Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ રેલવે કોલોનીને 44.22 લાખના બાકી વેરા માટે પાલિકાની જપ્તીની નોટિસ
વલસાડ નગરપાલિકાની હદમાં પશ્ચિમ રેલવેની 421 જેટલા રહેણાંક અને બિન રહેણાંકની મિલકતો આવેલી છે.જેનો વેરો 2004 થી 2020 સુધીનો ડ્રેનેજ વેરો આજદિન સુધી ભરવામાં રેલવે તંત્ર વર્ષોથી ઠાગાઠૈયા કરી રહેતા પાલિકાએ સતત નોટિસો જારી કરી હતી.પરંતું તેમ છતાં વેરો ભરવામાં રેલવે તંત્ર ઉદાસ રહ્યું હતું.ચાલૂ વર્ષે પાલિકાએ તમામ બાકી પાછલા વેરા ઉઘરાવવા કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે.સીઓ જે.યુ.વસાવાએ હાઉસ ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ રમણભાઇ રાઠોડને બાકી વેરા વસુલવા તમામ પગલાં ભરવાનો આદેશ આપી સૌથી મોટી રકમની બાકી વસુલાત માટે રેલવેના સિનીયર ડિવિઝનલ એન્જિનીયર (નોર્થ)ને નોટિસ ઇસ્યુ કરી છે.જેમાં રેલવેની ભોગવટા કબજાની મિલકત ઉપર નગરપાલિકાના ડ્રેનેજ વેરાની બાકી લેેણાંની રકમ માટે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-132 હેઠળ માગણાના બિલ બજાવ્યા છતાં રૂ.44.22 લાખના ડ્રેનેજ વેરો ન ભરતાં 17 માર્ચ સુધીમાં રેલવે કોલોનીનો બાકી ડ્રેનેજ વેરો ભરવામાં ન આવે તો વોરન્ટ દ્વારા મિલકતો ટાંચમાં લઇ જપ્ત કરવા અલ્ટિમેટમ આપ્યું છે.
17 માર્ચ પહેલા વેરો ન ભરાય તો વોરન્ટ હેઠળ કાર્યવાહી કરવા અલ્ટિમેટમ
રેલવે કોલોનીની 421 મિલકતોનો ડ્રેનેજ કનેકશનોનો વેરો 15 વર્ષથી બાકી
વર્ષ રહેણાંકના કનેકશનો વેરાની રકમ
2004-5થી2019-20 402 રૂ.38,31,897
વર્ષ બિન રહેણાંક કનેક્શનો વેરાની રકમ
2002-5થી 2019-20 19 રૂ.5,90,539
પાલિકા ટીમે મુંબઇ જઇને વારંવાર બેઠક કરી હતી, પણ કોઇ નિકાલ આવ્યો નથી
વલસાડ પાલિકા ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટને સીઓ જે.યુ.વસાવાએ પશ્ચિમ રેલવેના મુંબઇ ડિવિઝન ખાતે મોકલ્યા હતા.પાલિકા ટીમે વલસાડ રેલવે કોલોનીનો ડ્રેનેજ વેરો જમા કરાવવા મુંબઇ ડિવિઝન ખાતે રજૂઆતો કરી હતી.રેલવે તંત્રએ વેરો ભરી દેવાની ખાત્રી આપવા છતાં આજ દિન સુધી વેરો ભર્યો જ ન હતો, કે પાલિકાને કોઇ સ્પષ્ટતા કરી ન હતી.જેના પગલે કડક કાર્યવાહી હાથ ધરાઇ છે.