• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વીજ જોડણનું ખોટું પંચનામું કરી બે તલાટીએ ખેડૂતને છેતર્યો

વીજ જોડણનું ખોટું પંચનામું કરી બે તલાટીએ ખેડૂતને છેતર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના બોદલાઈ-ભૂતસર ગામે એક ખેડૂતે જમીનમાં વીજ કંપનીએ ખોટી રીતે થાંભલા ફીટ કરી દેતાં રોણવેલ વીજ કચેરીએ લેખિત રજૂઆત કરી થાંભલા દૂર કરવા જણાવ્યું હતું. જો કે, વીજજોડાણ માટે ખોટું પંચનામું બનાવી વીજ જોડાણ મેળવતાં ખેડૂતે વાંધો ઉઠાવી ખોટું પંચનામું બનાવનારા સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, કલેક્ટર, એસપી સહિત અનેક વિભાગમાં રજૂઆત કરી છે.

રજૂઆત કરતા મહેશ ફતેહસિંહ દોડીયા હાલ રહે.સિટી પોઈન્ટ, ધરમપુરરોડ, અબ્રામાની વડિલોપાર્જીત ખેતીની જમીન બોદલાઈ ગામે આવેલી છે. આ જમીનને અડીને ભરતભાઈની જમીન આવેલી છે. તેમની સામેની સાઈડે દિવ્યેશની જમીન આવેલી છે. દિવ્યેશને વીજ કનેકશનની જરૂર હોય તેણે વીજજોડાણની એક અરજી રોણવેલ વીજ કચેરીમાં કરી હતી. વીજ કચેરીના માણસોએ કોઈપણ જાતની જાણ કર્યા વગર કે સંમતિ લીધા વગર ફરિયાદી ખેડૂત મહેશની જમીનમાં ત્રણ વીજ થાંભલા અને ટ્રાન્સફર્મર ફીટ કરી દીધા હતા. જે થાંભલા દૂર કરવા અને કામગીરી અટકાવવા મહેશે વીજ કચેરીએ ત્રણવાર વાંધા અરજી કરી હતી.

દિવ્યેશ હાલમાં કપરાડા ખાતે તલાટી તરીકે ફરજ બજાવે છે. જેથી તેણે પોતાની વગ વાપરી હોદ્દાનો દૂર ઉપયોગ કરી ખોટી રીતે બોગસ પંચનામું ઉભું કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી વીજ કનેક્શેન ચાલુ કરાવ્યું છે. ફરિયાદીએ તપાસ કરાવતાં જણાયું કે, બોદલાઈ-ભૂતસરનો તલાટી શ્રેણીક ગજ્જરે કપરાડાના તલાટી અને બોદલાઈમાં જમીન ધરાવતા દિવ્યેશ સાથે મળી ખોટું પંચનામું બનાવ્યું હતું. ફરિયાદી તલાટી શ્રેણીક ગજ્જર પાસે આ મામલે તપાસ કરતાં દિવ્યેશે ધાક ધમકી આપી પંચનામાં ઉપર સહી-સિક્કા કરાવ્યા હતા. ફરિયાદીએ ભૂતસરના તલાટી પાસે એક બીજું પંચનામું તૈયાર કરાવતાં તેમાં લખાણ અને પધ્ધતિ બંને અલગ હોવાનું માલૂમ પડ્યું હતું. આ બંને તલાટીએ એકબીજાના મેળાપીપણામાં ખોટું પંચનામું ઉભું કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ ખોટો દસ્તાવેજી પુરાવો ઉભો કરી વીજ જોડાણ મેળવ્યું છે.

ખોટા પંચનામાની કોપી ચાડી ખાય છે
બોદલાઈના ખેડૂત મહેશ દોડીયાએ બે તલાટીની પોલ ઉઘાડી પાડવા ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતની સાથે તલાટી શ્રેણીક ગજ્જરે લખેલા પંચનામાની કોપી પણ સામેલ કરી છે. જેમાં સ્પષ્ટ જણાય છે કે, બે પંચનામા એક જ તલાટીએ લખ્યા છે. જેમાં તેમની કરતૂતો ચાડી ખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...