• Gujarati News
  • Attack On Sister's Husband By Man In Valsad Latest News

બહેન સાથે કોર્ટ મેરેજ કરનાર બનેવી ઉપર સાળાનો હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બહેન સાથે કોર્ટ મેરેજ કરનાર બનેવી ઉપર સાળાનો હુમલો
- બહેને કરેલા લગ્ન ભાઈને પસંદ ન હોવાથી મિત્રો સાથે બનેવીને ઘેરી માર માર્યો

વલસાડ: વલસાડ તાલુકાના ધનોરી ગામમાં રહેતી યુવતીને ફળિયામાં રહેતા યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ કોર્ટ મેરેજ કરી બંને સાથે રહેવા માંડયા હતા. જે બાબત યુવતીના ભાઈને પસંદ ન હોવાથી બુધવારે તેનો બનેવી નોકરી ઉપર જવા માટે નીકળ્યો હતો ત્યારે મૂળી- ફણસવાડા રોડ ઉપર ભાઈએ પોતાના મિત્રો સાથે મળીને બનેવીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના ધનોરી ગામમાં પટેલ ફળિયા ખાતે રહેતા નેહાલીબેનને ફળિયામાં જ રહેતા સ્નેહલ પ્રકાશભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ કોર્ટ મેરેજ કરી લઈ પતિ પત્નીની તરીકે સંસાર ચાલુ કર્યો હતો. પરંતુ આ સંબંધ નેહાલીના ભાઈ હર્ષ ઉર્ફે કાલુ મહેશ પટેલને ગમતો ન હતો. જેથી તેની અદાવત રાખી બુધવારે સવારે સ્નેહલ બાઈક ઉપર વાપી નોકરી જવા માટે નીકળ્યો હતો ત્યારે હર્ષે પોતાના મિત્રો સાથે વોચ ગોઠવી હતી. આ દરમિયાન સ્નેહલ મૂળી-ફણસવાડા રોડ ઉપરથી પસાર થતો ત્યારે તેને આંતરી લઈ હર્ષે પોતાના મિત્રો સાથે મળીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નેહાલીએ પોતાના પતિ ઉપર હુમલો કરનાર પોતાના ભાઈ હર્ષ વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.