વાપી: આઇટી રિટર્નમાં ભૂલ બદલ પેનલ્ટીની વસૂલાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ઇન્કમ ટેક્સ ઓફિસ )

આઇટી રિટર્નમાં ભૂલ બદલ પેનલ્ટીની વસૂલાત
જૂના રોકાણો ન દર્શાવનારા કરદાતાઓ પાસે પેનલ્ટીની વસૂલાત થઇ રહી છે
આ કેસમાં ૩૦ ટકા ટેક્સ ઉપરાંત ૩૦ ટકા સુધીની પેનલ્ટીની વસૂલાત


વાપી: ઇન્કમ ટેક્સના રિટર્નમાં નાની ભૂલ પણ થાય તો તેને માટે પેનલ્ટી ભરવા તૈયાર રહેવું પડશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હાલ સર્ચ સરવેને બદલે વિવિધ જૂના કેસમાં પેનલ્ટી વસૂલવામાં વધુ વ્યસ્ત બની છે. ઇન્કમટેક્સ વાપી દ્વારા ૪ વર્ષ જૂના રોકાણો રિટર્નમાં ન દર્શાવનારા કરદાતાઓ પાસે ટેક્સ વસૂલ્યા બાદ હવે તેમને પેનલ્ટી વસૂલાત માટે નોટિસ પાઠવી છે. જેને લઇ કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે.ચાર પાંચ વર્ષ અગાઉ રિટર્ન ભરતી વખતે જે તે સમયે શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણો રિટર્નમાં ન દર્શાવનારને ટેક્સ વસૂલાત માટે નોટિસ પાઠવી હતી.

વાપી ઇન્કમટેક્સે આવા અનેક કરદાતાઓને નોટિસ પાઠવી હતી. જૂના હિ‌સાબો ફરીથી તાજા કરવામાં અસમર્થ નિવડતા તેમને ટેક્સ ભરવાનો વારો આવ્યો હતો. આ કરદાતાઓએ ૪ વર્ષ અગાઉની તૃટી માટે ટેક્સની તો ચૂકવણી કરી દીધી હતી, પરંતુ હવે તેમના પર પેનલ્ટીની વસૂલાત માટેની નોટિસ આવી રહી છે. ત્યારે તેમની મુશ્કેલી વધી રહી છે.કેટલાક કેસમાં કરદાતાઓએ ૩૦ ટકાના ટેક્સ ઉપરાંત ૩૦ ટકા સુધીની પેનલ્ટી ભરવી પડી રહી છે. જેને લઇ તેમની હાલત કફોડી બની છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ સ્કૂટીની તેમજ રિટર્ન એનાલિસીસ કરવાની પ્રક્રિયા વધુ વેગવંતી બનાવાઇ છે. જેને લઇ હવે નાના કરદાતાઓ પર પણ આઇટીનો સકંજો વધુ કસાઇ રહ્યો છે. જ્યારે મોટા કરદાતાઓ પરથી સરવે અને દરોડાની ઘાત ઓછી થઇ રહી છે.