તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • How To Get A Police Officer To Change The Pressure Reached Babu Marwadi

કેવી રીતે પોલીસ અધિકારીની બદલી કરાવી દેવાની વગ સુધી પહોંચ્યો બાબુ મારવાડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દારૂ સપ્લાયનું આંતર રાજ્ય નેટવર્ક ચલાવનાર બાબુ મારવાડી સહિત ત્રણ આરોપીની વાપી પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. એક સમયનો સામાન્ય માણસ દારૂના સપ્લાયમાં આવ્યા બાદ પોતાની તાકાતથી પોલીસ અધિકારીની બદલી કરાવી દેવા સુધીની વગ રાજકારણમાં કરી હોવાનું ચર્ચાય રહ્યું છે. હાલ તો પોલીસ ત્રણેય બુટલેગર પાસેથી ગેરકાયદે ચાલતા દારૂ સપ્લાયના નેટવર્કની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

મૂળ રાજસ્થાન બાડમેર જિલ્લાના ગઢશિવાણાગામના વતની બાબુલાલ સોહનલાલ શાહ જે વર્ષો અગાઉ તેમના મામા મજુરી કામ માટે મુંબઇ લઇ ગયા હતા. જો કે, બાબુલાલને મામા સાથે પટતું ન હોવાના કારણે મુંબઇ છોડીને બારડોલી ભાગી આવ્યો હતો. અહીં બાબુલાલે અહીં એક સામાન્ય માણસની જેમ ખાલી કોથળા અને તેલના ડબ્બા વેચાતા લેવાનું શરૂ કર્યુ હતું. જો કે, આ કામ કરતા તેની ઓળખ તે સમયના બારડોલીના નામચિન બુટલેગર ભૂરિયા સાથે થઇ હતી. બાબુલાલ બુટલેગર સાથે હવે નાની નાની દારૂની ખેપ મારવાનું શરૂ કર્યુ હતું. બાબુલાલમાંથી ધીરે ધીરે તે હવે બાબુ મારવાડી તરીકે ઓળખાવા લાગ્યો હતો. બાબુ મારવાડી હવે દારૂની નાની ખેપના બદલે દારૂ ભરીને કન્ટેનરો ગુજરાતમાં ઠાલવવાના શરૂ કર્યા હતા. દારૂના ગેરકાયદે સપ્લાયમાં માની ન શકાય તેટલી નોટો આવવા લાગતા આખરે દારૂ સપ્લાયને ઓર્ગેનાઈઝ કરીને અન્ય માણસો રાખીને કરોડો રૂપિયાના કન્સાઇમેન્ટ ગુજરાતમાં ઠાલવવા લાગ્યા હતા.

દસ વર્ષના ટૂંકાગાળામાં દારૂ સપ્લાય કરીને બાબુ મારવાડીએ રાજકીય વગમાં પણ પગ પેસારો શરૂ કર્યો હતો. બીજી તરફ બાબુ મારવાડી આણી મંડળીએ દમણથી નહીં પરંતુ રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાંથી કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતના વિવિધ શહેરમાં સપ્લાય શરૂ કરી દીધી હતી. આમ એક રીતે કહી શકાય કે બાબુ મારવાડી, કેલશ રાઠી અને વિજય ઉર્ફે વજિ સિંધીએ ગેરકાયદે દારૂ સપ્લાયને કોઇક કંપનીની માફક ર્કોપોરેટ સ્વરૂપ આપી દીધું હતું. બાબુ મારવાડી માટે કહેવાય છે કે, દારૂના ધંધામાં તેણે એટલા રૂપિયા અને તાકાત મેળવી લીધી હતી કે રાજકીય વગના ઇશારે તે કોઇ પણ પોલીસ અધિકારીની બદલી ગણતરીના સમયમાં કરવામાં સક્ષમ બની ગયો હતો.

બારડોલીના બાબુ મારવાડી, રાજસ્થાનના સાંચોરગામના કૈલાશ રાઠી અને નડિયાદના વિનોદ સિંધી મધ્યપ્રદેશના ઝાંબુવામાં શરણ લીધું હોવાની બાતમીના આધારે વાપી વિભાગના એએસપી બગરિયાની ટીમ ત્યાં ત્રાટકી હતી. ઝાંબુવાના એક રિસોર્ટમાં જમવા બેઠેલા ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. સાત દિવસના રિમાન્ડ દરમિયાન હાલ તો પોલીસ તેમની પાસેથી ગુનાહિત ઈતિહાસ અને સમગ્ર નેટવર્કની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.