડ કે શાળા પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

શિક્ષકોને લેખીત જાણ કરી દેવાઇ છે. તેઓ કોઇપણ સંજોગોમાં વર્ગખંડ કે લોબીમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરે. સાથે વિદ્યાર્થીઓને પણ માઇક ઉપર એનાઉન્સ કરી મોબાઇલ ન લાવવાનો આદેશ કરી સમયાંતરે ચેકિંગ પણ કરવામાં આવે છે.આર.એમ.પટેલ, આચાર્ય, આવાંબાઇ હાઇસ્કૂલ