તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો, વેપારીઓ પરેશાન

વલસાડ શાકભાજી માર્કેટમાં વરસાદી પાણીનો ભરાવો, વેપારીઓ પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની મધ્યમાં આવેલા શાકભાજી માર્કેટમાં જવા માટેના તમામ માર્ગો દુરસ્ત, ઠેર ઠેર ઉભરાતી ડ્રેનેજની ગટરો અને વરસાદી પાણીના જ્યાં જુઓ ત્યાં ખાબોચીયાંથી અહીંની વેપારી આલમ સાથે ખરીદી માટે આવતા લોકો હેરાન-પરેશાન થઈ ઉઠ્યા છે. આ તમામ સમસ્યાના ઉકેલ માટે વેપારીઓએ વારંવાર પાલિકામાં ઉચ્ચકક્ષાએ કરેલી રજૂઆતો બહેરા કાને અથડાઈ પરત ફરતાં વેપારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. માત્ર ઠાલા વચનો આપી શહેરીજનોની સમસ્યાનો નિકાલ ન કરતાં શહેરીબાવાઓ સામે વેપારીઓ હવે લડતના મંડાણ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

નવી શાકભાજી માર્કેટની આસપાસ આવેલા શોપીંગ સેન્ટરોમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને આંબેડકર શોપિંગ સેન્ટરમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાના કામ થયા જ નથી. આ મુદ્દે વેપારીઓએ પાલિકા પ્રમુખ પંકજ આહિરને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી. જેમાં માર્કેટના તમામ રસ્તાની હાલત તદ્દન બદતર બની ગઈ છે. હાલ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાથી પાણી દુકાનોમાં ભરાઈ જાય છે. ડ્રેનેજ લાઈનના કોઈ ઠેકાણાં ન હોવાથી વારંવાર ઉભરાતાં ગંદુ પાણી માર્કેટમાં ફરી વળે છે. જેને લઈ ગ્રાહકો અને વેપારીઓને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે. જાહેર રસ્તા ઉપર ડ્રેનેજના ગંદા પાણી અને વરસાદી પાણીના ભરાવાથી ગ્રાહકોને માલ ખરીદવા જવામાં તેમજ રસ્તા પરથી પસાર થવામાં પરેશાની વેઠવી પડે છે. જેને લઈ તંત્ર ની સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે. શાકભાજી માર્કેટમાં આવેલા આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારોના જણાવ્યા મુજબ તમામ દુકાનદારો પાસેથી પાલિકા વર્ષે દહાડે લાખો રૂપિયા ભાડું વસૂલ કરી રહી છે, છતાં પાયાની સુવિધા આપવામાં ઉણી ઉતરી રહી છે. પાલિકાના કોઈ જ અધિકારી કે પદાધિકારી આ વિસ્તારમાં ફરકતા જ નથી.

રસ્તાના કામો ચોમાસા બાદ પૂર્ણ કરાશે
આંબેડકર શોપિંગ સેન્ટરના રસ્તાઓ કેટલાય સમયથી ખરાબ થઈ ગયા છે. જે અંગેની ગ્રાન્ટ મંજૂર થયે વરસાદ બંધ થયા બાદ તેની કામગીરી હાથ ધરાશે. ઉપરાંત ડ્રેનેજલાઈનની સફાઈ કામગીરી શરૂ કરી દેવાશે. જેથી કોઈ તકલીફ રહેશે નહીં. પંકજ આહિર, પ્રમુખ, નગર પાલિકા, વલસાડ.

અન્ય સમાચારો પણ છે...