તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાય રે કળયુગ..નવપરિણીત યુવાન બે સંતાનની માતા સાથે પલાયન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિધવા માતાને પુત્રના પ્રેમ પ્રકરણની ખબર પડતા મકાન પણ બદલ્યું હતું
- પોલીસે યુવાનની માતાની પૂછપરછ હાથ ધરી


વલસાડના અબ્રામા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતો અને એક માસ અગાઉ જ લગ્નગ્રંથિથી જોડાયેલો યુવાન પડોશમાં જ રહેતી બે સંતાનની માતા સાથે પ્રણયફાગ ખેલી ફરાર થઈ જતા સમાજમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલો સીટી પોલીસ મથકે પહોંચતા પોલીસે યુવાનની વિધવા માતાની પૂછપરછ હાથ ધરી છે.

વલસાડના અબ્રામા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા મેહુલ પટેલ (નામ બદલ્યું છે) નો મોટો ભાઈ બેંગ્લોરમાં પરિવાર સાથે સ્થાયી થયો હતો. જયારે મેહુલ તેની વિધવા માતા સાથે વલસાડમાં જ રહેતો હતો. માતાએ મેહુલના ગુજરાન માટે વલસાડ- ધરમપુર રોડ ઉપર કાચની એક દુકાન પણ ખોલી આપી હતી. પરંતુ યુવાનીના ઉંબરે પહોંચેલા મેહુલને ધંધો કરવાને બદલે પડોશમાં રહેતી બે સંતાનની ખૂબસૂરત માતા સ્મિતા પટેલ (નામ બદલ્યું છે) એ ઘેલું લગાડયું હતુ. જેથી મેહુલ બે સંતાનની માતા સાથેના પ્રેમમાં આંધળો બની પ્રણયફાગ ખેલવા માંડયો હતો.

બંને એકબીજાને ચોરી ચૂપકે મળતા હોવાની જાણ તેની વિધવા માતાને થતા તેમણે એક વાર મકાન પણ બદલ્યું હતું. તેમ છતાં મેહુલને સ્મિતા વિના ચેન પડતું ન હોવાથી પરિવારજનોએ મેહુલના લગ્ન થશે તો બધું ઠેકાણે પડી જશે એવું અનુમાન લગાવી એક માસ અગાઉ જ હાલર રોડ પર રહેતી સમાજની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ પણ પડોશમાં રહેતી ભાભી સ્મિતાનો જાદુ મેહુલ પરથી ઉતર્યો ન હતો.

છેવટે સમાજ અને પરિવારની આબરૂની પરવા કર્યા વિના મેહુલ અને સ્મિતાએ વલસાડ છોડી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં સ્મિતા પોતાની સાથે પુત્રીને પણ લઈ ગઈ હતી. બનાવ અંગે પતિએ સીટી પોલીસ મથકે જાણ કરતા પોલીસે મેહુલની માતાની પૂછપરછ હાથ ધરી છે. આ બનાવને પગલે સમાજમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

- લોકેશનના આધારે તપાસ ચાલી રહી છે

આ અંગે તપાસ કરી રહેલા એએસઆઈ મુરલીધર આત્મારામ ચૌહાણે જણાવ્યું કે, બંને પ્રેમી પંખીડાઓ પોતાની સાથે ઘરેથી કોઈ રોકડ કે સોના ચાંદીના ઘરેણા લઈ ગયા નથી. માત્ર મેહુલ પાસે એક મોબાઈલ છે. પરંતુ તે સ્વીચ ઓફ આવે છે. લોકેશન મેળવી તેઓની ભાળ મેળવવાની કાર્યવાહી ચાલું છે.