અધુરા કામો માટે કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ કરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પંચાયતની બજેટ સભામાં વિપક્ષનાં તીખા તેવર શિક્ષણ, ખેતીવાડી અને માળખાકીય વિકાસને પ્રાધાન્ય

જિલ્લા પંચાયતની મંગળવારે બજેટ સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ સામે કોન્ટ્રાકટરોની મનમાની મુદ્દે પસ્તાળ પાડી હતી. ઉપરાંત અધુરાં કામ છોડી જનારાં કોન્ટ્રાકટરોને બ્લેક લિ‌સ્ટ કરી દેવા માગ કરાઇ હતી. આ સાથે બાંધકામ શાખા દ્વારા માર્ગનાં રિપેરિંગની જવાબદારીનો મુદ્દો પણ ઉઠાવાયો હતો. જો કે વિપક્ષનાં આક્રમક તેવર છતાં ૪૩પ કરોડનાં વિકાસલક્ષી કામો પાછળ થનારાં ખર્ચ સાથે પૂરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું.

વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ નેતા પ્રકાશ એમ.પટેલે પ્રશ્નો ઉઠાવી ભગોદમાં છેલ્લા ત્રણ વર્ષથી આંગણવાડીનું કામ સોંપાયું હોવાં છતાં એજન્સી આ કામ કરવાનું પોષાતું ન હોવાનો ઉધ્ધત જવાબ આપતાં હોવાની રજૂઆત કરી હતી. આંગણવાડી ન બનતાં નાનાં ભૂલકાંઓને મકાનનાં ઓટલા પર કે ઝાડ નીચે બેસીને ભણવાની નોબત આવી છે. શિક્ષણથી વંચિત રાખવાનાં આ કૃત્ય સામે પગલાં ભરવા કે ફોજદારી કાર્યવાહી કરી ઇજારદારને જેલ ભેગો કરવા વિપક્ષે માગ કરતાં શાસક પક્ષનાં સભ્યો સ્તબ્ધ થયાં હતાં. બીજી તરફ શિક્ષણ વિભાગનાં અધિકારીઓ આ પ્રશ્ને જવાબ આપી શકયા ન હતાં. એટીવીટીનાં કામોમાં ભેદભાવની નીતિ અપનાવવામાં આવતો હોવાની ફરિયાદ કોંગ્રેસે કરતાં ડીડીઓ ઉદિત અગ્રવાલે આ કામો પ્રાંત કચેરીનાં ક્ષેત્રમાં આવતાં હોવાનો ખુલાસો કર્યો હતો.

વલસાડનાં સિવિલ હોસ્પિટલ થઇ વશીયર સેગવી જતાં રોડનાં સાઇડ સોલ્ડરનાં અભાવે અકસ્માતનો ભય હોવાં છતાં બાંધકામ વિભાગ દ્વારા કોઇ સંકલન નથી તે મુદ્દે રોષ ઠાલવ્યો હતો. જમીન સંપાદન કરીને રોડ પહોળાં કરવાનાં કામ કેમ થતાં નથી તેવો પ્રશ્ન ઉઠાવી સાંકડા માર્ગો પહોળા કરવા વિપક્ષે માગ કરી હતી. બાંધકામ ઇજનેર ડી.આર. ગામિતે આ કામગીરી ઝડપથી કરવા પ્રયાસો કરવા હૈયાધરપત આપી હતી. જો કે જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટે સને ૨૦૧૩-૧૪નાં નાણાંકીય વર્ષ માટે પ્રમુખ મીનાબેન ચૌધરીએ રજૂ કરેલા બજેટનૈ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. વિપક્ષે બજેટને આવકાર્યું હતું. ડીડીઓ ઉદિત અગ્રવાલ અને અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

સમાનધોરણે તાલુકાઓને ગ્રાન્ટો ન ફાળવવા મુદ્દે વિપક્ષનો વિરોધ

જિલ્લાનાં પાંચ તાલુકાઓમાં આદિજાતિ વિકાસની યોજનામાં સરકારની ૨૩.૧૧ કરોડની ગ્રાન્ટ સરખે ભાગે ફાળવવાનાં બદલે અન્યાયી ધોરણથી ફાળવણી સામે વિપક્ષે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ વિપક્ષનેતા પ્રકાશ એમ.પટેલે જણાવ્યું કે, ધરમપુર તાલુકાને ૧૨.૨૦ કરોડ, કપરાડાને પ.૩૬ કરોડ, પારડીને ૪.૮પ કરોડ, વલસાડને ૦.૬૦ લાખ અને ઉમરગામને રેકર્ડ પર કોઇ ગ્રાન્ટ ફાળવાઇ નથી. જે અંગે પ્રમુખ મીનાબેને ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવાઇ છે તેવો ખુલાસો કર્યો હતો.

જિલ્લા પંચાયતની બે સમિતિની રચના

વલસાડ જિલ્લા પંચાયતની બજેટ સભામાં બે વર્ષની મુદ્દત પૂરી થયેલી બે સમિતિઓની રચના સર્વાનુમતે કરાઇ હતી. મહિ‌લા બાળ વિકાસ અને સિંચાઇ સમિતિની મુદ્દત પૂર્ણ થતાં શાસક પક્ષ ભાજપે આ બંન્ને સમિતિઓની પૂન:રચના સભામાં કરી હતી. જિલ્લા પંચાયતની બજેટ સભામાં આ કામ ચર્ચા ઉપર આવતાં ભાજપનાં સભ્ય કીર્તિ‌ભાઇ સોનપાલે સમિતિનાં નામોની દરખાસ્ત મૂકી હતી. જેમાં નયન પટેલ, પ્રવિણ પટેલ, મીરાંબેન ગાંવઠા, મુકેશ પટેલ અને રાજેન રાઠોડનો સમાવેશ કરાયો હતો. આ દરખાસ્તને ઝિણાં પવારે ટેકો જાહેર કર્યો હતો. ઉપરાંત મહિ‌લા બાળ વિકાસ સમિતિમાં નયનાબેન ધોડી, સવિતા માહલા, રીતા કાનાત, શોભના બારોટની વરણી કરાઇ હતી. જેને પ્રવિણ પટેલે ટેકો આવ્યો હતો. બંન્ને સમિતિઓની યાદીમાં પ્રથમ નામ જાહેર કરાયેલા સભ્ય સમિતિના ચેરમેન બનશે.