સરીગામમાં યુવાનની હત્યા, આડો સંબંધ કારણભૂત હોવાની શંકા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે બે મિત્ર અને એક મહિ‌લાની અટક કરી
સરીગામના રમઝાન નગરીમાં સોમવારની રાત્રિ દરમિયાન ૩પ વર્ષના યુવાનને ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હતી. યુવાનના મિત્રની પત્ની સાથે આડા સંબંધમાં હત્યા થઇ હોવાનું માની ભીલાડ પોલીસે તે દિશામાં તપાસ આગળ ધપાવી છે. ભીલાડ પોલીસે મિત્ર તેની પત્ની તથા અન્ય એક મિત્રને પૂછપરછ માટે અટક કરી છે.
સરીગામના રમઝાન નગરી ખાતે મદીના ઉંમર ઘાંચીની ચાલમાં ચુન્નીલાલ રાનનગર (ઉ.વ.૩પ મુળ યુપી એકલો રહેતો હતો. હાલમાં એક સપ્તાહથી યુપીથી અન્ય સંબંધી જોડે આવેલો પાંચ વર્ષનો પુત્ર વિશાલ રહેતો હતો. ગત રાત્રિ પાંચ વર્ષના વિશાલના જણાવ્યા મુજબ રાત્રે તેના મિત્ર વિશાલના પિતા તથા તેનો અન્ય એક મિત્ર રૂમમાં આવ્યા હતા. ત્યાર બાદ સુઇ ગયેલા વિશાલે સવારે ઊઠી તેમના પિતાને ઉઠાડતા પિતા ન ઉઠતા બાજુમાં રહેતા તેમના કાકાને જાણ કરી હતી.
કાકા નંદલાલ ચુન્નીલાલ આવીને જોતા તેમનો ભાઇ મૃત હાલતમાં પડયો હતો. આ બનાવની જાણ ભીલાડ પોલીસને કરતા પીએસઆઇ બી.કે.સોલંકી સરીગામ આઉટ પોસ્ટના જમાદાર પ્રતાપભાઇ પોતાની ટીમ સાથે પહોંચી જઇ પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન મરનારના બાજુમાં રહેતી પરિણીત મહિ‌લા સાથે આડા સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. ભીલાડ પોલીસે મહિ‌લા તથા તેમના પત્નીની અટક કરી હતી. પ્રાથમિક ધોરણે પૂછપરછ કરતા બંને જવાબોમાં વિરોધાભાષ જણાતા ભીલાડ પોલીસ પતિ-પત્ની તથા ભીલાડ ખાતે રહેતા એક મિત્રની અટક કરી હતી.
યુવાનની હત્યાના પગલે એફએસએલની ટીમ પહોંચી જઇ જરૂરી નમુના લીધા હતા. જયારે ડોગ સ્કવોડની ટીમ પહોંચી હત્યારાની ભાળ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાનને વાયર વડે ગળામાં ટૂંપો આપી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. મરનારના શબને પીએમ માટે ભીલાડ સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
આ બનાવ અંગે મરનારના ભાઇ નંદલાલ ચુન્નીલાલે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ભીલાડ પોલીસ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ બી.કે.સોલંકી કરી રહ્યા છે.