તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharampur Into A Building Wall That Old Woman Murder

ધરમપુરમાં મકાનની દીવાલ ધસી પડતાં વૃધ્ધાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-દિવાળીની પૂર્વ સંધ્યાએ ધરમપુરમાં મકાનની દીવાલ ધસી પડતાં વૃધ્ધાનું મોત
-ગત વર્ષે બનાવેલાં મકાનની કાચી દીવાલ તૂટતાં પુત્ર અને વહુ પણ ઇજાગ્રસ્ત
ધરમપુરનાં કૈલાસ રોડ ઉપર એક મકાનની દિવાલ ધસી પડતાં એક વૃધ્ધાનું મોત નિપજયું હતું. જ્યારે તેનાં પુત્ર અને વહુને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. દિવાળીની પૂર્વ સંધ્યાએ આ ઘટના બનતાં આસપાસનાં વિસ્તારમાં ગમગીની ફેલાઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિ‌તી અનુસાર બામટી ગામે ડુંગરી ફળિયામાં રહેતાં ૬૦ વર્ષીય વૃધ્ધા ધનુબેન મંગુભાઇ નાયકા તેમના પુત્ર નટુભાઇ મંગુભાઇ નાયકાનાં ઘરે દિવાળીની પૂર્વ સંધ્યાએ રહેવા માટે આવ્યાં હતા. ઘણાં દિવસે વ્હાલસોયા પુત્રનાં ઘરે આવેલાં ધનુબેન પુત્ર નટુભાઇ સાથે શનિવારે સાંજે ઘરમાં બેસીને વાતચીત કરી રહ્યાં હતા. જ્યારે વહુ ટીનાબેન રસોઇ બનાવી રહ્યાં હતા.
દરમિયાન સાંજે સાતેક વાગ્યાનાં સુમારે અચાનક ઘરની કાચાપાણાની ઇંટની દીવાલ ધડાકાભેર તૂટી પડતાં ધનુબેનને માથા અને શરીરનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે પુત્ર નટુભાઇ અને વહુ ટીનાબેન પણ ઘાયલ થયાં હતા.
આ ઘટનાની જાણ થતાં બામટીનાં સરપંચ વિજય પાનેરિયા અને આગેવાનો ધરમપુર ધસી ગયાં હતા. દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સમાં ત્રણેને ધરમપુરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાતાં વૃઘ્ઘા ધનુબેનને તબીબે મૃત જાહેર કર્યા હતા.
જ્યારે ઇજાગ્રસ્ત નટુભાઇ અને તેમની પત્ની ટીનાને સારવાર અપાઇ હતી. આ અંગે નટુભાઇએ ધરમપુર પોલીસ સ્ટેશનમાં બનાવની જાણ કરતાં પોલીસે અકસ્માત મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. નટુભાઇએ ગત વર્ષે જ આ મકાન બનાવ્યું હતુ, જેની દીવાલ તૂટી પડી હતી.