દુષ્કર્મ/ અંબાચની યુવતી ગેંગરેપ બાદ ગર્ભવતી બની, ફરિયાદ નોંધાવવા એસપીના શરણે

Divyabhaskar.com

Dec 07, 2018, 11:40 PM IST
Ambach's girl became pregnant after misbehavior

* 4 યુવકોએ સગીરા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી વારંવાર ભોગવી

* મેડિકલ તપાસમાં 7 માસનો ગર્ભ રહ્યો હોવાનું જણાતા પરિવારજનોના માથે આભ તૂટ્યું

* ચારેય યુવકે કરેલા દુષ્કર્મની વિગત આપી

વલસાડ: પારડી તાલુકાના અંબાચગામે એક સગીરાને લગ્નની લાલચ આપી ગામના 4 યુવાને દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી હતી. 7 માસનો ગર્ભ રહ્યા બાદ આ ચારેયમાંથી કોઈએ ન અપનાવતાં છેવટે સગીરાના પરિવારજનો પોલીસના શરણે વલસાડ દોડી આવ્યા હતા. એસપીને કરેલી રજૂઆતમાં ચાર યુવાન સામે કડક કાર્યવાહી કરી પગલાં ભરવા લેખિત રજૂઆત કરી ન્યાય માગ્યો છે.

એસપીને કરાયેલી અરજીમાં પરિવારજનો જણાવે છે કે, તેઓ અંબાચ ગામે રહી છુટક મજૂરીના કામ કરી ગુજરાન ચલાવે છે. પરિવાર સાથે રહેતી સગીરામાં શારીરિક ફેરફાર થયેલા જણાતા તેઓએ સગીરાને શું થયું હતું કહી વાત જાણવા પ્રયત્ન કરતાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાયું હતું. સગીરાને પારડીની એક ખાનગી હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવતાં તેને 7 માસનો ગર્ભ રહ્યો હોવાનું જણાતા ગરીબ પરિવારના માથે આભ ફાટી પડ્યું હતું. પરિવારજનોએ સગીરાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે ગામના ચાર યુવાનોએ તેની સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી , ફોસલાવી જુદી જુદી જગ્યાએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ પોલીસને કરેલી રજૂઆતમાં કર્યો હતો.


સગીરાના પરિજનોએ આ મામલે પ્રથમ સમાજમાં બદનામી ન થાય અને સમાજની રાહે તેને નિવેડો આવે તે દ્રષ્ટીએ સરપંચ સહિતના આગેવાનો સાથે રાખી ગત 1લી ડિસે. અંભેટી ખાતે સમાધાન માટે બેઠક પણ રાખી હતી. તેમાં યુવાનોના પરિવારજનો સમક્ષ સગીરા સાથે લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ પણ મૂકાયો હતો. જોકે, તેઓએ સગીરાની કોઈપણ જવાબદારી લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાને લઈ પરિવારજનોએ છેવટે ડુંગરા પોલીસ મથકે અંબાચના ચારેય યુવાન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાનું નક્કી કરી 5મી ડિસે.ના રોજ સવારે ત્યાં પહોંચી ગયા હતા.

પોલીસે યુવાનોના નામ-સરનામા લઈ તેઓની સામે તપાસ કરી કડક કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું. જો કે, યુવાનોના વાલીઓને પોલીસે અંબાચ ગ્રામ પંચાયત ખાતે બોલાવ્યા હતો. જેમાંથી બે યુવાનના પિતાએ હાજર રહી આગામી 24 કલાકનો સમય માગ્યો હતો. વાલીઓની મુદત પુરી થયા બાદ સમાધાનનો કોઈ નિવેડો ન આવતાં સગીરાના પરિજનો ફરી ડુંગરા પોલીસ મથકે ગુરૂવારે સવારે ગયા હતા. છતાં પણ ડુંગરા પોલીસ મથકના પીએસઆઈએ સગીરાના પરિજનો પાસેથી કોઈ ફરિયાદ લીધી ન હતી. છેવટે સગીરાના પરિવારજનો શુક્રવારે સવારે વલસાડ એસપીને લેખિત રજૂઆત કરવા દોડી આવ્યા હતા.

સગીરાને ડુંગરા પોલીસે બહાર બેસાડી રાખી


અંબાચનો પરિવાર સગીરા સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ કરવા જ્યારે ડુંગરા પોલીસ મથકે પહોંચ્યો ત્યારે પ્રથમ દિવસે આખો દિવસ બેસાડી રાખ્યા બાદ બીજા દિવસે પણ કોઈ નક્કર કાર્યવાહી કર્યા વગર 7 માસના ગર્ભવાળી સગીરાને આખો દિવસ બહાર તડકામાં બેસાડી રાખી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પ્રથમ ડુંગરા પોલીસમાં ફરિયાદ કરવા જણાવ્યું


પરિજનો વલસાડ એસપીને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. બાળ સુરક્ષામાં પણ તેઓ રજૂઆત માટે આવતાં તેમની રજૂઆત સાંભળી પ્રથમ આ કેસમાં ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવો બાદમાં સીડબલ્યુસી મારફતે આગળની કાર્યવાહી કરાશે. - જાસ્મીન પાંચાલ, બાળ સુરક્ષા અધિકારી, વલસાડ

ફરિયાદ કરવા માટે બે વખત ફોન કરી બોલાવ્યા છતાં વલસાડ પહોંચી ગયા


સગીરા અને તેના પરિજનો ગુરૂવારે ડુંગરા પોલીસ સ્ટેશને આવ્યા હતા. પોલીસે એફ.આઇ.આર. નોંધવા કહેતા તેઓ સમાજના આગેવાનો સાથે મળીને બેઠક કર્યા બાદ વિચાર વિમર્શ કરીને ફરિયાદ કરવા આવીશું તેમ જણાવી પરત જતા રહ્યા હતા. શુક્રવારે તેમને પોલીસ દ્વારા બે વખત કોલ કરીને બોલાવાયો પણ હતો. તે છતાં તેઓ વાપીમાં નહીં આવી વલસાડ પહોંચી ગયા હતા. પોલીસ સ્ટેશને સ્ટેશન ડાયરીમાં આ બાબતની નોંધ પણ લેવામાં આવી છે. - વિરભદ્રસિંહ જાડેજા, ડીવાયએસપી, વાપી વિભાગ

X
Ambach's girl became pregnant after misbehavior
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી