કલગામમાં પરિવાર ઉપર તલવારથી હુમલો, ચાર ગંભીર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કલગામમાં પરિવાર ઉપર તલવારથી હુમલો, ચાર ગંભીર
- ભૂતકાળના મિત્રોએ જ ઘાતક હથિયાર સાથે હુમલો કર્યો

ઉમરગામ: ઉમરગામના કલગામ ગામે સામાન્ય વાતની અદાવત રાખીને બુધવારના રાત્રીએ પટેલ પરિવાર ઉપર ધાતક હથિયારો સાથે ધસી આવેલા ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક મહિલા સહિત ચારને ગંભીર ઇજા પહોંચતા વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉમરગામ મરીન પોલીસે ગુનો નોંધીને ફરાર થયેલા હુમલાખોરની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ઉમરગામના કલગામ ગામે રહેતો જિજ્ઞેશ પટેલ ગામના જ કેટલાક યુવાનો સાથે મિત્રતા રાખીને ફરતો હતો.

જોકે, કોઇક અગમ્ય કારણોસર જિજ્ઞેશ પટેલે આ યુવાનો સાથે મિત્રતા તોડી નાંખી હતી. થોડા દિવસ અગાઉ કોઇક મુદ્દે તેમના જુના મિત્રો સાથે બોલાચાલી પણ થઇ હતી. આ બોલાચાલીની અદાવત રાખીને બુધવારના રાત્રીના સુમારે પુનીત હરીશચંદ્ર પટેલ, રોહીત ઇશ્વર પટેલ તથા ગણેશ પટેલ રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે જિજ્ઞેશના ઘરે પહોંચીને બોલાચાલી કરી હતી. બોલાચાલી બાદ સામાન્ય ઝપાઝપી પણ બંને પક્ષ વચ્ચે થઇ હતી.આ ઝપાઝપીના થોડા સમય બાદ રાત્રીના સાડા બારેક વાગ્યાના સુમારે ઉપરોક્ત આરોપીઓ સહિતનું ટોળું ધાતક હથિયાર જેવા કે, તલવાર, પાઇપ તથા લોખંડના સળિયા સાથે ધસી ગયા હતા.

આ ટોળાંએ જિજ્ઞેશના પરિવારના સભ્ય ઉપર હુમલો કરી દીધો હતો. આરોપી પુનીત પટેલે તલવારથી નયનાબેન નામક મહિલા ઉપર તલવારથી હુમલો કરી દેતા તેમના ડાબા હાથના ભાગે ઇજા પહોંચી હતી. આ ઉપરાંત જિજ્ઞેશ પટેલ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર એક મહિલા સહિત ચાર ઇસમો ઉપર હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસત તમામને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ઠાકોરભાઇ છોટુભાઇ પટેલે મરીન પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો.

પોલીસે મારામારી તથા જાનથી મારી નાંખવાની ધમકી અંગેની ફરિયાદ લઇને તમામ આરોપીના ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે. મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સામાન્ય મારામારી થઇ હતી ત્યારે બનાવના સ્થળે પહોંચી ગયા હતા. જોકે, પોલીસને જોતા જ હુમલા કરનારા ત્યાંથી ભાગી છૂટયા હતા. પોલીસ ગયા બાદ રાત્રીના સાડાબાર કલાકે ઘાતક હથિયાર સાથે તેઓ પહોંચ્યા હતા.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બનાવનો મુખ્ય સૂત્રધાર પુનીત હરીશચંદ્ર પટેલ અગાઉ પણ મારામારીના કેસમાં ધરપકડ થઇ ચુકી છે. દમણના કેટલાક મિત્રો સાથે ગામમાં ખુલ્લેઆમ દાદાગીરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
હુમલો કર્યા બાદ ઘરમાં બંધ કરી દેવાયા
કલગામના ટપોરી તત્વોએ જિજ્ઞેશ પટેલના પરિવાર ઉપર તલવાર, લોખંડના સળિયા તથા પાઇપથી હુમલો કર્યા બાદ તેમના ઘરમાં પણ તોડફોડ કરી હતી. બારી બારણા, લાઇટ મીટર તથા પલ્સર બાઇક નંબર જીજે 15 એક્યુ-0522ની તોડફોડ કરવામાં આવી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ તમામ પરિવારને ઘરના બહારથી દરવાજો બંધ કરીને ઘરમાં પુરી દઇને ફરાર થઇ ગયા હતા.
હુમલામાં ઇજા પામેલા ઇસમો
1 નયનાબેન ઠાકોરભાઇ પટેલ
2 નટુભાઇ છોટુભાઇ પટેલ
3 વિકી નટુભાઇ પટેલ
4 ધીરૂભાઇ પટેલ
પોલીસે આ આરોપી સામે ગુનો નોંધ્યો
1. પુનીત હરીશચંદ્ર પટેલ
2. મેહુલ પ્રકાશ પટેલ
3. રોહીત ઇશ્વર પટેલ
4. રાજન ઇશ્વર પટેલ
5. અર્જુન નાનુ પટેલ
(તમામ રહે. ભેખલ ફળિયું, કલગામ)