GPCB દ્વારા શ્રીજીની વિસર્જિત મૂર્તિઓને દાટી દેવા સામે રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - વલસાડ ઓરંગાના કિનારે કૃત્રિમ તળાવમાંથી એકઠી કરાતી મૂર્તિઓ જેમને દાટી દેવાની વાત કરાઈ છે )

GPCB દ્વારા શ્રીજીની વિસર્જિત મૂર્તિઓને દાટી દેવા સામે રોષ
મૂર્તિઓને દાટવા સામે ગણેશ મંડળો ભારેવિરોધ કરવા તૈયાર

વાપી: ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ હવે વિસર્જીત થયેલી મૂર્તિ‌નું શું કરવું તેનો મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે આ મૂર્તિ‌ને પૂજા અર્ચના અને વિધિ સાથે લેન્ડ ફિલ સાઇટમાં દાટી દેવાનો નિર્ણય GPCB અને સંબંધિત તંત્રે કર્યો છે. જ્યારે કૃત્રિમ કુંડના પાણીને શુદ્ધિકરણ માટે સીઇટીપીમાં મોકલાશે. જોકે, આ પ્રક્રિયા સામે ભક્તોની લાગણી દુભાતી હોવાનો સૂર ઉઠી રહ્યો છે.ગણેશ વિસર્જન બાદ નદીના પ્રદૂષણનો પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે GPCBએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કર્યા હતા. આ કુંડમાં વિસર્જન કરાયા બાદ કુંડના પાણીને શુદ્ધિકરણ માટે સીઇટીપીમાં મોકલવામાં આવી રહ્યું છે.

ગણેશ પ્રતિમા પરના કેમિકલ યુક્ત કલર નદીમાં ન ભળે એ માટે વાપી દમણગંગા નદીના પાણીને વાપી વેસ્ટના સીઇટીપીમાં મોકલવાનું આયોજન કરાયું હતું. જો કે, વાપીનું કુંડ પાણીમાં ગરકાવ થઇ જતાં વાપીમાં આ પ્રશ્ન ઉઠયો ન હતો. જ્યારે વલસાડના પાણીને ટેન્કર વડે અતુલ કંપનીમાં મોકલવામાં આવશે. જ્યારે વિસર્જીત થયેલી આ મૂર્તિ‌ઓના નિકાલનો મોટો પ્રશ્ન ઉઠતાં આ મૂર્તિ‌ઓને પૂજા વિધિ સાથે લેન્ડ ફિલ્ડ સાઇટમાં દાટી દેવાનું નક્કી કરાયું છે.વાપીમાં આ મૂર્તિ‌ઓને વેસ્ટ મેનેજમેન્ટની સાઇટ પર અને વલસાડની મૂર્તિ‌ઓને અતુલની સાઇટમાં દાટવાની પ્રક્રિયા હાથ ધરાશે. જો કે, મૂર્તિ‌ઓ દાટવાની પ્રક્રિયાને લઇ વલસાડના ગણેશ ભક્તોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. આ પ્રતિમાઓના નિકાલની મોટી સમસ્યા ફરી ઊભી થઇ છે.
હિ‌ન્દુ ધર્મમાં મનુષ્યને પણ નથી દાટતા
ગણેશ પૂરાણ અને શિવ પૂરાણમાં સ્પષ્ટ દર્શાવ્યું છે કે, વિસર્જનના દિવસે પૂજા પાઠ થયા બાદ દાદાની મૂર્તિ‌ને પાણીમાં વિસર્જીત કરવાની હોય છે. હિ‌ન્દુ ધર્મમાં મનુષ્યને દાટવામાં નથી આવતા તો ભગવાનને કેવી રીતે દાટી શકાય? દાટવાની વાત હિ‌ન્દુ ધર્મની વિરૂધ્ધમાં છે. જે કયારેય સાખી લેવામાં નહી આવે. > શિવજી મહારાજ, મંિદરના સંચાલક, ભીડભંજન મહાદેવ, વલસાડ

કંપનીનું પ્રદૂષણ કેમ દેખાતું નથી?
વર્ષમાં માત્ર એક જ વાર ગણપતિને વિદાય અપાય છે, જ્યારે વાપી અને વલસાડની કંપનીઓ આખું વર્ષ નદીઓમાં કેમિકલયુકત ઝેરી પાણી છોડતી હોય છે તો તેઓની સામે કેમ GPCB પગલાં ભરતી નથી? આખુ વર્ષમાં ૩૬૪ દિવસ GPCB નિદ્રાંધીન હોય છે અને માત્ર ગણપતિ બાપ્પાના વિસર્જનની વાત આવે ત્યારે જ કેમ ઉંઘમાંથી જાગી જાય છે. > રાજુભાઈ પટેલ (મરચાં), પ્રમુખ, શાકભાજી માર્કેટ યુવક મંડળ-વલસાડ

ભકતોની આસ્થા સાથે ચેડાં ન કરાય
ગણપતિ બાપ્પાની મૂર્તિ‌ તળાવ, નદી કે સમુદ્રમાં જ વિસર્જીત કરવાની પરંપરા છે. ભકતોની ધાર્મિ‌ક ભાવના સાથે ચેડા કયારેય કરી ન શકાય. આજે પણ ઔરંગા નદીમાં ભરતી હતી તો ત્યારે નદીમાં જ આ મુૂર્તિ‌ઓ વિસર્જીત કરી દેવાની જરૂર હતી. > કિરણભાઈ ભંડારી, આયોજક, વાવડી ગણેશ મહોત્સવ- છીપવાડ, વલસાડ
શ્રીજીની 1500 મૂર્તિ‌ના નિકાલનો પ્રશ્ન
સમગ્ર જિલ્લામાં નાના કૃત્રિમ કુંડમાં 1500 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. આ મૂર્તિ‌ઓના નિકાલનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. મોટી મૂર્તિ‌ઓ પણ નદીમાં પાણી ઓછું થતાં દેખાઇ આવતી હોય છે. ત્યારે આ મૂર્તિ‌ઓનું શું કરવું તેનો પ્રશ્ન ઉઠયો છે. વાપીની 500 થી 700 મૂર્તિ‌ અને વલસાડની 700 મૂર્તિ‌ઓ પૂજા વિધિ સાથે દાટવામાં આવશે.

પાણીને CETPમાં અને મૂર્તિને લેન્ડફિલમાં દટાશે
ગણેશ વિસર્જન બાદ કુંડના પાણીને શુદ્ધિકરણ બાદ અતુલના ઇટીપીમાં અને વાપીના સીઇટીપીમાં લઇ જવાનો નિર્ણય કરાયો હતો અને વિસર્જીત થયેલી મૂર્તિ‌ને પણ અતુલ અને વાપી વેસ્ટની સાઇટમાં પૂજા વિધિ સાથે દાટવાનો નિર્ણય કરાયો હતો. > એ.જે.પટેલ, રિજ્યોનલ અધિકારી, GPCB.