ગોપાલકના એમડી જયસુખે ૩પ૦ બોર્ડ મેમ્બરને પણ ઠગ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોર્ડ ઓફ મેમ્બર બનવા માટે વ્યકિત દીઠ રૂા.૬૯ હજાર પ્રમાણે કુલ રૂા.૨.૪૧ કરોડ કઢાવ્યા હતા
પ૦૦૦ લીટર દૂધના વેચાણ બાદ મેમ્બરને દર મહિ‌ને પ૦૦૦ પગાર મળવાની સ્કીમ હતી
દર વર્ષે પગાર વધારવાની પણ ખાતરી આપી હતી


ગોપાલક ડેરીના એમડી જયસુખ અધેરા વલસાડમાં ૧પપ લોકોને રૂા.૧૩ કરોડનો ચૂનો ચોપડી ફરાર થઈ ગયા બાદ જયસુખના નવા નવા ભોપાળા બહાર આવી રહ્યા છે. જેમાં ડેરીના બોર્ડ ઓફ મેમ્બર બનેલા અંદાજે ૩પ૦ લોકો પાસે સભ્ય ફી પેટે રૂા.૨.૪૧ કરોડ કઢાવ્યા બાદ પલાયન થતા બોર્ડ મેમ્બરની હાલત પણ નહી ઘરના નહી ઘાતના જેવી થઈ છે. લોકોને દૂધની પ્રોડકટમાં રોકાણ કરવાની લાલચ આપી વર્ષે દહાડે લાખો રૂપિયાની કમાણી કરી આપવાના સ્વપ્નો માસ્ટર માઈન્ડ જયસુખે બતાવ્યા હતા. રોકાણકારો પણ રાતો રાત ધનવાન બની જવાની ઘેલછામાં તૂટી પડયા હતા.

જેને પગલે વલસાડમાં જ અંદાજે ૧પપ લોકો જોડાયા હતા જેઓના રૂા.૧૩ કરોડ ચાઉં કરી એમડી જયસુખ અધેરા હાલ ફરાર છે. જયસુખે રોકાણકારોને તો ઉલ્લું બન્યા પણ સાથે સાથે નોકરી વાંચ્છુ બેરોજગારો સાથે પણ ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જયસુખે એવી સ્કીમ મુકી હતી કે, જે કોઈ પણ બોર્ડ ઓફ મેમ્બર બને તેણે સભ્ય ફી પેટે રૂા.૬૯ હજાર ભરવાના રહેશે અને તે પ૦૦૦ લીટર દૂધ વેચે ત્યાં સુધી તેને દૂધમાંથી તો આવક મળશે જ પરંતુ સાથે સાથે જો તે બોર્ડ ઓફ મેમ્બર પ૦૦૦ લીટર દૂધનું વેચાણ કરી દે તો ત્યાર બાદ તેમને દર મહિ‌ને રૂ.પ૦૦૦ પગાર પેટે ચૂકવવામાં આવશે.

જેમાં વર્ષે દહાડે વેતનમાં વધારો પણ કરવામાં આવશે. આ સ્કીમની લાલચમાં અંજાઈને અંદાજે ૩પ૦ લોકોએ કુલ રૂા.૨,૪૧,પ૦,૦૦૦ ની રકમ ભરી બોર્ડ ઓફ મેમ્બર બન્યા હતા. જેઓના સ્વપ્નો પણ ચકનાચૂર થયા છે. હાલમાં રોકાણકર્તાઓ અને જયસુખની વાતોમાં ઠગાયેલા લોકો પોત પોતાની રકમ યેનકેન પ્રકારે મળે તે માટે એડી ચોટીનું જોર લગાવી આજે નહી તો કાલે ડેરી ચાલુ થશે તો અમને અમારા નાણા મળી જશે એમ કહી સામે આવવા માટે સંકોચ અનુભવી રહ્યા છે.