વલસાડ જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોએ શંકરસિંહની હાય હાય બોલાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: રાજ્યસભાના સાંસદની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલના વિજયથી જિલ્લા કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે ઉત્સાહનું સિંચન થઇ ગયું હતું. મંગળવારે ગાંધીનગરમાં આકાર પામેલી કશ્મકશભરી પરિસ્થિતિ બાદ ચૂંટણી પંચે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને વિજય ઘોષિત કર્યા હતા.મોડી રાત સુધી પરિણામ વિલંબિત રહ્યા બાદ જાહેર થયેલા વિજેતા ઉમેદવાર કોંગ્રેસના અહેમદ પટેલના સમર્થનમાં કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ ફેલાઇ ગયું હતું.
 
કોંગ્રેસમાં પ્રાણફૂંકાયા: અહેમદ પટેલના વિજયનો જશ્ન મનાવી ફટાકડાની ધણધણાટી બોલાવી
 
બુધવારે જિ.પં. વિપક્ષ નેતા ભોલા પટેલ અને પ્રમુખ કિશન પટેલ,શહેર પ્રમુખ નિતેશ વશી, કાર્યકરો ઇરફાન કાદરી,રોહિત પટેલ,જયશ્રી પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકરો વલસાડના કોંગ્રેસ કાર્યાલયથી રેલી આકારે ઝંડો લઇને આઝાદ ચોક પર એકત્ર થયા હતા.જ્યાં ભારે સૂત્રોચ્ચારો પોકારી અહેમદ પટેલનો જયજયકાર બોલાવ્યો હતો.કોંગ્રેસ કાર્યાલય પર ફટાકડા ફોડી મિઠાઇ વહેંચી કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. ઘણા લાંબા સમયબાદ કોંગ્રેસને પણ પોતાની ખુશી મનાવવાની તક મળી હતી.
 
અહેમદભાઇ આગે બઢો હમ તુમ્હારેસાથ હૈ ના નારા
 
કોંગ્રેસ કાર્યકરોએ આઝાદ ચોક પર 15 મિનિટ સુધી અહેમદ પટેલ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા બુંલદ અવાજે પોકાર્યા હતા.આ સાથે ગૌરવભાઇ આગે બઢો,કોંગ્રેસ જિંદાબાદ જેવા નારાઓથી વાતાવરણ ગુંજવી દીધું હતું. જયારે વાપી અને પારડીમાં ગલી ગલી મેં શોર હૈ શંકરસિંહ ગદ્દાર હૈ જેવા નારા કોંગ્રેસાના કાર્યકરોએ ઉચ્ચાર્યા હતા.
 
પારડીમાં કોંગ્રેસના  કાર્યકરોએ શંકર વાઘેલા વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા

રાજયસભાની ત્રણ બેઠકની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલનો વિજય થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. બુધવારે સવારે પારડી ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતાં. ફટાકડા ફોડી કોંગ્રેસે અહેમદ પટેલની જીતનો વિજય મહોત્સવ મનાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ શંકરસિંહ વાઘેલાની વિરુધ્ધમાં ભારે સુત્રોચ્ચાર કરી ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતાં.

પારડી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારે સવારે 11.30 કલાકે વિજય મહોત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ભીલાડવાળા બેન્કના ડિરેકટર હેમંત ભગત, પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઇ પટેલ, પારડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સતિષ પટેલ , પારડી પાલિકાના વિરોધ પક્ષના નેતા હિતેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો એકત્ર થયા હતાં. એક-બીજાને મીઠાઇ ખવડાવી ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો.આ પ્રસંગે હેમંત ભગતે જણાવ્યું હતું કે હમેંશા સત્યની જ જીત થાય છે, ભાજપે તમામ પ્રકારના પ્રયાસો કર્યા હતા, પરંતુ સત્યની સામે ભાજપની હાર થાય છે. પૂરતા ધારાસભ્યોવા વોટ ન હોવા છતાં પણ ઉમેદવાર ઊભા રાખી ગંદુ રાજકારણ રમવાનો પ્રયાસ ભાજપે કર્યો છે.
 
વાપીમાં શંકરસિંહ સામે કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ
 
રાજયસભાની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ આખરે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલનો વિજય થયો હતો. જેને લઇ કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિજય મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બુધવારે સાંજે વાપી સરદાર ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતાં.કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી અહેમદ પટેલની જીતનો વિજય મહોત્સવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ વિરુધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતાં. આ કાર્યક્રમમાં પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઇ પટેલ, વાપી પાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઇ પટેલ, ભીલાડવાળા બેન્કના માજી ચેરમેન અને વર્તમાન ડિરેકટર અજયભાઇ શાહ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યાં હતાં.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...