વાપી શહેરની આસપાસના 11 ગામ હજુ પણ પીવાના પાણીથી તરસી રહ્યા છે
વાપી: વાપી જીઆઇડીસીની પેરીફરીના ગામોમાં પાણીનો પ્રશ્ન છેલ્લા કેટલાક સમયથી વિકટ બન્યો હતો. આ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમના દ્વારા નોટિફાઇડ ઉપરાંત જીપીસીબીને પણ પાણી મળે છે કે નહીં તેની ઉલટ તપાસ કરવા જણાવ્યું હતુ. જેના પગલે હવે જીપીસીબીએ આ ગામોમાં સરપંચ અને તલાટીના નિવેદનો લઇ ઉચ્ચ કચેરીને બંધ કવરમાં સોંપ્યા હતા. જોકે, સરપંચો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ જીપીસીબીને પણ ગામમાં પાણી નહી આવતું હોવાનું જ નિવેદન આપ્યું હતુ.વાપી જીઆઇડીસીએ વિકાસની હરણફાળ ભરી છે, પરંતુ હજુ પણ વાપી જીઆઇડીસી અને નોટિફાઇડ દ્વારા 11 ગામોમાં વર્ષ 2001ની વસ્તી મુજબ પીવાનું પાણી આપવામાં અાવે છે.
જીઆઇડીસીના વિકાસ સાથે કરવડ, નામધા, ચંડોળ, સલવાવ, છીરી, છરવાડા જેવા ગામોમાં લોકોની વસ્તીમાં પણ સારો એવો વધારો થયો છે. જેની સામે ત્યાં પુરતું પાણી પહોંચી શક્યું નથી. પાણી ન મળતાં સમગ્ર મામલો હાલ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે.જે અંતર્ગત ગાંધીનગર જીપીસીબી કચેરી દ્વારા સ્થાનિક કચેરીને આ મામલે રિપોર્ટ કરવાની સૂચના આપી હતી. સ્થાનિક કચેરીએ આ ગામોમાં જઇ સરપંચ અને તલાટીઓના નિવેદનો લઇ રિપોર્ટ બંધ કવરમાં સોંપ્યો છે. તેમના દ્વારા ગામના લોકો સાથે પણ મુલાકાત કરી પાણી મળે છે કે નહીં તેની માહિતી મેળવાઇ હતી. આમ આગામી દિવસોમાં 11 ગામોમાં પાણીનો પ્રશ્ન ઉકેલાશે કે નહીં તેના પર લોકોની મીટ મંડાઇ છે. આ પ્રશ્ન કેટલાય સમયથી વણઉકેલ્યો રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં આ ગંભીર પ્રશ્નોને ઉકેલવા તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું.
જન પ્રતિનિધિઓને પણ કોઇ રસ નથી
છેલ્લા 5 થી 7 વર્ષથી આ 11 ગામોમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે, પરંતુ જન પ્રતિનિધિ દ્વારા આ પ્રશ્નને ઉકેલવા કોઇ ખાસ પ્રયાસો કરવામાં આવ્યા નથી. માત્ર નવી પાણી પુરવઠા યોજનાને લાવીને પ્રશ્ન ઉકેલવાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. જેના કારણે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. હજુ સુધી જનપ્રતિનિધિઓએ આ પ્રશ્ન કેટલાક સમયમાં ઉકેલાશે તેનો કોઇ જવાબ આપ્યો નથી.
રિપોર્ટ સબમિટ થઇ ગયો છે
જીપીસીબી ગાંધીનગરની સૂચના મુજબ વાપી જીઆઇડીસીની આજુબાજુના ૧૧ ગામોમાં પાણી મળે છે કે નહી તેની ચકાસણી કરાઇ હતી. જેનો રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. અમારી ટીમે સરપંચ અને તલાટી પાસે લેખિત નિવેદન લીધું છે.> અનિલ પટેલ, રિજ્યોનલ અધિકારી, જીપીસીબી.
રિપોર્ટ સબમિટ થઇ ગયો છે
જીપીસીબી ગાંધીનગરની સૂચના મુજબ વાપી જીઆઇડીસીની આજુબાજુના ૧૧ ગામોમાં પાણી મળે છે કે નહી તેની ચકાસણી કરાઇ હતી. જેનો રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. અમારી ટીમે સરપંચ અને તલાટી પાસે લેખિત નિવેદન લીધું છે.> અનિલ પટેલ, રિજ્યોનલ અધિકારી, જીપીસીબી.
ગામમાં પાણી પહોંચે છે લોકો સુધી પહોંચતું નથી
વાપીની પેરીફરીના ૧૧ ગામોમાં પાણી પહોચી રહ્યું છે. જેના માટે પુરતો પાણીનો જથ્થો પણ છે, પરંતુ પાણી ગામમાં પહોંચે પછી લોકોના ઘર સુધી પહોંચે એવી યોગ્ય વ્યવસ્થા હજુ સુધી થઇ શકી નથી. જેના કારણે લોકોમાં પાણી નહીં આવતું હોવાની બુમરાણ મચી છે. ગ્રામ પંચાયતે જ ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરાય એ જરૂરી બન્યું છે.