નારગોલના માછીમારોએ સમુદ્ર નારાયણ દેવનું મંદિર બનાવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ: પોતાના પરિવારના ગુજરાન માટે જીવ જોખમમાં મૂકી ઉંડા સમુદ્ર ખેડતા માછીમારો સમુદ્ર નારાયણ દેવ તરીકે દરિયાની પૂજા કરતા હોય છે. સમુદ્ર નારાયણ દેવની નિયમિત પૂજા કરવા માટે નારગોલ ગામે માછીમાર ભાઇઓ દ્વારા આ પંથકમાં સર્વ પ્રથમ સમુદ્ર નારાયણ દેવનું મંદિર નિર્માણ કરતા સમગ્ર ઉમરગામ તાલુકામાં માછીમાર ભાઇઓ તેમજ ભકતો માટે નવ નિર્મિત સમુદ્ર નારાયણ દેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર સાબિત થશે.
- નારગોલના માછીમારોએ સમુદ્ર નારાયણ દેવનું મંદિર બનાવ્યું
- વિશ્વ સમુદ્ર દિને મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાશે
ખૂબ જ ધાર્મિક તેમજ સેવાભાવી માછીમાર સમાજ પોતાની આજીવિકા માટે ઉંડા દરિયામાં જઇ માછીમારી કરતી હોયછે. દરિયાના આશીર્વાદ માત્રથી માછીમારો પોતાના પરિવારને નભતા હોય છે. ઉંડા દરિયામાં માછીમારી કરતી વેળા માછીમારોના જીવન ઉપર અનેક પ્રકારના સંકટ રહે છે. એવા સંજોગોમાં શ્રદ્ધા અને ભાવના સાથે માછીમારો દરેક સંકટ સમયે દરિયા દેવની પૂજા પ્રાર્થના કરતા હોય છે. શ્રાવણી પૂર્ણિમા એટલે કે નારિયેળી પૂર્ણિમાના દિને માછીમાર ભાઇઓ સમુદ્ર નારાયણ દેવની પૂજા કર્યા બાદ પોતાની બોટ (હોડી) દરિયામાં ઉતારી વર્ષની શરૂઆત કરતા હોય છે. માછીમાર ભાઇઓ માટે સમુદ્ર નારાયણ દેવ ઉપર અતૂટ શ્રદ્ધા હોય છે.

શ્રદ્ધા દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકાના દરિયા કિનારે વસેલુ નારગોલ ગામે જોવા મળી રહી છે. ગત 8મી જૂન એટલે વિશ્વ સમુદ્ર દિન તરીકે નારગોલ ગામે માછીમારો દ્વારા ઉજવણી કરી નારગોલ ગામે સુચિત પોર્ટ પ્રોજેકટનો વિરોધ દર્શાવી સમુદ્ર નારાયણ દેવની કોઇપણ ભોગે સુરક્ષા રાખવાના સંકલ્પ લીધા હતા. ત્યારબાદ નારગોલ ગામના નારગોલ બંદર ખાતે દરિયા કિનારે માછી સમાજ દ્વારા એક નયન રમ્ય સમુદ્ર નારાયણ દેવનું મંદિર નિર્મિત કરાયું છે.

ઉમરગામ તાલુકાના દરિયા કિનારે પ્રથમ બનેલા સમુદ્ર નારાયણ દેવનું મંદિર ખાતે મૂર્તિની સ્થાપના વિધિ ગામ ગૌર દક્ષેશભાઇ રમેશચંદ્ર જોશીના સાંનિધ્યમાં આગામી 20મી જૂન, 2016 ને સોમવારના દિને સવારે 10 કલાકે કરવામાં આવશે. આ નિમિત્તે બપોરના 12 થી 2 કલાક સુધી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવશે. માછી સમાજના પરસોત્તમભાઇ (માઇકલ)એ જણાવ્યું કે, સમુદ્ર આમારો ભગવાન છે. ભગવાનનું મંદિર હોવુ જોઇએ. જેથી અમો માછી સમાજના લોકોએ મંદિર બનાવવાનો નિર્ણય લઇ મંદિર બનાવી દીધું. નારગોલ ગામના ગૌર મહારાજ દક્ષેશભાઇ રમેશચંદ્ર જોશીએ જણાવ્યું કે, માછીમારો નિયમિત દરિયાની પૂજા કરે છે. આ વિસ્તારમાં સર્વપ્રથમ સમુદ્ર નારાયણ દેવનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે.


અન્ય સમાચારો પણ છે...