સાયન્સમાં ગણિતના પેપરે વિદ્યાર્થીઓને રડાવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ
મોટાભાગના વિદ્યાર્થીઓને ૧૦થી ૧૨ માર્કના પ્રશ્નો છૂટી ગયા
ટવીસ્ટ પ્રશ્નોને સમજવામાં વિદ્યાર્થીને સમય વેડફાયો
ધોરણ-૧૨ સાયન્સ ચોથા સેમેસ્ટરની ગણિતના પેપરમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો ખૂબ જ અઘરા પૂછાયા હોઈ મોટાભાગના વિદ્યાર્થીઓના ૧૦થી ૧૨ માર્કના પ્રશ્નો છૂટી ગયા હતા. જેથી પરીક્ષા બાદ સેન્ટરો પર વિદ્યાર્થીઓ રડતા જોવા મળ્યા હતા. એકંદરે પેપર પાઠય પુસ્તકમાંથી જ પૂછાયું હતું પરંતુ પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછ્યા હોઈ વિદ્યાર્થીઓ નિયત સમયમાં પેપર પૂરું કરી શક્યા ન હતા. વલસાડમાં ધો-૧૨ સાયન્સના ૩૨૦૭માંથી ૩૧૮પ હાજર અને ૧૨ ગેરહાજર રહ્યા હતા.
ગેરરીતીનો કોઇ બનાવ નોંધાયો ન હોવાનુ શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના અંગ્રેજીના પેપરમાં ૨૮૮ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા અંતિમ તબક્કામાં પહોંચી છે. સોમવારે વિદ્યાર્થી‍ઓએ અંગ્રેજીનું પ્રશ્રપત્ર આપ્યું હતું. પેપર સરળ નિકળતા વિદ્યાર્થી‍ઓએ હાશકારો અનુભવ્યો હતો. વલસાડ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પરથી ૧૬,૮૮૭ વિદ્યાર્થી‍ઓએ અંગ્રેજીનું પેપર આપ્યું હતું. જ્યારે ૨૮૮ ગેરહાજર રહ્યા હતા. જયારે જુના કોર્ષના ગુજરાતી વિષયની પરીક્ષામા નોંધાયેલા ૧પ૭ સામે ૧પપ વિદ્યાર્થીઓ હાજર અને ૨ ગેરહાજર રહ્યા હતા.
એમસીક્યૂના બે-ત્રણ પ્રશ્નો છૂટી ગયા
એમસીકયુ વિભાગમાં પ્રશ્ર ઉલ્ટાવીને પુછાયા હોય તેને સમજવામાં સમય વેડફાયો હોવાનું જણાવવાની સાથે વિદ્યાર્થીઓએ પ્રશ્રપત્રના બી-વિભાગમાં મહત્તમ પ્રશ્ર પાઠયપુસ્તક આધારીત રહ્યો હોય રાહત અનુભવી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. એક કલાકમાં એમસીકયુના પ૦ પ્રશ્રોના ઉત્તર એક કલાકમાં આપવાના હોય કેટલાક વિદ્યાર્થીઓએ બેથીત્રણ પ્રશ્રના ઉત્તર લખવાના રહી ગયા હોવાનું દુ:ખ પણ વ્યકત કર્યું હતું.
ગણિતમાં પાર્ટ-એમાં કેટલાક પ્રશ્નો લાંબી ગણતરીવાળા પૂછાયા હોઈ વિદ્યાર્થીઓ નિયત સમયમાં પેપર પૂર્ણ કરી શક્યા ન હતા. જેથી સામાન્ય વિદ્યાર્થીઓને ગણિતનું પેપર અઘરું લાગ્યું હતું.
કનૈયાલાલ પટેલ,ગણિત શિક્ષક
ગણિતના પેપરમાં પાર્ટ-એમાં ૧૦ પ્રશ્નો લાંબી ગણતરીવાળા હોઈ ઘણા વિદ્યાર્થીઓને સમય ખૂટી પડયો હતો. પેપર સેટરે પ્રશ્નો પોતાની રીતે તૈયાર કરીને પેપરમાં મૂક્યા હોઈ વિદ્યાર્થીઓ અટવાઈ પડયા હતા.
સાહીલ સર, ગણિત શિક્ષક
ચાલુ વર્ષે પરીક્ષા દરમિયાન વચ્ચે એકપણ રજા નહી
સોમવારથી શરૂ થયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની ચોથા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અતિ મહત્ત્વની ગણાતી હોવાથી પ્રતિ વર્ષ બોર્ડ મહત્વના પેપરો વચ્ચે રજા આપે છે, પરંતુ ચાલુ વર્ષે ચોથા સેમેસ્ટરની પરીક્ષા સળંગ લેવાશે. જેથી વિદ્યાર્થીઓને મહત્વના વિષયોની તૈયારી કરવામાં સમસ્યા ઊભી થશે એમ પરીક્ષા કેન્દ્રોની બહાર ઊભેલા વાલીઓ અને પરીક્ષા આપી બહાર આવી રહેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ-વાલીઓએ જણાવ્યું કે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના જુના કોર્ષ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા વચ્ચે રજા આપી હતી. જ્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના નવા કોર્ષની ચોથા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન એકપણ દિવસની રજા આપી ન હોવાનુ પણ જણાવ્યું હતું.