ખાળકુવો બંધ નહીં કરનાર ચાર બિલ્ડર બંધુઓ વિરૂધ્ધ ગુનો દાખલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ખાળકુવો બંધ નહીં કરનાર ચાર બિલ્ડર બંધુઓ વિરૂધ્ધ ગુનો દાખલ
- ખાળકૂવાના ગંદા પાણીને સાત દિવસમાં બંધ કરવા એસડીએમએ હુકમ કર્યો હતો
- વશીયરની પ્રમુખ દર્શન-૨ ખાતે ખાળકૂવાના ગંદા પાણી મામલે મામલતદારે ગુનો નોંધ્યો


વલસાડના વશીયર પ્રમુખ દર્શન-૨ ખાતે ખાળકૂવાના ગંદા પાણીના જાહેર ઉપદ્રવને તાત્કાલિક બંધ કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા સાત દિવસની મુદ્દત આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં બિલ્ડરો દ્વારા આ મામલે કોઈ પગલા ન ભરાતા એસડીએમના આદેશ બાદ સરકારી અધિકારીએ આ કેસમાં ફરિયાદી બની બિલ્ડરો વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના વશીયર ખાતે આવેલા પ્રમુખ દર્શન-૨ ના રહીશો દ્વારા સુરજ પાર્ક બિલ્ડીંગના ખાળકૂવાનું ગંદુ પાણી તાત્કાલિક બંધ કરવા માટે સીઆરપીસી કલમ ૧૩૩ હેઠળ વલસાડ એસડીએમની ર્કોટમાં ન્યુશન્સ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે સંબંધકર્તા તમામ પક્ષકારોને સાંભળી એસડીએમ દ્વારા ખાળકૂવાનું પાણી દિન સાતમાં બંધ કરવા માટે હુકમ કર્યો હતો. આ સાથે આ હુકમનું સમય મર્યાદામાં પાલન કરવા માટે કાર્યપાલક મેજિસ્ટ્રેટ અને સંબંધીત પોલીસ મથકને જાણ કરી હતી.

પરંતુ આ હુકમનું પાલન ન થતા એસડીએમએ વલસાડ મામલતદારને આઈપીસી કલમ ૧૮૮ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપી હતી. જે સૂચના અન્વયે મામલતદારે સર્કલ ઓફિસર ડી.ઝેડ.પટેલને અધિકૃત કરતા તેમણે આ મામલે ગુરૂવારે વલસાડ રૂરલ પોલીસ મથકે મેસર્સ સુરત ઈન્ફામોન પ્રા.લિ ના એમડી વિપુલ રમણીકલાલ વોરા, ડાયરેકટર મનિષ રમણીકલાલ, ઉમેશ રમણીકલાલ અને જયદીપ રમણીકલાલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

હુકમનું પાલન ન થતા ગુનો દાખલ કરાયો
સુરજ પાર્ક બિલ્ડીંગનું ખાળકૂવાનું પાણી લીકેજ થઈ પ્રમુખ દર્શન-૨ ના કોમન રોડ પરથી વહે છે. મામલતદારના નિરિક્ષણ સમયે પણ ખાડા ખાબોચીયા ખાળકૂવાના ગંદા પાણીથી ભરેલા હતા. જેથી જાહેર જનતાના આરોગ્યને નુકશાન થવાની સાથે પીવાના પાણીના સ્ત્રોત પણ પ્રદૂષિત થતા જાહેર ઉપદ્રવ બંધ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ સમય મર્યાદામાં હુકમનો પાલન ન થતા ચારેય સામે ગુનો દાખલ કરાયો છે. - ડી.ઝેડ.પટેલ, સર્કલ ઓફિસર, વલસાડ

ખાળકૂવાની જાળવણીની જવાબદારી સોસાયટીના શિરે
આ અંગે મેસર્સ સુરત ઈન્ફામોન પ્રા.લિ.ના એમ.ડી વિપુલભાઈ વોરાએ જણાવ્યું કે, કો.ઓ.સોસાયટી બનાવી કબજો સોંપી દીધો હતો. જેથી મેઈન્ટેનન્સની જવાબદારી સોસાયટીના શિરે છે પરંતુ સોસાયટી દ્વારા ખાળકૂવાની જાળવણી ન થતા આ મુશ્કેલી સર્જા‍ઈ છે. તેમ છતાં આ મામલે વકીલ મારફતે ત્રણ પાનાની હકીકત એસડીએમને મોકલવામાં આવી હતી. બાદમાં ખાળકૂવાનું કામ પણ ચાલુ કરી દીધુ હતુ.