• Gujarati News
  • IT Survey On Almost 9 Companies Of VIA President And His Brother

VIAના મા. પ્રમુખની કંપનીઓ પર ITનો સરવે, ત્રણ ભાઇઓની 9 કંપની સંકજામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
દરોડા: માજી પ્રમુખ શિરીષ દેસાઇ સહિત ત્રણ ભાઇઓની 9 કંપની સંકજામાં
કેમિકલ કંપનીઓ હવે ITના ટાર્ગેટ પર
વાપી: વાપી અને સરીગામના કેમિકલ કિંગ ગણાતા વીઆઇએ અને એસઆઇએ(સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન)ના માજી પ્રમુખ શિરીષ દેસાઇ અને તેના ભાઇઓની અંદાજીત ૯ જેટલી કંપની પર વાપી આઇટીએ સાગમટે સરવે હાથ ધર્યો છે. આ કંપનીઓમાં હાથ ધરાયેલા સરવેને લઇ અન્ય કેમિકલ કંપનીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. વાપી આઇટી દ્વારા કેમિકલ કંપનીઓ પર સરવેની આ પ્રથમ ઘટના હોવાનું જણાઇ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી શિરીષ દેસાઇએ રિયલ એસ્ટેટમાં પણ ઝંપલાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
અભ્યાસે એન્જિનિયર એવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વલસાડના સીઆઇટી એસ. એસ. પરીદાએ કેમિકલ કંપનીઓ પર સરવેનું નવું ક્ષેત્ર શરૂ કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ વાપીના એડિશનલ કમિશનર લાલા ફિલીપ્સની ટીમે સરીગામ અને વાપીની ૯થી વધુ કેમિકલ કંપની પર એક સાથે સરવેની કામગીરી હાથ ધરી છે. વાપીના જાણીતા એવા શિરીષ દેસાઇ તેમના ભાઇઓ સંજય દેસાઇ અને શૈલેષ દેસાઇની તમામ કંપનીઓ પર આઇટીની ટીમ એક સાથે ગુરુવારે સવારે ત્રાટકી હતી. આઇટીના ૫૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની ૧૦ થી વધુ ટીમ આ કંપનીઓ પર પહોંચી ગઇ હતી. જેના પગલે સરીગામ વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો.
શિરીષ દેસાઇ અને તેમના ભાઇઅોની સૌથી વધુ કંપનીઓ સરીગામમાં ધમધમે છે. જેમાં ખાસ કરીને અપૂર્વ કેમિકલ, પોલીસોલ વગેરે તેમની કંપનીઓ છે. આ સિવાય પણ ૭ થી વધુ કંપનીઓ તેમની છે. આ તમામ કંપનીઓ પર આઇટીની ટીમે સવારથી તપાસ હાથ ધરી છે. આઇટીની ટીમે તેમના સ્ટોક રજીસ્ટર તેમજ તેમના ખરીદ વેચાણના દસ્તાવેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત તેમણે રિયલ એસ્ટેટમાં પણ મોટું રોકાણ કર્યું હોવાની વ્યાપક ચર્ચા છેલ્લા કેટલાક સમયથી વાપીમાં ચાલી રહી છે.
ત્યારે આઇટીએ તેમના રિયલ એસ્ટેટ સાથેના પણ અનેક વ્યવહારોની ચકાસણી શરૂ કરી દીધી છે. સરીગામમાં હાલ શિરીષ દેસાઇનું કેમિકલ ક્ષેત્રે મોટું નામ છે. તેઓ કોંગ્રેસના અગ્રણી છે. તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી નગરપાલિકાની ચૂંટણી પણ જીત્યા હતા. જોકે, આ વર્ષે તેઓને પાલિકાની ચૂંટણીમાં જીત હાંસલ થઇ શકી ન હતી. ત્યારે તેમના ગૃપ પર પડેલા આ દરોડાએ રાજકીય વતૃળમાં પણ ખાસ્સી ચર્ચા જગાવી છે.