• Gujarati News
  • Changed People's Court Of The Officer In Question Are

લોક દરબારના અધિકારીઓ બદલાયા સવાલ એ જ રહ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંખી હાજરીમાં ટ્રાફિકની પિપૂડી બજાવીને લોક દરબારની ઔપચારિકતા પુરી કરાઇ

વાપી ટાઉન અને ઉદ્યોગ નગર પોલીસના સંયુક્ત લોકદરબારમાં ફરી એક વર્ષો જૂના અને લોકદરબારમાં કાયમ સાંભળવામાં આવતા સવાલો સાથે પુરો થયો હતો. ગુરુવારના લોકદરબારમાં માત્ર અધિકારીઓ બદલાયા હતા જો કે, સવાલો જૂના હતા.

વાપી વિભાગના એએસપી મહેન્દ્ર બગરિયાની અધ્યક્ષતામાં ગુરૂવારે સાંજે પાંચ કલાકે વીઆઇએના સભાખંડમાં ટાઉન અને જીઆઇડીસીનો સંયુક્ત લોક દરબાર યોજાયો હતો. વીઆઇએના પ્રમુખ સહિ‌ત ચારથી પાંચ હોદ્દેદારો અને ગણ્યાગાંઠયા નાગરિકની હાજરીમાં લોકદરબાર પૂરો થયો હતો.

વાપી પાલિકાના સભ્ય કિરણબેન પટેલે ટ્રાફિક સમસ્યા અને ખાસ કરીને આરટીઓ કેમ્પના કારણે ઉદભવતી સમસ્યા અંગે રજૂઆત કરી હતી. જ્યારે વાપી ઉત્તર ભારતીય સંઘના પ્રમુખ મુકેશસિંહ ઠાકુરે મોરાઇ ફાટક નજીક હાઇવે ઉપર વાહનની લાંબી કતારને લઇ ટ્રાફિક જામ અને અકસ્માતની સંભાવના રોકવા માટે રજૂઆત કરી હતી. મુકેશસિંહે વધુમાં જણાવ્યું કે, જો હાઇવેની સાઇડે સર્વિ‌સ રોડ બનાવવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. આ અંગે તેમણે કલેક્ટરને આયોજનબદ્ધ નકશા સાથે રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું. એએસપી મહેન્દ્ર બગરિયાએ જણાવ્યું કે, ચોરી અને ચીલઝડપના બનાવ નિયત્રંણમાં છે જો કે, આવા બનાવ અટકાવવા માટે લોકોની જાગૃતિ પણ આવશ્યક છે. આ ઉપરાંત સીસી ટીવી પ્રોજેક્ટ માટે સર્વે કરીને રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

ગુરૂવારે વાપી ટાઉન અને જીઆઇડીસી પોલીસનો સંયુકત લોકદરબાર લોકોની પાંખી હાજરી વચ્ચે પૂરો થયો હતો.