વાપી તરફના કેટલાક માથાભારે એજન્ટોએ આરટીઓ કચેરી માથે લીધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાપી તરફના કેટલાક માથાભારે એજન્ટોએ આરટીઓ કચેરી માથે લીધી
- આ ઘટનાને પગલે કર્મચારી અને અધિકારી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા


વલસાડ આરટીઓ કચેરીમાં લાઈસન્સ મેળવવા માટે શરૂ કરાયેલી ડ્રાઈવિંગ સેન્સર ટ્રેક પરીક્ષા સામે અગાઉ એજન્ટોએ ઉગ્ર વિરોધ નોંધાવી આરટીઓ કચેરી માથે લીધી હતી. પરંતુ હાલમાં એજન્ટોએ પોતાની હદ પાર કરી દીધી હોય એમ વલસાડથી વાપી વચ્ચેના કેટલાક ગામડાના માથાભારે એજન્ટોએ બે કર્મચારીઓને બાનમાં લઈ દમદાટી આપતા આરટીઓ કચેરીમાં માહોલ તંગ બન્યો હતો.

વલસાડ આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાઈસન્સ માટે શરૂ કરાયેલી સેન્સર ટ્રેક એકઝામ દ્વારા હવે એજન્ટોનો એકડો આરટીઓ કચેરીમાંથી નીકળી જનાર હોવાથી ઘૂંઘવાયેલા એજન્ટોએ અગાઉ પણ સરકારની આ સિસ્ટમનો વિરોધ કરી બંડ પોકાર્યો હતો. જો કે આ સિસ્ટમ માત્ર વલસાડ જ નહી પરંતુ તમામ જિલ્લાઓમાં લાગુ હોવાથી એજન્ટોએ કરેલા વિરોધનું સુરસુરિયું થઈ ગયું હતું.

આ સેન્સર ટ્રેક એકઝામને પગલે એજન્ટોને ફાંફા પડતા વલસાડથી વાપી તરફના કેટલાક ગામડાના માથાભારે એજન્ટોએ આ મામલે આરટીઓ કચેરીના કર્મનિષ્ઠ એવા બે કર્મચારીઓને બાનમાં લઈ તેઓને ધાક ધમકી આપી હતી. બાદમાં એજન્ટોએ વધુ આવેશમાં આવી જઈ અહીં નોકરી કેમ કરો છો? એમ કહી જોઈ લેવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો આરટીઓ કચેરીમાં કર્મચારીઓ અને અધિકારીઓમાં પડતા ચકચાર મચી ગઈ છે.

માથાભારે એજન્ટો સામે ગુનો દાખલ કરી હકાલપટ્ટી કરો
એજન્ટ પ્રથા બંધ થઈ ગઈ હોવા છતાં એજન્ટો અને તેમના પરિવારજનો ભુખે નહી મરે તે માટે તેઓ રહેમનજર હેઠળ ગેરકાયદે રીતે કામગીરી કરતા આવ્યા છે. એજન્ટો ગેરકાયદે હોવા છતાં કેટલાક માથાભારે એજન્ટોએ કચેરીમાં ધસી કર્મચારીઓને ધમકી આપતા આવા એજન્ટો સામે ગુનો દાખલ કરી શિક્ષાત્મક પગલા ભરવામાં આવે એવી માગ કર્મચારી આલમમાં ઉઠી છે.

પોલીસ પ્રોટેકશન માટે જાણ કરાઈ
વલસાડ આરટીઓ કચેરીમાં લાઈસન્સ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીને વાપી તરફના એજન્ટોએ ધમકી આપતા કર્મચારી હેબતાઈ ગયા હતા. જેથી તેમને પોતાના જીવનું જોખમ જણાતા તેમણે આરટીઓ કચેરીમાં ફરજ દરમિયાન પોલીસ પ્રોટેકશન આપવાની માગ કરી આ મામલે લેખિત રજૂઆત પણ કરી હતી.