તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડના 44 લાખના ડ્રેનેજ ટેક્સ વિવાદનો મુદ્દો DRM સમક્ષ ઉઠ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવેના ડીઆરએમની વલસાડ મૂલાકાત ટાકણે વલસાડ શહેરના રેલવે સાથે સંકળાયેલા પડતર પ્રશ્નો નિવારવા માટે પાલિકાના સત્તાધીશો સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં પાલિકા દ્વારા હદ વિસ્તારમાં આવતી રેલવે કોલોનીના 421 રહેઠાણના ડ્રેનેજ ટેક્સના રૂ.44 લાખ બાકી વેરા,રેલવે હદ પાસે પમ્પિંગ સ્ટેશન,ડ્રેનેજલાઇન અને છીપવાડ રેલવે ગરનાળાનો મુદ્દો પાલિકાએ ઉઠાવ્યો હતો.ડીઆરએમ પણ પાલિકાના ડ્રેનેજ વેરાની માતબર રકમ બાકી હોવાની હકીકત સામે ચોંકી ઉઠ્યા હતા.

વલસાડ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા કામોને લઇ ડીઆરએમ સત્ય કુમાર બુધવારે વલસાડની મૂલાકાતે આવી પહોંચ્યા હતા.જેમાં રેલવે અધિકારીઓ સાથે ખાતાકીય પરામર્શો અને કામોની ચર્ચા કર્યા બાદ પાલિકાના ચીફ ઓફિસર જે.યુ.વસાવા,શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકી,ઉપપ્રમુખ ઉર્મી દેસાઇ,ચેરમેન ભરત પટેલ,સિટી ઇજનેર હિતેશ પટેલ તથા ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ રમણભાઇ રાઠોડના પ્રતિનિધિ મંડળે ડીઆરએમ સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં મહત્વનો મુદ્દો પાલિકા દ્વારા વલસાડ રેલવે યાર્ડની કોલોનીમાં અપાતી ડ્રેનેજ જોડાણોની સુવિધાના વેરાનો મુદ્દો મહત્વનો રહ્યો હતો.2004-05થી વલસાડ પાલિકાના ડ્રેનેજ ટેક્સની રકમ દર વર્ષે વધીને 2020 સુધીમાં રૂ.44 લાખ પર પહોંચી ગઇ છે.જે માટે પાલિકા હાઉસ ટેક્સ દ્વારા મુંબઇ સુધી રજૂઆતો કરવા છતાં કોઇ નિરાકરણ ન આવતાં ડીઆરએમ સમક્ષ પાલિકાના પ્રતિનિધિઓએ આ મુદ્દો હલ કરવા ઘા નાખી હતી.ડીઆરએમ સત્ય કુમારે રજૂઆતો સાંભળીને વેરા અંગેની અધિકારીઓ પાસેથી વિગતો મેળવી આ મુદ્દે ત્વરિત નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.વલસાડ પાલિકાના પડતર પ્રશ્નોનો રેલવે દ્વારા નિકાલ કરવા અંગે જિ.ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ,સાંસદ ડો.કે.સી.પટેલ તથા ધારાસભ્ય ભરતભાઇ પટેલે ડીઆરએમને પૂર્વ જાણકારી આપી હકારાત્મક પરિણામ મળે તેવી રજૂઆત પાલિકા શાસકોએ કરી હતી.

પમ્પિંગ સ્ટેશન ડ્રેનેજલાઇનને મંજુરીનો મુદ્દો રજૂ

ડીઆરએમ વલસાડ આવતાં પાલિકાના પ્રતિનિધિ મંડળે મોગરાવાડી અને અબ્રામા ઝોન માટે રેલવે હદમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને ડ્રેનેજલાઇન રેલવેની હદમાંથી પસાર કરવાની પરવાનગી આપવાનો મુદ્દો ઉપસ્થિત કરાયો હતો.રેલવેે દ્વારા પરવાનગી આપવા ઝડપી પ્રક્રિયા કરવાની વાત રજૂ કરી હતી.ડીઆરએમ સત્ય કુમારે લોકહિતના આ પ્રશ્ને વહેલો નિકાલ લાવવા ખાત્રી આપતાં શહેરના આ પ્રશ્નનો ઉકેલ નજીકના દિવસોમાં આવશે તેવી આશા બંધાઇ છે.

છીપવાડ ગરનાળાના પ્રશ્ને હકારાત્મક પ્રતિસાદ

શહેરના પૂર્વ દિશા તરફના વલસાડ ખેરગામ પંથકના લોકો માટે અત્યંત ઉપયોગી છીપવાડ રેલવે ગરનાળાને વિધિસર ખુલ્લો મૂકવા માટે પાલિકા શાસકોએ ડીઆરએમ સત્યકુમાર સમક્ષ રજૂઆત કરી હતી.પાલિકાની ડ્રેનેજ ગટરનું કામ વહેલું પૂર્ણ કરાયા બાદ ગરનાળાનું થોડું કામ પૂર્ણ કરી ખુલ્લું કરી દેવા ડીઆરએમએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...