પારડી: પાતલિયા ચેકપોસ્ટ પર SRP છતાં દારૂના વાહનોની હેરાફેરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી: પાતલીયા ચેકપોસ્ટ પર SRPનું ચેકિંગ છતાં ત્યાંથી દારૂ ભરેલી ટ્રક પસાર થઇ હોવાનું વલસાડ એલસીબીને બાતમી મળતા તેમણે શુક્રવારે વહેલી સવારે પારડી હાઇવે પર વોચ ગોઠવી દારૂ ભરીને નીકળેલી ટ્રકને ઝડપી પાડવાની સફળતા મળી હતી. ટ્રકમાંથી રૂ. 20.74 લાખનો દારૂ મળી આવતા રૂ. 8 લાખની ટ્રક મળી કુલ 28,75,300ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી પારડી પોલીસને હવાલે કર્યો છે.
- પાતલિયા ચેકપોસ્ટ પર SRP છતાં દારૂના વાહનોની હેરાફેરી
- ટ્રક અને દારૂ મળી કુલ28.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- સુરત તરફ જતી દારૂ ભરેલી ટ્રકને LCBએ હાઇવે પરથી ઝડપી
પારડી પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર પોલીસ કર્મીઓ મુકવામાં આવ્યાં છે,આમ છતાં દારૂનો જથ્થો દમણથી ગુજરાતમાં આવી રહ્યો છે.દારૂબંધીના અમલ માટે દમણ અને ગુજરાતને જોડતી દરેક ચેકપોસ્ટ પર સ્પેશિયલ SRP ગૃપ ગોઠવી દેવામાં આવ્યું છે. તેમ છતાં રોજબરોજ મોટા બૂટલેગરો દારૂ ભરેલા વાહન ગુજરાતમાં ઘુસાડવામાં સફળ બની જતા હોય છે. જયારે દમણની સહેલગાહે ખાણીપીણી કરવા આવેલા અને નોકરી ધંધાઅર્થે રોજબરોજ આવતા કે પછી દમણથી એક બે બોટલો લઇ જતા લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવે છે. જયારે બીજીતરફ દારૂ ભરેલી આખે આખી ગાડીઓ પસાર થઇ જાય છે. પારડી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
શુક્રવારે વહેલી સવારે વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમના કોન્સ્ટેબલ ખુમાનસિંહને દમણથી એક ટ્રકમાં દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ભરી પાતલીયા ચેકપોસ્ટ પસાર કરી ગયા હાઇવેના માર્ગે સુરત તરફ લઇ જવાનો હોવાની બાતમી મળી હતી. જે મુજબ ટીમના હેડ કોન્સ્ટેબલ વિજય, હેડ કોન્સ્ટેબલ સતીષ, ડ્રાઇવર પોલીસ કન્સ્ટેબલ ચંદુ સાથે પારડી ને.હા. નં. 8 સોના દર્શન એપાર્ટમેન્ટની સામે મળસ્કે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમી વાળી ટ્રક નં. જીજે-15-એક્ષ-8811 આવી ચઢતા પોલીસે તેને રોકી તલાસી લીધી હતી.

ટ્રકમાંથી બીયર, વ્હસ્કીની દારૂની બોટલ નંગ 23280 જેની કિંમત રૂ 20,74,800 મળી આવતા ટ્રક ચાલક ઝુબેર અસ્લમ શેખ રહે. તા. જિ. ગાજીપુર, યુપી, મોતીનગર મહોલ્લાની ધરપકડ કરી હતી. રૂ. 8 લાખનની ટ્રક અને દારૂ મળી કુલ રૂ. 28,75,300 નો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસને હવાલે કર્યો છે. આ સાથે આ દારૂનો જથ્થો ભીમપોર કોસ્ટલ હાઇવેથી ભરી આપનાર તન્વીર રહે. ખારીવાડ, દમણનાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પારડી પોલીસે શરૂ કરી છે. એકતરફ પોલીસ દારૂ પીને જતા કે એક બે બાટલી લઇને જતાને SRP ચેકપોસ્ટ પરથી ઝડપી પાડે છે. ત્યારે આટલા મોટા વાહનમાં નીકળેલો દારૂ ચેકપોસ્ટ પર કેમ હાથે લાગતો નથી જે નવાઈ પમાડે તેવી વાત છે.
અન્ય સમાચારો પણ છે...