• Gujarati News
  • Valsad Highway: 50 Km, 4 Months, 274 Accidents, 129 Deaths

વલસાડ હાઇવે: 50 કિ.મી.,4 માસ, 274 અકસ્માત, 129 મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇવે: 50 કિ.મી.,4 માસ, 274 અકસ્માત, 129 મોત
વધતા અકસ્માતો પાછળ હાઈવે ઓથોરિટીની બેદરકારી પણ જવાબદાર
વલસાડ ગુંદલાવથી ભીલાડ સુધી હાઇવે ઉપર 12 ભયજનક સ્થળ
ડુંગરીથી ભીલાડ સુધી હાઇવે પર અકસ્માત રોકવા વાતો ઘણી પણ કામ ઓછું
વલસાડ: ઉનાળાના વેકશનમાં લગ્નગાળાની સિઝન, પર્યટકો અને મુંબઈ એરપાર્ટ ઉપર અવરજવર કરનારાઓની સંખ્યા વધવાની સાથે અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેને પગલે રોજ રોજ હાઈવે ઉપર અકસ્માતમાં કોઈકને કોઈક જીવ ગુમાવી રહ્યું છે. અકસ્માતો કયાં કારણોસર થઈ રહ્યા છે? વધતા જતા અકસ્માતો માટે કોણ જવાબદાર એ બાબતે દિવ્ય ભાસ્કરે તપાસ કરતા વલસાડ ને.હા.નં.8 પર 50 કિલો મીટરના રસ્તા પર 12 જેટલા ભયજનક સ્થળ જણાઈ આવ્યા છે. જયાં અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

આ અકસ્માતોની વણથંભી વણઝારને અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા સર્વે કરી કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ હજુ ઘણુ બધુ કરવાની જરૂરીયાત છે. કારણ કે, ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં વલસાડ જિલ્લાના ને.હા.નં.8 ઉપર થયેલા 274 અકસ્માતોમાં 129 લોકોએ પોતાના પ્રાણ ખોયા છે. જયારે 159 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વલસાડ જિલ્લાના ને.હા.નં. 8 ઉપર મહારાષ્ટ્રની સરહદથી માંડીને સંઘ પ્રદેશની પણ સરહદ હોવાથી વાહનોની અવરજવરનું ભારણ સામાન્ય રીતે વધુ રહે છે. આ સિવાય મોટામાં મોટી વાપી જીઆઈડીસીનો પણ જિલ્લામાં સમાવેશ હોવાથી આંતર રાજયના ભારે વાહનોથી હાઈવે સતત ટ્રાફિકથી ધમધમતો આવ્યો છે. જેને પગલે જિલ્લાનો ને.હા.નં.8 ગોઝારો હાઈવે તરીકે સાબિત થઈ રહ્યો છે. જેના માટે અનેક પરિબળો જવાબદાર છે.
અકસ્માત થાય તેવી જગ્યાઓએ ચેતવણીના બોર્ડ મૂકયા જ નથી
વલસાડ જિલ્લાના ને.હા.નં.8 ઉપર વધતા જતા અકસ્માતોના કારણોમાં કેટલાક મહત્વના કારણો બહાર આવ્યા છે. જેમાં પ્રથમ ગામડામાંથી કે સર્વિસ રોડ ઉપરથી આવતા વાહનો પૂરપાટ ઝડપે હા‌ઈવે પર દોડે છે. બીજુ કારણ ડિવાઈડરની વચ્ચે શોર્ટકટ માટે કેટલાક લોકો તોડફોડ કરી છીંડા પાડી જોખમી પ્રવેશ કરે છે. જેમાં કેટલાક અકસ્માતોનો ભોગ બને છે. ત્રીજુ કારણ જયાં સૌથી વધુ અકસ્માત સંભાવના વાળા વિસ્તાર ઉપર સાવચેતીના બોર્ડ લગાવવા જોઈએ. બોર્ડના અભાવે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. મોટે ભાગના અકસ્માતોના કારણમાં ચાલકને પૂરતો આરામ મળતો ન હોવાથી થાકના કારણે તેમજ ઓવરટેકની લ્હાયમાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
ઈજાગ્રસ્તોને વ્હારે 1033 ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
વલસાડ જિલ્લાના ને.હા.નં.8 ઉપર સર્જાઈ રહેલા જીવલેણ અકસ્માત સમયે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 1033 ટોલ ફ્રી નંબર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં હાઈવે ઓથોરિટીની ટ્રોમા ટીમમાં ટ્રેઈન પેરામેટીક સ્ટાફ અને અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે. જે તત્કાળ પહોચી જઈ સેવા આપી રહી છે. આ સેવા વડોદરાથી વલસાડ સુધીના હાઈવે ઉપર કાર્યરત કરવામાં આવી છે.
સિકસલેન ઉપર નંબર આપવાની જરૂર
ને.હા.નં.8 ઉપર સિક્સ લેન ઉપર ટ્રેક નંબર આપવાની જરૂર છે. માત્ર અપ ડાઉન ટ્રેક વચ્ચે ડિવાઈડર વાળા ભાગમાં ત્રણ એરો ઉપર દર્શાવવામાં અાવ્યા છે. જેમાં ત્રીજી ટ્રેક માત્ર ઓવરટેકિંગ માટે છે. જયારે ભારે વાહનો એ ત્રીજા ટ્રેક ઉપર જવાનું નથી. છતાં પણ ત્રણેય ટ્રેક ઉપર સમાંતર દોડે છે. જેમાં જયારે ઓવરબ્રિજ ચઢતા હોય ત્યારે ત્રણેય ટ્રેક પરના ભારે વાહનો અતિ ભારે લોડના કારણે ઝડપ પકડી શકતા નથી. જેથી આ વાહનોને ઓવરટેક કરવા માટેના નાના વાહનો આમ તેમ છીંડા શોધે.
ખખડધજ વાહનો સામે દંડ ભરાવો
એક્ષપ્રેસ હાઈવે ઉપર ટોલ ટેક્ષ કમાવવાની લ્હાઈમાં પાછળના રિફલેકટર્સ વગરના કે લાઈટ વિનાના વાહનોને પ્રવેશ આપવામાં આવે છે જે ખોટકાતા વાહનો અકસ્માત સર્જે છે. ઉપરાંત 40 થી ઓછી ગતિના વાહનોને પ્રવેશ આપવો જોઈએ નહી. છતાં કેટલાક વાહનો માંદા માંદા ચાલી અન્ય વાહનો માટે અવરોધક બની અક્સ્માત જનક બને છે.
અકસ્માત નિવારવા માટે ભયજનક સ્થળના સર્વે કરાયા
મોટેભાગના અકસ્માતોમાં બાઇક અને કારમાં સવાર લોકો મોતને ભેટે છે. પોલીસની બીકના કારણે બાઇક ચાલક હેલમેટ પહેરે છે, કાર ચાલક પણ પોલીસથી ડરીને સીટ બેલ્ટ બાંધે છે જો ચાલક પોતે જ જાગૃત બને તો પોતાના જીવને બચાવી શકે છે. હાઈવે ઉપર વધતા અકસ્માતોને અટકાવવા માટે ભયજનક સ્થળનો સર્વે કરી હાઈવે ઓથોરિટી અને આરટીઓ સાથે મળીને કામગીરી ચાલી રહી છે. આ સિવાય ટ્રક ચાલકો તેમજ શાળા કોલેજોના વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અવરનેસ લાવવા માટે પણ પ્રયાસ ચાલુ છે.> પ્રેમવીર સિંહ, SP, વલસાડ
જિલ્લા હાઈવેના ભયજનક પોઈન્ટ
ને.હા.નં.8 ઉપર સરોણ અને સરોધી હાઈવે ક્રોસિંગ
સાંઈચરણ હોટલ પાસે સરોણ ગામ જવા માટેનું ક્રોસિંગ
અતુલ પાવર હાઉસથી ચણવઈ વાડી ફળિયા જવા માટેનું ક્રોસિંગ
ડંુગરી બાલાજી વેફર કંપનીની આગળ ને.હા.નં.8 ઉપરથી ડુંગરી ગામમાં જવાનો રસ્તો
હાઈવે ઉપર રોલાગામ, પેટ્રોલ પંપ પાસે
મોતીવાડા ચાર રસ્તા ને.હા.નં.8
ખડકી રેમન્ડ ફેકટરી પાસે ને.હા.નં.8
વાપી હાઈવે કટારીયા શો રૂમની સામે સર્વિસ રોડ
મોહનગામ ફાટક ત્રણ રસ્તા
ભીલાડ આરટીઓ ચેક પોસ્ટ પાસે ને.હા.નં.8
કપરાડા કુંભઘાટ રોડ સ્ટેટ હાઈવે નં.67
સ્પીડ કેમેરા મુકવાની જરૂરીયાત
હાઈવે ઉપર વધતા જતા અકસ્માતોને અટકાવવા માટે ત્રીજા ટ્રેક પકડીને જ જવાનો આગ્રહ રાખતા અને પહેલા બીજા ટ્રેક ઉપર નહી આવી સાઈડ માંગવા છતાં પણ ટ્રેક પકડી રાખનાર વાહન ચાલકોને દંડવામાં આવી રહ્યા છે. આ સિવાય સ્પીડ ઉપર નિયંત્રણ રાખવા માટે સ્પીડ કેમેરા મુકવા જોઈએ.> પી.આર.ગજેરા, PSI, જલ્લા હાઇવે ટ્રાફિક