તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકદરબારમાં કપરાડા પોલીસના વહીવટ સામે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પીએસઆઈ રેગ્યુલર રહેતા ન હોવાથી લોકોની સમસ્યાઓમાં વધારો

કપરાડા પોલીસ મથકમાં પીએસઆઈ દ્વારા લાંચ લેવાના ઉપરાછાપરી બે બનાવો બન્યા બાદ ખાખી વર્દીની નિયત સામે શંકા ઉઠી હતી. દરમિયાન કપરાડા પોલીસ મથકનો સ્વતંત્ર હવાલો હાલમાં પીએસઆઈ ડી.જી.તડવીને સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલા પોલીસ લોકદરબારમાં પણ પોલીસની કામગીરી સામે આગેવાનોએ વ્યાપક ફરિયાદો કરી હતી.

કપરાડા પોલીસ મથકનો સ્વતંત્ર હવાલો સંભાળતા તત્કાલિન પીએસઆઈ એ.એ.નામ્દો લાંચ લેતા ઝડપાયા બાદ પ્રોબેશન પિરીયડ પૂર્ણ કરનાર પીએસઆઈ એચ.આર.પ્રજાપતિને કપરાડા પોલીસ મથકનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. પરંતુ તેઓ પણ રૂા.પ૦૦૦૦ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ જતા ખાલી જગ્યા ઉપર વાપી ટાઉનના પીએસઆઈ ડી.જી.તડવીની નિમણૂંક કરવામાં આવી હતી. કપરાડા પોલીસ મથકના ફોજદારો હંમેશા કોઈકને કોઈક કારણોસર વિવાદોમાં રહેતા આવ્યા છે. તાજેતરમાં એએસપી મહેન્દ્ર બગડીયાના અધ્યક્ષ સ્થાને મળેલા લોક દરબારમાં ભાજપના અગ્રણી મંગુભાઈ ગાવિંતે કપરાડા પોલીસ મથકના ફોજદારો સતત વિવાદમાં રહેતા હોવાની અને તેઓની સતત બદલી થતી હોવાની ફરિયાદ કરી જણાવ્યું કે, નિયમિત પીએસઆઈ હોય તો લોકોની મુશ્કેલીમાં ઘટાડો થઈ શકે છે.

રેગ્યુલર પીએસઆઈ ન હોવાથી જમાદાર અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ સ્થાનિક આગેવાનો સાથે તોછડું અને તુમાખીભર્યુ વર્તન કરી રહ્યા છે. અગાઉ પણ આ મામલે ડીએસપી નિપુણા તોરવણેને રજૂઆત કરવામાં આવી હતી. બાલચોંઢી ગામના સરપંચ હરીશ પટેલ સહિ‌ત આઠ થી દશ ગામના સરપંચોએ ફરીયાદ કરી હતી કે, કપરાડા અને નાનાપોંઢા પોલીસ મથકે આજુબાજુના ગામોના સરપંચો અને લોકપ્રતિનિધિઓનું માન સન્માન જળવાતું નથી.

આ સિવાય કપરાડા તાલુકાના માર્ગો ઉપરથી દારૂ ભરેલી પસાર થતી સ્ર્કોપિ‌યો સામે પોલીસ પગલા ભરતા ન હોવાથી ચેક પોસ્ટ બનાવવા માટે દરખાસ્ત પણ થઈ હતી પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. જેથી કપરાડા પોલીસ મથકનો વહીવટ સુધરે એવી માંગણી ગ્રામજનોએ લોકદરબારમાં કરી હતી.