એમજી રોડ ઉપર ડ્રેનેજ ઉભરાતાં વેપારીઓમાં રોષ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડમાં એમજી રોડ ઉપર ભરચક વેપારી લત્તામાં ડ્રેનેજ લાઇનનું પાણી ઉભરતાં વેપારીઓમાં રોષ ફેલાઇ ગયો હતો. શોરૂમો અને વસ્ત્રોની દુકાનોમાં લગ્ન સિઝનના પગલે ઉમટેલાં ગ્રાહકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયાં હતાં. પાલિકાને આ મામલે જાણ કરી વેપારીઓએ ડ્રેનેજ વિભાગનાં કર્મચારીઓનો બરાબર ઉધડો લીધો હતો.

શહેરમાં હાલે લગ્ન સિઝનના પગલે બજારમાં ભારે ભીડ રહે છે. ખાસ કરીને શહેરનાં મુખ્ય વેપારી લત્તા એમજી રોડ ઉપર રેડી મેઇડ વસ્ત્રો અને પગરખાંના શોરૂમો ગ્રાહકોથી ભરચક રહે છે. દરિમયાન રોડ ઉપરથી પસાર થતી ડ્રેનેજ લાઇન અચાનક ઊભરાતાં ગંદુ પાણી માર્ગ ઉપર ફેલાઇ ગયું હતું. આખો રોડ દૂષિત પાણીથી ખદબદ થઇ જતાં ગ્રાહકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયાં હતાં. આ વિસ્તારનાં વેપારીઓની દુકાનમાં ગ્રાહકોની અવરજવરને અસર થતાં અકળાયાં હતા.

ગંદા પાણી જાહેર માર્ગ પર પ્રસરી જવાના પગલે વાહનચાલકોની હાલત પણ ખરાબ થઇ હતી. આ મામલે પાલિકા તંત્ર ઉપર વેપારીઓએ પણ રોષ ઠાલવ્યો હતો. શહેરના ભરચક ધંધાકીય વિસ્તારમાં આ સ્થિતિ સર્જા‍તાં લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ગંદા પાણીમાંથી પસાર થવું દુષ્કર થઇ પડયું હતું. એમજી રોડ ઉપર આવનારાં ગ્રાહકો અન્ય વિસ્તારમાં ખરીદી માટે વળી જતાં વેપારીઓ હતાશ થયાં હતા.