વલસાડ: હપ્તા વસૂલીના કેસમાં 3 પોલીસ કર્મીને LCBએ બચાવી લીધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લોકોને જુગારના કેસમાં ફસાવી દેવાની વાત કરી પૈસાની ઉઘરાણી માટે આવેલા સુરત અને નવસારીના બે ફોલ્ડરિયાઓને લોકોએ છટકું ગોઠવી પકડાવી દીધા હતા. જોકે, આ બંને ફોલ્ડરિયાઓ સાથે આવેલા 3 ઓરિજનલ પોલીસ કોન્સ્ટેબલને એલસીબીએ આબાદ રીતે બચાવી દીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ભરૂચ, અમદાવાદ અને જમ્મુસરના 3 પોલીસ કોન્સ્ટેબલ તેમજ આ પેકીના એક કોન્સ્ટેબલે આરઆર સેલમાં પણ ફરજ બજાવી હોય તેઓ વલસાડ સ્ટેશન વિસ્તારમાં જુગાર ધામના નામે હપ્તાની વસૂલાત કરવા આવ્યા હતા. તેઓએ બે ફોલ્ડરોની મદદથી વલસાડના 30 થી વધુ લોકોને ફોન કર્યા હતા અને કેટલાક અડ્ડા પરથી પૈસાની વસૂલી પણ કરી હતી. જોકે, તેમનો એક ફોન કાપડના વ્યાપારી પ્રદિપ પર પહોંચ્યો હતો. જે કોઇ પણ ગુનાખોરીમાં સંડોવાયેલો જ ન હતો. જેણે પોતાના મિત્ર રિયાઝને આવા ફોનની વાત કરી હતી. જેના કારણે તેમણે છટકું ગોઠવી બે ફોલ્ડરો અને પછી કારમાં આવેલા 3 પોલીસ કર્મીઓની પકડી એલસીબીને સોંપી દીધા હતા.
જોકે, આ કેસમાં એલસીબીએ માત્ર બે ફોલ્ડરો વિરૂદ્ધ જ ગુનો દાખલ કરાવી આ કેસમાં પોલીસ કર્મીઓનો આબાદ રીતે બચાવ કરી દીધો છે.
મોડી રાત્રે પોલીસે ફરિયાદીને આંટા મરાવ્યા બાદ તેની ફરિયાદ લીધી હતી. પોલીસે તેની ફરિયાદ લઇ માત્ર બે ફોલ્ડરિયામાં નવસારીના વિપુલ પટેલ અને સુરતનો રાજેશ ગોસ્વામી સામે જ ગુનો દાખલ કર્યો હતો. જોકે પાછળથી પીએસઆઇ રાકેશ શર્માના નામે આવેલા કોન્સ્ટેબલોને એલસીબીએ પકડ્યા તો ખરા, પરંતુ તેમની સામે ગુનો દાખલ કર્યા વિના તેમને છોડી દીધા હતા. જેને લઇ એલસીબીની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઇ હતી.
એક બીજાને ખો આપી મોડી રાતે ફરિયાદ નોંધી
વલસાડ એલસીબીએ ફરિયાદીને સિટી પોલીસ મથકે મોકલ્યો હતો. જ્યારે સિટી પોલીસે તેને એલસીબીમાં મોકલ્યો હતો. રાત્રે 8 વાગ્યાની ઘટનાની ફરિયાદ રાત્રે 11 વાગ્યે નોંધાઇ હતી. જેમાં એલસીબીની ભૂમિકા ખૂબ શંકાસ્પદ જણાતી હતી. પકડાયેલા 3 પોલીસ કોન્સ્ટેબલ ખુબ આરામથી એલસીબીમાં બેઠા હતા. તેમની સામે કોઇ જ કાર્યવાહી ન થઇ હોય તેઓને છોડી મુકાયા હતા.
તસવીર: ચેતન મહેતા
અન્ય સમાચારો પણ છે...