જમીન કૌભાંડની તપાસ વલસાડ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી એલસીબીની તપાસ સંતોષકારક ન જણાતા હાઈકોર્ટે હુકમ કર્યો
નવસારીના ભાજપ અગ્રણીને ૩૦૦ એકરની જમીન વેચી મારવાના કૌભાંડમાં કરોડોની ઠગાઈ કરી હતી
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર ઢેકા ગામમાં આવેલી ૩૦૦ એકરની અન્ય કોઈની જમીન અમરેલીના એક સ્વામી અને ત્રણ મોટા ગજાના દલાલોએ નવસારી ભાજપના ચૂંટણી સેલના કન્વીનરને વેચી મારી ૨.૧૦ કરોડની ઠગાઈ કરવાના કેસની તપાસ ગુજરાત હાઈકોર્ટે નવસારી એલસીબી પાસેથી આંચકી લઈ વલસાડ સીઆઈડી ક્રાઈમને સોંપતો હુકમ કર્યો છે.
નવસારી ભાજપના ચૂંટણી સેલના કન્વીનર મધુભાઈ ભીમજીભાઈ કીકાણીને જમીનમાં રોકાણ કરવુ હોવાથી તેમણે નવસારીના જમીન દલાલ શૌકત અને ઉમેશનો સંર્પક કર્યો હતો. જેઓએ બાદમાં મધુભાઈનો પરિચય મોટા ગજાના જમીન દલાલ તરીકે ગણાતા ઘનશ્યામ હરદાસભાઈ પટેલ સાથે કરાવ્યો હતો. ઠગબાજ જમીન દલાલ ઘનશ્યામભાઈએ આ કૌભાંડમાં સાથીદાર તરીકે ભરત મનજીભાઈ પટેલ મનહરભાઈ મધુભાઈ ચાવડા અને સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટના વિષ્ણુ ચરણદાસ સ્વામીને સામેલ કર્યા હતા.
બાદમાં અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલા ઢેકા ગામની ૩૦૦ એકર જમીન જે અન્ય કોઈની માલિકીની હતી પરંતુ ઘનશ્યામભાઈ અને તેના મળતિયાઓએ આ જમીનના ડુપ્લીકેટ માલિકો મધુભાઈ સમક્ષ રજૂ કર્યા હતા. બાદમાં સાતાખત તથા સોદાચિઠ્ઠી કરી આપી રોકડા ૨.૧૦ કરોડ લઈ લીધા હતા. આ સમયે ભરત પટેલે મધુભાઈ સાથે ભાગીદારી કરી ભાગીદારી કરાર તૈયાર કર્યા હતા, જયારે સ્વામીજી વિષ્ણુએ આ જમીન બાદમાં ટ્રસ્ટ માટે ઉંચા ભાવે ખરીદવાની ઈચ્છા દર્શાવી બાંહેધરી પત્ર અને પરસ્પર સમજૂતી કરાર કરી આપ્યા હતા.
થોડા દિવસો બાદ મધુભાઈ કીકાણીએ જમીન નામે કરી આપવાની વાતો કરતા તમામના મોબાઈલ ફોન બંધ થઈ ગયા હતા. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનુ માલૂમ પડતા ચારેય વિરૂધ્ધ નવસારી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એલસીબી કરી રહી હતી. એલસીબીની તપાસ સંતોષકારક ન જણાતા આ કેસની તપાસ વલસાડ સીઆઈડી ક્રાઈમના પીઆઈ આર.જે.વાળાને સોંપતો આદેશ કરવામાં આવ્યો છે.