વલસાડ: નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...
રાત્રિના ૧૨ ના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય હો નંદ લાલ કી નારા ગુંજી ઉઠયા


વલસાડ: વલસાડમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ શ્રધ્ધાભેર ઉજવવામાં આવ્યો હતો. રાત્રિના ૧૨ વાગ્યાના ટકોરે શહેરના મંદિરોમાં તેમજ લોકોના ઘરોમાં પણ શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. વલસાડમાં શાકભાજી માર્કેટ ખાતે, ભીડ ભંજન મંદિર પાસે અને તીથલ રોડ ઉપર હેપ્પીનેસ પાસે વિવિધ મંડળો દ્વારા કૃષ્ણજન્મોત્સવ ઉજવાયો હતો. શાકભાજી માર્કેટ ખાતે આવેલા કૃષ્ણ મંદિરમાં પણ ખૂબ જ ધામધૂમ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. આ સાથે શાકભાજી માર્કેટના સિધ્ધનાથ મહાદેવ મંદિર, મોગરાવાડીના પાદરદેવી મંદિર અને તીથલના સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય મંદિરોમાં પણ શ્રી કૃષ્ણજન્મોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો.

ભાવિક ભકતોએ હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી નારા સાથે કૃષ્ણ જન્મોત્સવને વધાવી લીધો હતો. ભાવિક ભકતોએ પારણું ઝુલાવી ધન્યતા અનુભવી હતી. કેટલાક ઠેકાણે કેક પણ કાપવામાં આવી હતી. બીજા દિવસે રવિવારે ઠેર ઠેર મટકીફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૨ થી ૧પ ફૂટની ઉંચાઈ પર બાંધેલી મટકીઓ ગોવિંદાઓએ પિરામીડ આકાર બનાવી તોડી હતી. આ વેળા સમગ્ર માહોલ કૃષ્ણમય બન્યો હતો. આ પર્વની ઉજવણી વેળા શહેરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સંજાણમાં પણ નીકળી ગોવિંદાની ટોળી
વાપી : સંજાણ સ્થિત જય અંબે નવયુવક મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ બાદ સોમવારે દહીં હાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સંજાણમાં ગોવિંદાની ટોળીએ ધમાલ મસ્તી કરીને આખા સંજાણ શહેરમાં બપોરે ૨ વાગ્યાથી ૭ વાગ્યા દરમિયાન ડીજેના તાલ સાથે ગોવિંદા આલા રે.. ના નારા સાથે ધૂમ મચાવી હતી. આ ટોળી રામ મંદિરથી શરૂ કરી ઉદવા રોડ, સ્ટેશન રોડ, આમગામ રોડ થઇને અંબા માતાના મંદિરે પહોંચીને પીરામિડ બનાવીને મટકી ફોડતા જ લોકો માખણચોરના નારા સાથે ઝૂમી ઉઠયા હતા. સંજાણ ખાતે રહેતા નમ્રતાએ જણાવ્યું કે, સંજાણમાં વર્ષોથી પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ભક્તિભાવ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

વીએચપી સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે રેલી
વલસાડ : વલસાડમાં વિશ્વ હિ‌ન્દુ પરિષદ સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરનાં મુખ્યમાર્ગો ઉપરથી પસાર થયેલી રેલીમાં વીએચપી, બજરંગ દળ અને લાયોનેસ કલબનાં સભ્યો જોડાયાં હતા. વીએચપીનાં જિલ્લા પ્રમુખ નટુભાઇ પટેલ (ગાયત્રી), ભીડભંજન જનસેવા ટ્ર્સ્ટનાં સંસ્થાપક શિવજી મહારાજ, નરેશ રામાનંદી, લાયોનેસ કલબનાં પ્રમુખ જાસ્મિન પ્રજાપતિ, આરઆરએસનાં શિલાબેન પાન્ડે સહિ‌ત રાષ્ટ્ર સેવકોએ રેલીમાં ભાગ લીધો હતો. શિવજી મહારાજે રેલીનું ભાવભીનું સ્વાગત કરી ઠંડાપીણાંની વ્યવસ્થા ગોઠવી હતી. આ પ્રસંગે તેમણે રેલીમાં જોડાયેલા સભ્યોને ધાર્મિ‌ક એકતા માટે આશિર્વચન આપ્યાં હતાં.

પારડી શહેરમાં ઠેરઠેર જન્માષ્ટમીની ઉજવણી, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...