આજે નરેન્દ્ર મોદી ધરમપુરમાં, જાહેર સભાને કરશે સંબોધન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ: વલસાડના ધરમપુરમાં યોજાયેલી ગુજરાત વિકાસયાત્રા સભામાં પીએમ નરેન્દ્ર મોદીકોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી મુદ્દે મણિશંકર ઐયરે કરેલી વાતને આશ્ચર્યજનક લેખાવી હતી. તેમણે કહ્યું, મણિશંકર કહે છે કે જહાંગીરથી લઇ ઔરંગઝેબ સુધીના મોગલ બાદશાહના શાસનમાં ઉત્તરાધિકારીઓ તેમની ઔલાદ જ  હતી. આ જ રીતે કોંગ્રેસનો ઔરંગઝેબ રાજ તેમને જ મુબારક તેવો કટાક્ષ કરી વડાપ્રધાને કોંગ્રેસની દુ:ખતી નસ પર હાથ મૂક્યો હતો.

 

મોગલ બાદશાહ જહાંગીરની જગ્યાએ તેમના પૂત્ર શાહજહાં આવ્યા


વડાપ્રધાને ભાષણની શરૂઆતમાં જ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.કોંગ્રેસની સરકારના મંત્રી રહી ચૂકેલા મણિશંકર ઐયરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી મામલે કરેલા નિવેદન મુદ્દે મોદીએ કહ્યું કે,ઐયર કહે છે કે,મોગલ બાદશાહ જહાંગીરની જગ્યાએ તેમના પૂત્ર શાહજહાં આવ્યા તો શું ત્યાં ઇલેકશન થયું હતુ? શાહજહાં બાદ ઔરંગઝેબ આવ્યા ત્યારે પણ શું ઇલેકશન થયું હતું? આ તો પહેલાંથી જ બધાને ખબર હતી કે જે બાદશાહની ઔલાદ છે તેને જ ગાદી મળશે. કોંગ્રેસને ખબર છે કે તેનો અધ્યક્ષ કોણ બનશે.

 

આ સવા કરોડ વિધાતા જ અમારો હાઇકમાન્ડ


મણિશંકર ઐયરની આ વાતનો સંદર્ભ આપતા મોદીએ ટિપ્પણી કરી કે,કોંગ્રેસ પાર્ટી નથી પણ કુનબો છે.તેમનું સત્તા પર આવવાનો અર્થ છે કે બાદશાહની ઔલાદનું જ બેસવું.આ ઔરંગઝેબ રાજ તેમને જ મુબારક તેવું કહીને પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નવા અધ્યક્ષપદની ચૂંટણી અંગે અપનાવાતી રીતરસમને ટાર્ગેટ કરી હતી.મોદીએ કહ્યું કે,અમારા માટે દેશ મોટો છે.સવા કરોડ દેશવાસીઓજ દેશના ભાગ્ય વિધાતા છે. આ સવા કરોડ વિધાતા જ અમારો હાઇકમાન્ડ છે.

 

- આદિવાસી: વાંસ કાપવાથી જેલમાં જતાં આદિવાસીઓને હવે જેલમાં ન જવુ પડે તે માટે નવો કાયદો બનાવ્યો છે. આ સાથે વધારાની 50 હજાર આવક પણ મળશે
- શિક્ષણ: ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિદ્યાર્થીઓ માટે ધો. 12 સાયન્સની એક પણ શાળા ન હતી અમે આવ્યા ને શાળાઓ શરૂ કરી
- નોટબંધી: નોટબંધીના કારણે કોંગ્રેસ ગુસ્સામાં છે. એમનું ચાલે તો મોદીને જેલમાં પૂરી દે. કારણ કે નોટબંધીથી કોંગ્રેસે કમાઉ દીકરો ગુમાવ્યો છે
- ખેડૂતો: ફળફળાદીનું ઉત્પાદન 20 લાખથી 90 લાખ ટન,  શાકભાજીનું ઉત્પાદન 21 લાખથી 125 લાખ ટન વધ્યું છતાં કોંગ્રેસને વિકાસ દેખાતો નથી 


PM મોદીની સાથે સાથે


- પીએમ મોદીનો સભામંડપમાં પ્રવેશ થતાં જ લોકો એ મોદી... મોદી... ના નારા લગાવી સ્વાગત કર્યું હતું.
- મોદીએ કહ્યું કેમ છો બધા, તમે ક્યાં યાદ કરો છો. એમ કહી જૂની યાદો તાજી કરી.
- સભામાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પાસે મોદીના વિવિધ પ્રકારના બેનરો જોવા મળ્યા હતા.
- પીએમ મોદીનું ભાષણ લોકોએ શાંતિથી સાંભળ્યું હતું, વચ્ચે મોદી કંઈક ધરમપુર વિસ્તારનો ઉલ્લેખ કરતા તો લોકો મોદી...મોદી...નો જય જય કાર કરતા.
- જાહેરસભા પૂર્ણ થતાં જ મોદીએ સ્ટેજ પરથી નીચે ઉતરી પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
- મોદીનું હેલીકોપ્ટર હેલીપેડ પર આવતાં જ લોકોએ મોદી... મોદી... ના નારાથી વાતાવરણને ગજવી મૂક્યું હતું.
- સભા મંડપ સુધી પહોંચવા લોકોની લાંબી કતારો રોડ પર જોવા મળી હતી.
- મોદીએ ધરમપુરના મહેન્દ્ર ચૌધરી સાથે વાત કરી તેમના પિતા અને માજી સાંસદ મણીભાઈ ચૌધરીના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર પૂછ્યા હતા. 
- નવસારીના માજી ધારાસભ્ય છેલ્લા થોડા સમયથી ભાજપથી નારાજ હતા પરંતુ મોદી આવતા તેઓ સ્ટેજ પર જોવા મળ્યા હતા.

 

તસવીરો: ચેતન મહેતા, વલસાડ

આગળની સ્લાઇડ્સમાં વાંચો, આદિવાસીઓ ભીખારી નથી, દેશના માલિક છે....

અન્ય સમાચારો પણ છે...