વાપી હાઇવેનો સર્વિસ રોડ લકઝરી બસો માટે પીક અપ સ્ટેન્ડ બન્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી હાઇવેનો સર્વિસ રોડ લકઝરી બસો માટે પીક અપ સ્ટેન્ડ બન્યો
આડેધડ પાર્કિગથી ટ્રાફિક અને અકસ્માતની સંભાવના વધી
વાપી: વાપી હાઇવે પર ગોકુલ વિહાર સોસાયટીની સામે સર્વિસ માર્ગ ઉપર ગત સપ્તાહમાં ખાનગી લકઝરી બસની ટક્કરમાં મોપેડ ચાલક યુવતીનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ત્યારબાદ સોમવારે મળસ્કે ગુજરાત બોર્ડર નજીક મિની બસ અને ખાનગી કંપનીની લકઝરી બસ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના પટેલ પરિવારના 11 સભ્યો કાળનો કોળીયો બની ગયા હતા.હાઇવે ઉપર બેફામ દોડતી ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસ દ્વારા અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે.

જોકે, વાપી હાઇવે પર યુપીએલ પોઇન્ટથી લઇને બગવાડા ટોલનાકા સુધીમાં જ્યા ને ત્યાં ખાનગી કંપનીની લકઝરી બસના ચાલકોએ ટ્રાફિક પોઇન્ટ બનાવી દીધો છે. હાઇવે સર્વિસ માર્ગને જ પેસેન્જરને ચઢવા તથા ઉતરવા માટેનું પીક અપ સ્ટેન્ડ બનાવી દેવાના કારણે અકસ્માતની સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ વધી જતી હોય છે. અા અંગે અગાઉ પણ સુરત વિભાગના તત્કાલિન રેન્જ આઇજી હસમુખ પટેલના લોક દરબારમાં હાઇવેના સર્વિસ માર્ગ ઉપર વાહન પાર્કિગ અને ખાસ કરીને ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસો આડધેડ પાર્ક કરી દેવાને લઇ રજૂઆત કરવામાં આવી હતી.

લોક દરબારમાં રજૂઆત થયા બાદ પોલીસ વિભાગ દ્વારા પોતાની કામગીરી બતાવવા માટે સ્થળ દંડ, આરટીઓ મેમો તથા આઇપીસી 288 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.જોકે, થોડા સમય પછી સ્થિતિ જેવી હતી તેવી જ થઇ જતી હોય છે. લોકોને સુવિધા પણ મળી રહે અને સમસ્યા પણ ન ઉદભવે એ દિશામાં પોલીસ, વહીવટી તંત્ર અને હાઇવે ઓથોરિટીએ બેઠક યોજી કોઇ નિવેડો લાવવાની તાતિ જરૂરિયાત છે.
બુકિંગ ઓફિસની બહાર જ પીક અપ સ્ટેન્ડ
વાપી હાઇવેને અડીને એવી ઘણી ટ્રાવેલ એજન્સીઓ આવેલી છે. જોકે, આ ટ્રાવેલ એજન્સીની આવતી બસો પાસે અન્ય કોઇ પાર્કિગની વ્યવસ્થા ન હોવાના કારણે ઓફિસની બહાર જ બસો પાર્ક કરી દેવામાં આવતી હોય છે. હાઇવે સર્વિસ માર્ગને જ પીક અપ સ્ટેન્ડ બનાવી દેવામાં આવતા પણ ટ્રાફિકની સમસ્યા વધતી હોય છે.
બલીઠા નજીક પીક અપ સ્ટેન્ડ બનાવી શકાય
વાપીઅે ઓદ્યોગિક નગરી હોવાના કારણે અહીં મોટા ભાગના રાજ્યમાંથી લોકો આવીને વસ્યા છે જેઓ અવર જવર માટે ખાનગી ટ્રાવેલ્સ બસનો ઉપયોગ કરતા હોય છે. જોકે, લોકોની સુખાકારી અને સુવિધા માટે ટ્રાવેલ્સ સંચાલકો ભલે પોતાની ઓફિસ હાઇવેની બાજુમાં રાખે પણ ખાનગી બસ ચાલકોને એક પીક અપ સ્ટેન્ડ મળવું જોઇએ જેથી કરીને ટ્રાફિકની સમસ્યા તો ઉકેલી શકાય સાથે લોકોને પણ સુવિધા રહે.
8 કલાકમાં 60 ખાનગી બસો માત્ર એક રૂટ પર
એક ટ્રાવેલ્સ સંચાલકે જણાવ્યુ કે, ખાસ કરીને મુંબઇ અને પુણાથી આવતી લકઝરી બસો વાપીમાં ચાર વાગ્યાથી આવવાની શરૂઆત થાય છે. ચારથી રાત્રીના બાર વાગ્યા સુધીમાં ડેઇલી 60 થી વધુ બસો આવે છે જે બુકિંગ વગર અથવા આમ જ હાઇવે પરથી મુસાફરોને બેસાડે છે. જે રીતે મહારાષ્ટ્ર, મુંબઇથી ખાનગી બસો આવે છે એ રીતે મુંબઇ તરફ જનારી બસોની સંખ્યા પણ એટલી જ હોય છે.
અન્ય સમાચારો પણ છે...