છીરીમાં હોમગાર્ડ ઉપર ફાયરિંગ કરનાર એકની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાપીના છીરીમાં હોમગાર્ડ ઉપર ફાયરિંગ કરનાર એકની ધરપકડ
- દારૂની ખેપ મારતી ટોળકીએ પોલીસને બાતમી આપતો હોવાની આશંકા રાખી કર્યુ હતું ફાયરિંગ


વાપીના છીરી ગાલા મસાલા સ્થિત જીઆઇડીસી વિસ્તારમાં રવિવારે રાત્રે કારમાં આવેલા પાંચ ઇસમોએ હોમ ગાર્ડ ઉપર હત્યાના ઇરાદે ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ઉદ્યોગ નગર પોલીસે પાંચ આરોપી સામે જાનથી મારી નાંખવાની ધમકી તથા હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હોમ ગાર્ડ ઉપર ફાયરિંગ કરનારા પાંચ પૈકી એક આરોપીની સોમવારે રાત્રે ટાઉન વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

વાપી ટાઉનમાં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા વિપુલ માહ્યાવંશી રવિવારે રાત્રે સાડા સાત કલાકે પોતાની બાઇક લઇને ઘરે તરફ જઇ રહ્યા હતા. છીરી જીઆઇડીસી વિસ્તારમાં ઝેન કારમાં આવેલા પાંચ અજાણ્યા ઇસમોએ તેમની કારને આંતરીને દારૂ અંગેની માહિ‌તી પોલીસને કેમ આપે છે એમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી તથા મારી નાંખવાના ઇરાદે ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. જો કે, આ ફાયરિંગમાં હોમગાર્ડ વિપુલનો અદભુત બચાવ થયો હતો.

હોમગાર્ડ વિપુલની ફરિયાદ લઇ ઉદ્યોગ નગર પોલીસે મયુર વસંત પાંચાલ, અતિન પટેલ, ગૌરાંગ વિનોદ માહ્યાવંશી, અનિલ ચંપક કોળી પટેલ તથા દીલિપ ભૈયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની તપાસ હતી તે દરમિયાન સોમવારે રાત્રે ચણોદ કોલોનીમાં સમીર એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર બી-૨૦૧ માં રહેતા મયુર વસંત પટેલની ધરપકડ કરી હતી. પોલીસે મંગળવારે સાંજે આરોપીને ર્કોટમાં રજૂ કરીને ૧૪ મી માર્ચ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂના ખેપની બાતમી આપતા હુમલો
હોમ ગાર્ડ ઉપર હુમલો કરનારા તમામ પાંચ આરોપી એક બીજાને ઓળખે છે. પોલીસના હાથે ઝડપાયેલો મયુર પાંચાલ અને હોમ ગાર્ડ તથા બીજા ઇસમો વાપી જીઆઇડીસીમાં આવેલી એક હાઇસ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા ત્યારથી એક બીજાને ઓળખે છે. આમ અચાનક હોમ ગાર્ડ ઉપર હુમલાને લઇ હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે.

ચોટિલા ફરવા ગયા ત્યાંથી એર ગન લીધી
ફાયરિંગ કરનારા પૈકી ઝડપાયેલા મયુર પાંચાલે જણાવ્યૂ કે, અગાઉની કોચરવા મારા મારીમાં જામીન મળ્યા બાદ તેમના મિત્રો સાથે અંબાજી ચોટિલા ફરવા માટે ગયા હતા. ચોટિલાથી તેઓ ૭૦૦ રૂપિયામાં એર ગન લઇ આવ્યા હતા. હોમ ગાર્ડને ગભરાવવા માટે તેમના ઉપર એર ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું આરોપીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું.