વલસાડ: વલસાડ શહેર સાથે સીધા સંકળાયેલા લગભગ 18 ગામોમાં રસ્તાઓનાં નવીનીકરણ માટે રા્જ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.11.39 કરોડનાં કામોને લીલીઝંડી આપવામાં આવતાં હજારો લોકોની રસ્તાની મુશ્કેલીઓ દૂર થશે. સ્થાનિક ધારાસભ્યની દરખાસ્તનાં પગલે વિભાગે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ માતબર ગ્રાન્ટ મંજૂર કરી છે. જેનાં જોબ નંબરની ફાળવણી ગાંધીનગરથી જ કરી દેવામાં આવી છે. તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વલસાડ શહેર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા ગામોમાં રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ હતી.
આ ગામોમાંથી પ્રતિદિન હજારો લોકો આ ગામો વચ્ચે અને વલસાડ શહેરમાં આવવા માટેનાં મુખ્ય રસ્તાઓ સાથે એપ્રોચ ધરાવતા હોવાથી તેનો ઉપયોગ મહત્ત્વનો બની રહ્યો હતો. જો કે રસ્તાઓ પર ખાડા પડી જવા સાથે સાઇડ સોલ્ડર પણ ઉખડી ગયેલા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ વિસ્તારોમાંથી વલસાડ શહેરમાં આવેલી શાળા અને કોલેજોમાં સેંકડો વિદ્યાર્થીઓની અવરજવર થાય છે. ઉપરાંત ગામોમાં માંદા પડતાં લોકોને સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં આવવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ થતો રહ્યો છે.
આ સિવાય અન્ય ધંધા રોજગાર કરતાં અને નોકરીએ જતાં હજારો લોકો ગ્રામ્ય વિસ્તારોમાંથી વલસાડ થઇને પણ આવજા કરે છે. આ રસ્તાઓ ખખડધજ થતાં વલસાડનાં ધારાસભ્ય ભરતભાઇ પટેલને પંચાયત હસ્તકનાં રસ્તાઓ નવા બનાવવા માટે રજૂઆતો થતી રહી હતી.જેને લઇ તેમણે માર્ગ અને મકાન મંત્રી નિતીનભાઇ પટેલને આ મામલે રજૂઆતો કરી માર્ગો બનાવવા માટે દાદ માગી હતી. પરિણામે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંત્રી પટેલે વલસાડ તાલુકાનાં લગભગ 18 ગામોનાં રસ્તા નવા બનાવવા માટે રૂ.11.39 કરોડની ગ્રાન્ટને મંજૂરી આપી છે.
જેના જોબ નંબર પણ અપાઇ ગયાં છે. આ અંગેની જાણકારી મંત્રાલય તરફથી સંાસદ ડો.કે.સી.પટેલ, પારડી ધારાસભ્ય અને જિ.ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ, ધારસભ્ય ભરતભાઇ પટેલ, અને તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ પટેલને કરવામાં આવી છે. જેને લઇ ચોમાસા બાદ દિવાળીથી આ તમામ રસ્તાઓનાં કામો શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.જેને લઇ આ પંથકનાં લોકોને રસ્તાની હાલાકીમાંથી છૂટકારો મળશે તેવું જણાય રહ્યું છે.
વલસાડ તરફ જતાં મુખ્યમાર્ગ સાથે જોડતા માર્ગોનો સમાવેશ
બીનવાડા જલારામ કોળી ફળિયાને જોડતો 2.02 કિ.મી.નો રસ્તો,ગ્રાન્ટ રૂ.28.60 લાખ,પારનેરા ચણવઇ ડીપી ફળિયા રોડ 3 કિ.મીનો રોડ ,ગ્રાન્ટ રૂ.48 લાખ, ચણવઇ નાયકીવાડ રોડ 3 કિ.મી.નો રૂ.31 લાખ અને ચણવઇ વાડીફળિયા ગુરૂનાં આશ્રમ સુધીનો રોડ લંબાઇ 1 કિ.મી. ગ્રાન્ટ રૂ.38 લાખ મંજૂર થયા છે.
મંત્રી નિતીન પટેલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા PWDને સૂચના આપી
તાલુકા મથક વલસાડને જોડતાં મુખ્યમાર્ગોનાં નવિનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.11.39 કરોડના કામોને બહાલી આપી ગ્રાન્ટ મંજૂર થતાં જ મંત્રી નિતીનભાઇ પટેલ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન ખાતાને લેખિત સૂચના જારી કરી છે. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર કરાયેલા આ કામોનાં જોબ નંબર પડી ગયા હોવાથી ટેન્ડર પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા તેમણે તાકીદ કરી છે.
તાલુકાનાં મુખ્યમાર્ગો સહિત રોડ મંજૂર થયાં
રૂ.11.39 કરોડનાં ખર્ચે વલસાડને જોડતા મુખ્યમાર્ગો સહિતનાં રસ્તા મંજૂર થઇ ગયાં છે. હજૂ પણ નોનપ્લાન રસ્તાની વધુ ગ્રાન્ટ મળશે.ચણવઇનાં લોકોને ગેરમાર્ગે દોરનારા તત્ત્વો ભ્રમિત કરી રહ્યા છે. આ ગામમાં રૂ.1 કરોડનાં રસ્તાનાં કામો બનાવવામાં આવશે.સમગ્ર તાલુકાનાં મહત્ત્વનાં રસ્તાઓ માટે માર્ગ અને મકાન મંત્રી નિતીનભાઇ પટેલ મંજૂરી અંગેની વિગતો વલસાડ માર્ગ અને મકાન ખાતાનાં કાર્યપાલક ઇજનેરને મોકલી આપી છે. જે કામોનાં ટેન્ડર પાડવા સૂચના આપી દેવામાં આવી છે. - ભરતભાઇ પટેલ, ધારાસભ્ય, વલસાડ