વલસાડ: સ્વાતંત્ર્ય પર્વે તિરંગાને જિલ્લામાં શાનથી સલામી અપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી )

સ્વાતંત્ર્ય પર્વે તિરંગાને જિલ્લામાં શાનથી સલામી અપાઇ
ઉમરગામમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે કલેકટરે ધ્વજવંદન કરાવ્યું
વલસાડ-વાપી-પારડીમાં ઠેરઠેર ઉમંગભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ


ઉમરગામ/વલસાડ/વાપી: જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં અરબી સમુદ્ર કિનારે આવેલા મેદાને કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ ધ્વજારોહણ કરી પરેડની સલામ ઝીલી હતી. તેમજ મુખ્યમંત્રીની વિવિધ યોજનાઓનું ઉપસ્થિતોને માહિ‌તી આપી હતી.ઉમરગામ શહેરના રમત-ગમતના મેદાન ખાતે જિલ્લા કક્ષાનો ૬૮મો સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૯ કલાકથી શરૂ આ કાર્યક્રમમાં સૌપ્રથમ કલેક્ટર ડો.વિક્રાંત પાંડેના હસ્તે ધ્વજ વંદન કર્યુ હતું. તિરંગાને સલામી આપ્યા બાદ પોલીસ પરેડ અને શાળાના બાળકો દ્વારા આ પ્રસંગે રંગારંગ કૃતિઓ રજૂ કરી હતી.

કાર્યક્રમમાં જિલ્લાના રમતવીરો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મીનાબેન ચૌધરી, ધારાસભ્ય, કનુભાઈ દેસાઈ, રમણ પાટકર, પૂર્વ ધારાસભ્ય દોલતભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ વડા નિપૂણા તોરવણે, જિલ્લા વિકાસ અધિકારી જી.સી.બ્રહ્મભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી કાજલબેન ગામીત, તાલુકા પંચાયત પ્રમુખ જીજ્ઞાબેન ધોડી, જિલ્લા પંચાયત સભ્ય કર્તિી ઉર્ફે કનુભાઈ સોનપાલ, ઉમરગામ પાલિકા પ્રમુખ જશુમતીબેન દાંડેકર સહિ‌ત અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો હાજર રહ્યા હતા.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉમરગામ તાલુકામાં પ્રમુખ જીજ્ઞાબેન ધોડીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જયારે પાલિકામાં જશુમતીબેન દાંડેકરે ધ્વજવંદન કર્યુ હતું. યુઆઇએમાં ઉપપ્રમુખ ભગવાનભાઇ ભરવાડે ધ્વજવંદન કર્યુ હતું.

વલસાડ સાયન્સ અને લો કોલેજના વિદ્યાર્થીઓએ ખરાઅર્થમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવ્યો
સ્વાતંત્ર્ય પર્વના દિવસે જાહેર રજા હોવાથી લોકો માટે અને ખાસ કરીને યુવાનો માટે રજાનો દિવસ ફિલ્મ જોવા માટે કે હરવા ફરવા જવા માટેનો હોય છે. પરંતુ વલસાડના કોલેજીયન યુવાનોએ રજાના દિવસે પણ ખરા અર્થમાં કોલેજના વર્ગખંડમાં હાજરી આપી આ પર્વની ઉજવણી ઉત્સાહભેર કરી હતી. વલસાડની સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રસંગે વિશાળ પ્રભાતફેરીનું આયોજન કર્યુ હતું. શહેરના માર્ગો પરથી વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે નીકળેલી આ પ્રભાતફેરીએ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર જગાવ્યું હતું. વલસાડ કોલેજ કેમ્પસના પટાંગણમાં શાહ કે.એમ.લો કોલેજના આચાર્ય ડો.જે.ટી.દેસાઈએ ધ્વજ વંદન કરતા આટર્સ અને કોમર્સ કોલેજના આચાર્યો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પણ તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કર્યુ હતું.

બાદમાં લો કોલેજ દ્વારા કાયદાના વિદ્યાર્થીઓમાં દેશદાઝની ભાવના જાગૃત્ત થાય એવા આશયથી વર્ગ ખંડમાં દેશભકિત સંદર્ભે દેશભકિત ગીત, નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લો કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાદમાં વિજેતા સ્પર્ધકોને કોલેજના આચાર્ય ડો. જે.ટી.દેસાઈ, પ્રા. ડો. સંજય મણિયાર, પ્રા.નિરંજન દેસાઈ, પ્રા.તન્વીબેન દેસાઈ, પ્રા.સકીના પાશી, પ્રા.વૈશાલી પ્રજાપતિ અને બિનશૈક્ષણિક સ્ટાફના સભ્યોએ પણ અભિનંદન પાઠવ્યા હતા. નિર્ણાયક તરીકે પ્રો.દિનકર ટંડેલ અને એડવોકેટ પી.સી.સંઘવીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડો. સંજય મણિયારે કર્યુ હતું.

વલસાડમાં સ્વાતંત્ર્ય પર્વ રક્તદાન ઉત્સવ પર્વ
વલસાડમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉમરગામ ખાતે થતા જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જયારે વલસાડ શહેરના આઝાદ ચોક ખાતે પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપપ્રમુખ કૌશિક માકડીયા તથા પાલિકાના સભ્ય અને શહેરીજનોએ ભાગ લીધો હતો. જિલ્લા પંચાયતના પટાંગણમાં જિ. પં. ના પ્રમુખ મીનાબેન ચૌધરીની ઉપસ્થિતીમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત ખાતે પ્રમુખ કલ્પનાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. વલસાડ ડીએસપી કચેરીના પટાંગણમાં કયુઆરટી પીએસઆઈ એમ.જી.ચૌધરીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જયારે સીટી પોલીસ મથકે પીઆઈ એમ.એન.ચૌધરીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

બાદમાં તમામ પોલીસ મિત્રોએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. આ સિવાય પણ તમામ સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓમાં અને કોન્વેન્ટ સ્કૂલ, શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ, સાર્વજનિક મંડળની શાળાઓ સહિ‌ત વિવિધ શાળાઓમાં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગને ઉમિયા સોશ્યલ ગ્રુપે રક્તદાન ઉત્સવ તરીકે ઉજવી મોંઘાભાઈ હોલ ખાતે મહારકતદાન શિબિરનું આયોજન કર્યુ હતું. જેમાં ૭૨પ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. શિબિરના પ્રારંભે પ્રથમ પાંચ રકતદાતાઓના હસ્તે દીપ પ્રાગ્ટય કરાવવામાં આવ્યું હતું. આ સાથે વલસાડના ડુંગરી રેલીયા ફળિયા ખાતે પણ અતુલ રૂરલ ડેવપમેન્ટ ફંડ અને રેલીયા ફળિયા મિત્ર મંડળ ડુંગરી તથા આર્ટ ઓફ લિવીંગ ગૃપ, ડુંગરી દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યુ હતું.