નવ વર્ષના દિવસે નાખી શરત, રેલવે અધિકારી અચાનક માર્યો લાફો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શરત જીતવા રેલવે અધિકારીને તમાચો મારી દીધો
- નવા વર્ષના દિવસે ત્રણ યુવાનો વચ્ચે શરત લાગી હતી કે જે તમાચો મારે તેને પાર્ટી મળશે
- જેક પરમાર સાથે હાથ મિલાવી હેપ્પી ન્યૂ યર કહ્યા બાદ અચાનક લાફો મારી દીધો


વલસાડ રેલવેમાં એન્ટી ફ્રોડ સ્કવોડના અધિકારી તરીકે ફરજ બજાવતા જેક પરમાર સાંઈ મંદિરના દાદર ઉતરી રહ્યા હતા ત્યારે એક યુવાને મિત્રો સાથે લગાવેલી શરતના ભાગરૂપે જેક પરમારને હેપ્પી ન્યુ યર કહી હાથ મિલાવ્યા બાદ ગાલ ઉપર જોરદાર તમાચો મારી ફરાર થઈ જતા સિટી પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જે કેસમાં પોલીસે ગુરૂવારે ત્રણ નબીરાઓની ધરપકડ કરી છે.

વલસાડના અબ્રામા ખાતે લોકોશેડની પાસે સાંઈ મંદિરની બાજુમાં રહેતા એન્ટી ફ્રોડ સ્ક્વોર્ડના અધિકારી જેક ઉર્ફે જયકીશનદાસ ચીમનલાલ પરમાર ૪ નવેમ્બરે રાત્રિના સમયે પરિવાર સાથે ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારબાદ રાત્રિના ૧૨:૦૦ના ટકોરે સાંઈ મંદિરમાં દર્શન કરી દાદર ઉતરી રહ્યા હતા ત્યારે એક યુવાને તેમને હેપ્પી ન્યૂ યર કહી જમણા ગાલ ઉપર જોરદાર તમાચો મારી ફરાર થઈ ગયો હતો. આ યુવાનની સાથે અન્ય મિત્રો પણ ટોળે વળીને બેઠા હતા. જેઓને પરમાર ઓળખતા હતા.

આ બનાવ અંગે જેક પરમારે સિટી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ત્રણ સામે એનસી ફરિયાદ દાખલ કરી હતી. જેની તપાસ કરી રહેલા એએસઆઈ મુરલીભાઈ ચૌહાણે ત્રણ નબીરાઓને શોધી કાઢી કસ્ટડી ભેગા કરી દીધા હતા. પોલીસ પૂછપરછમાં આ ત્રણેયના નામ અલ્પેશ ઉર્ફે પિન્ટું સુધીર પટેલ (રહે. લોકોશેડની બાજુમાં, ઈસ્ટ રેલવે યાર્ડ), સરફરાજ ઉર્ફે ડબ્બો અસરફ ખાન (રહે. ધોબીઘાટ પાછળ, ઈસ્ટ રેલવે યાર્ડ) અને યક્ષેશ ઉર્ફે ગોરી બલ્લુ પટેલ (રહે.રાધા ક્રિષ્ના સોસાયટી, બીના નગર, અબ્રામા) હોવાનું બહાર આવ્યું હતું. વધુ પૂછપરછમાં આ તમાચા પ્રકરણનું હાસ્યાસ્પદ કારણ બહાર આવ્યું હતું. જેમાં એવું જાણવા મળ્યું કે, નવસારી ડિપ્લોમાં કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનીયરનો અભ્યાસ કરતા અલ્પેશ પટેલે ગમ્મતમાં રિક્ષા ચાલક મિત્ર સરફરાજ અને અન્ય એક મિત્ર યક્ષેશને કહ્યું કે, ચાલો જોઈએ આ જેક પરમારને તમાચો મારવાની હિ‌મંત કોનામાં છે એમ કહી લલકાર્યા બાદ જે તમાચો મારશે તેને પાર્ટી મળશે એવી શરત પણ મુકી હતી.

જેથી આવેશમાં આવી ગયેલો સરફરાઝ તુરંત જ દાદર ઉતરી રહેલા જેક પરમાર પાસે પહોંચી જઈ હેપ્પી ન્યૂ યર કહી તમાચો મારી ફરાર થઈ ગયો હતો. જેક અને મંદિરના મહારાજ સંદિપ પંડયા પાછળ દોડયા હતા પરંતુ ત્રણેય હાથ લાગ્યા ન હતા. બાદમાં ગુરૂવારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી કસ્ટડી ભેગા કરી દીધા હતા.

તમાચો મારનાર સરફરાઝ રિક્ષા ડ્રાઇવર છે

હિ‌ન્દી ફિલ્મોમાં અવારનવાર નિહાળવા મળતા શરતી દૃશ્યોની જેમ આ ત્રણેય યુવાનો વચ્ચે પણ જેક પરમારને તમાચો મારવાની શરત લાગી હતી. જે પૈકી તમાચો મારનાર સરફરાઝ રિક્ષા ડ્રાઈવર છે. જયારે તેના પિતા અશરફ ખાન વલસાડ એસટી વર્કશોપમાં નોકરી કરે છે. જયારે કોમ્પ્યૂટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા અલ્પેશના પિતા વલસાડ રેલવેમાં નોકરી કરે છે. આ સિવાય યક્ષેશ વલસાડ પોલીટેકનીક કોલેજમાં ઈલેકટ્રિકલ એન્જિનિયરનો અભ્યાસ કરે છે. જેના પિતા અતુલ કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય નબીરાઓની ધરપકડ કરતા તેઓના પિતા પોલીસ પર દબાણમાં લેવા માટે લાગવગ ધરાવનારાઓને લઈ પોલીસ મથકે દોડી આવ્યા હતા.