• Gujarati News
  • Indira Gandhi National Old Age Pension Scheme Latest News Valsad

વૃધ્ધો માટેની આર્શિવાદરૂપ પેન્શનર યોજના બની કષ્ટદાયી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃધ્ધો માટેની આર્શિવાદરૂપ પેન્શનર યોજના બની કષ્ટદાયી
વૃધ્ધો પેન્શન માટે દર મહિને પોસ્ટ, પ્રાંત અને મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે
દર બે માસે મળતા નાણા છ મહિના બાદ પણ મળતા નથી
વલસાડ: ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ કપરાડામાં યોજાયેલા કાર્યક્રમમાં વૃધ્ધ પેન્શન માટેના પ્રમાણપત્રો આપ્યા હતા. પરંતુ આ પેન્શન મેળવવા માટે વલસાડના વૃધ્ધો પ્રાંત કચેરી, મામલતદાર અને પોસ્ટ ઓફિસના ધરમધક્કા ખાઈ રહ્યા છે. જેને પગલે આ યોજના વૃધ્ધો માટે આર્શિવાદરૂપ નહી પરંતુ કષ્ટદાયી બની રહી છે.નિરાધાર વૃધ્ધોનું ઘડપણ સારી રીતે પસાર થાય તે માટે તેમને સરકાર દ્વારા આર્થિક મદદ મળી રહે તે માટે કપરાડા ખાતે યોજાયેલા સરકારી કાર્યક્રમોમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વૃધ્ધોને સહાય યોજના માટેના પ્રમાણપત્રો આપ્યા હતા. પરંતુ નવેમ્બર માસ પસાર થઈ જવા છતાં હજુ પેન્શનરોને મે માસના પણ પેન્શનના નાણા મળ્યા નથી.

દર મહિને વૃધ્ધો પોસ્ટ ઓફિસમાં જાય છે તો ત્યાં એવો જવાબ સાંભળવા મળે કે, હજુ સુધી અમારી પાસે પૈસા આવ્યા નથી, મામલતદાર કચેરીમાં જઈ તપાસ કરો, જેથી મામલતદાર કચેરીના ધક્કા ખાઈ છે ત્યાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ વૃધ્ધો સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરી તેઓને કચેરીમાંથી હાંકી કાઢે છે. તો કેટલીક વાર વૃધ્ધોને પ્રાંત કચેરીમાં તપાસ કરવા માટે જવાનું કહે છે. જેથી પ્રાંત કચેરીમાં તપાસ કરે તો એવું સાંભળવા મળે કે, ગ્રાંટ આવશે એટલે પૈસા મળશે. છેલ્લા છ માસથી આજની આજ મોકાણ હોવાથી સિનિયરો સિટીઝનો સરકાર તરફથી મળતી પેન્શન સહાયના નાણા મેળવવા માટે ધક્કા ખાતા હોવાથી દયનીય હાલતમાં મુકાયા છે. જેથી આ મામલે વહીવટી તંત્ર સજાગ વૃધ્ધોને નિયમિત પેન્શન મળે એવી વ્યવસ્થા ગોઠવવા માટે માગ કરી છે.
ઘરડા ઘડપણમાં ઓશિયાળું જીવન જીવવું પડે છે: પેન્શનર
વલસાડના ધોબીતળાવ ખાતે રહેતા પેન્શનર રોશનબી અબ્દુલ કુરેશીએ જણાવ્યું કે, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં પેન્શનના નાણાની પૂછપરછ કરવા માટે જઈએ તો તેઓ નિમ્નભાષાનો પ્રયોગ કરી કચેરીમાંથી હડધૂત કરી હાંકી કાઢે છે. વલસાડની સરકારી કચેરીઓમાં સિનિયર સિટિઝનોને અધિકારીઓ તેમજ કર્મચારીઓ સરખા જવાબ આપતા ન હોવાથી ઘરડા ઘડપણમાં ઓશિયાળું જીવન જીવવું પડે છે.
ગ્રાંટ ન આવે તો અમે શુ કરીએ?
પેન્શનરના સંબંધી મહમંદ હાસીફ શેખે જણાવ્યું કે, આ પેન્શનના નાણા દર બે મહિને મળી જવા જોઈએ એવો નિયમ છે પરંતુ છ માસ ઉપરાંતનો સમય પસાર થઈ જવા છતાં પેન્શનરોને નાણા મળતા નથી. જેથી સરકારની આ યોજના સામે જ વૃધ્ધોમાં આક્રોશ ફેલાયો છે. અધિકારીઓ અને કર્મચારીઓને પૂછપરછ કરીએ તો એવો જવાબ મળે કે, ગ્રાંટ ન આવે તો અમે શું કરીએ? પરંતુ તેઓ ગ્રાંટ નિયમિત આવે તે માટે કોઈ પ્રયત્ન કરતા નથી.
સાહેબ મિટીંગમાં છે એમ કહી મળવા દેતા નથી.
સિનિયર સિટિઝનોએ જણાવ્યું કે, પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરવા માટે જઈએ તો તેમનો સ્ટાફ તેમને મળવા દેતો નથી. તેમ છતાં પણ મળવાની જીદ કરીએ તો કર્મચારીઓ એવો જવાબ આપે છે કે, સાહેબ અત્યારે મિટીંગમાં છે તમને મળી શકે એમ નથી. એવા ચોક્કસ જવાબો દર વખત આપે છે.
પ્રાંત અધિકારી અને મામલતદાર બંનેને વૃધ્ધોની પીડાથી કોઈ ફરક પડતો નથી
આ અંગે વલસાડ પ્રાંત અધિકારી સી.એન.પટેલ અને મામલતદાર એમ.એસ.વસાવાના મોબાઈલ નંબર ઉપર ફોન કરતા તેમના ફોનની ઘંટડી રણકતી રહી હતી. બાદમાં તેમને વૃધ્ધોને સરકારી પેન્શન મેળવવા માટે પડતી મુશ્કેલીઓ અંગે પણ એસએમએસ કરી તેનો જવાબ જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ બંને અધિકારીઓને વૃધ્ધોની પીડાથી કોઈ ફરક જ પડતો ન હોય તેમ તેઓ નિરૂત્તર રહ્યા હતા.