વલસાડમાં કરોડોની ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહિલાઓને કામ આપવાની લાલચ આપી ૧.૩૩ કરોડનું ઉઘરાણું કરી રાજસ્થાન ઠગ પોબારા ભણી ગયો હતો
- ૪૪૬૦ મહિલાઓને કામ અપાવવાની લાલચ આપી રૂ. ૧.૩૩ કરોડનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયો હતો
- પોલીસની રેડ દરમિયાન ઠગભગતે ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો


વલસાડના લીલાપોરમાં જીવનધારાની સામેના કોમ્પલેક્ષમાં ઉમેદરાજ ઉત્કર્ષ ટ્ર્સ્ટના નામે ગરજાઉં મહિલાઓને કામ અપાવવાની લાલચ આપી રૂ. ૧.૩૩ કરોડનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલા ગઠિયાને રૂરલ પોલીસ રવિવારે રાજસ્થાનથી ઉંચકી લાવી હતી. જો કે રૂરલ પોલીસની રેડ દરમિયાન ઠગબાજે પોલીસથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના લીલાપોર ખાતે જીવનધારાની સામે આવેલા કોમ્પ્લેક્ષમાં ઉમેદરાજ ઉત્કર્ષ ટ્રસ્ટની ઓફિસ ખોલી પ્રેમ ચૌધરી રહે. પાલી, રાજસ્થાને નોકરી વાંચ્છુ મહિલાઓને પોતાની જાળમાં ફસાવી અંદાજે ૪૪૬૦ મહિલાઓ પાસેથી વ્યક્તિ દીઠ રૂ. ૩૦૦૦ ઉઘરાવ્યા હતા.

બાદમાં મહિલાઓને લેમ્પ બનાવવાનો કાચો માલ આપી બાદમાં તૈયાર માલ લઈ ઠગાઈ કરી ફરાર થઈ ગયો હતો. જે અંગે મહિલાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ કલ્પના ગોસ્વામી, મહેશ રાવણ અને ગણેશ પ્રતાપરાવ શનિવારે રાજસ્થાન રવાના થયા હતા. જ્યાં પ્રેમ ચૌધરીને તેના બંગલામાંથી જ ઝડપી લીધો હતો. જો કે આ દરમિયાન તક જોઈ પ્રેમ ચૌધરીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહેશ રાવણે તુરંત તેને દબોચી ધર્યો હતો. બાદમાં પ્રેમને વલસાડ રૂરલ પોલીસ મથકે લાવી કસ્ટડી ભેગો કરી દેવામાં આવ્યો છે.

- ૧૦ દિવસ અગાઉ જ પ્રેમ ચૌધરીએ લગ્ન કર્યા હતા

વલસાડ અને નવસારીની હજારો મહિલાઓ સાથે ઠગાઈ કરીને ફરાર થઈ ગયેલા પ્રેમ ચૌધરીએ તા.૨ મે ના રોજ પોતાના સમાજની યુવતી સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. પોલીસ જ્યારે તેના નિવાસ સ્થાને પહોંચી ત્યારે તેના ઠાઠ માઠ વૈભવી હતા. મહિલાઓના પૈસાના જોરે લગ્ન કરી તાગડ ધિન્ના કરનાર પ્રેમ ચૌધરીને છેવટે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

- પોલીસ મથકમાં મહિલાઓ વચ્ચે અંદરોઅંદર ભાગલા પડ્યા

વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રેમ ચૌધરી વિરૂધ્ધ ઉંટડીની કલ્પના દિનેશે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેના બીજા દિવસે અને આજે રવિવારે પણ જ્યારે પ્રેમને વલસાડ રૂરલ પોલીસ મથકે લાવવામાં આવ્યો ત્યારે છેંતરપિંડીનો ભોગ બનેલી મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. જેઓ પ્રેમ ચૌધરીની ઢોલ થપાટ કરવા માટે તલપાપડ હતી. પરંતુ બાદમાં મહિલાઓ વચ્ચે જ બે ભાગલા પડી ગયા હતા. એક જુથ ફરિયાદ નોંધાવનાર કલ્પનાનુ હતુ જ્યારે સામે બીજુ જુથ પણ પ્રેમની ઠગાઈનો ભોગ બનેલી મહિલાઓનુ હતુ. વહેલી તકે પૈસા પોતાને મળે તે માટે મહિલાઓ જ પોલીસ મથકમાં અંદરોઅંદર ઝઘડવા મંડી પડી હતી.