વલસાડનાં ઓવાડાની લેધર ફેકટરીમાં આગ લાગતાં દોડધામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફેકટરીમાં મૂકેલા ઓઇલના ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં ગ્રામજનો ગભરાયા

વલસાડના ઓવાડા ગામે કાર્યરત લેધર બનાવતી ફેકટરીમાં મોડી રાત્રે આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પાલિકાના ત્રણ બંબા આગ બૂઝાવવા પહોંચી ગયા હતા. આ અંગેની જાણ તથા પોલીસ પણ આવી પહોંચી હતી. જો કે કોઇ જાનહાનિ થઇ ન હોવાનું જાણવા મળ્યું હતું. આગના કારણે ફેકટરીનો સરસામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઓવાડા ગામે લેધરનું ઉત્પાદન કરતી ફેકટરીમાં કામદારો ફરજ બજાવી રહ્યાં હતાં, ત્યારે રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં ફેકટરીમાં મૂકેલા ઓઇલ ટેન્કર સાથે જોડેલા પાઇપમાં કોઇક કારણસર લીકેજ થયું હતું.

આ ટેન્કર અને લોખંડના પાઇપમાં અચાનક આગ પકડી લેતાં જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી. જેને લઇ ફેકટરીનાં કામદારોમાં નાસભાગ મચી ગઇ હતી. આગના લપકારા ઉંચે સુધી ઉઠતા ગામ લોકો ફેકટરી પાસે ધસી આવ્યાં હતાં. જોકે, ગેટની અંદર કામદારો આગ બુઝાવવા કાર્યરત હોવાને લઇ કોઇને પ્રવેશ અપાયો ન હતો. આ ઘટનાની જાણ વલસાડ પાલિકાના ફાયર બ્રિગેડને કરાતા ત્રણ બંબાઓ સ્થળ ઉપર પહોંચી ગયાં હતા. જ્યાં પાણીનો સતત મારો ચલાવી આગને શાંત કરવાના પ્રયાસો કરાયા હતાં.

ઓઇલથી ભભૂકી ઉઠેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ લાગવાનું ચોકકસ કારણ જાણી શકાયું ન હતું. આ અંગે રૂરલ પોલીસ મથકને જાણ કરાતા બે કોન્સ્ટેબલો પણ ધસી આવ્યાં હતા. જો કે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી મોડેથી પણ આગ કાબૂમાં આવી ન હતી.

થોડે દૂર બોઇલર હોવાથી આગ લાગી હોવાનું અનુમાન

ઘટના સ્થળે ચાલતી ચર્ચા મુજબ લેધર ફેકટરીમાં કોઇક ઓઇલના ટેન્કર જ્યાં મૂકાયું હતું તેની થોડે દૂર બોઇલર પણ હતું. જેને લઇ આગ લાગી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. જો કે તપાસ બાદ જ આગ લાગવાનું વાસ્તવિક કારણ જાણી શકાશે.

આગની વધુ તસવીર જોવા ફોટો બદલો....