તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad આખરે રત્નાગીરી, સિંધુદુર્ગની આફૂસને જીઆઈ ટેગ

આખરે રત્નાગીરી, સિંધુદુર્ગની આફૂસને જીઆઈ ટેગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાં સમય અગાઉ અહીં જીઆઈ ટેગ વિષે ચર્ચા કરેલી. મહારાષ્ટ્રમાં રત્નાગીરી, સિંધુદુર્ગ અને તેની આસપાસના વિસ્તારોમાં પાકતી આફૂસ કેરી માટે અહીંના ખેડૂતોએ ગતિવિધિ શરૂ કરી હતી. જે તે સમયે વલસાડી આફૂસ પકવતાં ખેડૂતોને ચેતવવામાં આવ્યા હતા અને કદાચ થોડી હલચલ પણ શરૂ થઈ હતી. હવે એવા સમાચાર છે કે મહારાષ્ટ્રમાં આ વિસ્તારના ખેડૂતોની માંગ સ્વીકારી લેવાઈ છે અને તેમને જીઆઈ ટેગ આપી દેવાઈ છે. હવે વલસાડના ખેડૂતો ચાલુ વર્ષે તેમની કેરી વેચશે તે એક સવાલ છે. જીઆઈ ટેગ હોવાથી પાકની ગુણવત્તા અને તેની આધિકારકતા અંગે વિશ્વાસ બેસે છે. આ ઉપરાંત જે તે વિસ્તારના પ્રતિષ્ઠા અને એક અલગ પાકનો ખ્યાલ આપે છે.

અત્યાર સુધીમાં 325 ચીજ વસ્તુઓને આ ટેગ મળી ચૂકી છે. સો પ્રથમ ટેગ 2004માં દાર્જિલિંગ ટીને આપવામાં આવી હતી. ત્યાર પછી તો મહાબળેશ્વર સ્ટ્રોબેરી, બનારસી સાડી, સોલાપુર ચાદર, મૈસૂર સિલ્ક, કાંચીપૂરમ સિલ્ક, કાંગડા ટી, મૈસૂર સેન્ડલવૂડ ઓઈલ, મૈસૂર અગરબત્તી, કાશ્મીર પશ્મીના, કચ્છ એમ્બ્રોઈડરી, સુરત ઝરી, ગીર કેસર કેરી, જામનગરી બાંધણી, પાટણ પટોળા, વારલી પેઈન્ટિંગ, નાગપુર સંતરા વગેરેને જીઆઈ ટેગ મળી ચૂકી છે. આફૂસ કેરી માટે છેલ્લા કેટલાક વખતથી મહારાષ્ટ્રના રત્નાગીરી અને સિંધદુર્ગના પ્રદેશના લોકો પ્રયત્નશીલ હતા. તેમની વચ્ચે આ મુદ્દે ગજગ્રાહ હતો, પરંતુ છેવટે તેનો ઉકેલ તેમણે લાવી દીધો હતો. પરિણામે આજે તેમને આ ફાયદો થયો છે. ગુજરાતમાં વલસાડી આફૂસ માટે હવે સંકટ ઊભું થશે.

આ જ મુદ્દે અહીં અમલસાડી ચીકુ માટે પ્રયત્નશીલ બનવા જણાવાયું હતું. ત્યાંની આગેવાન મંડળીઓ આ માટે ખેડૂતોની એક સભા કરીને આ દિશામાં કઈ રીતે આગળ વધવું તેની ચર્ચા વિચારણા પણ કરી હતી. ગુજરાતમાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ આ માટેની નોડલ એજન્સી છે. તેનો સંપર્ક કરવાનું પણ નક્કી થયું હતું. જે રીતે આફૂસ કેરીને જીઆઈ ટેગ મળી અને વલસાડી આફૂસના ઉત્પાદકો હાથ ઘસતા રહી ગયા તે જ રીતે હવે જો અમલસાડ તેની આસપાસના પ્રદેશમાં ચીકુ પકવતા ખેડૂતો સક્રિય નહીં થાય તો દહાણુ અને તેની આસપાસના ખેડૂતો પોતાના ચીકુ માટે ટેગ મેળવી લેશે. જીઆઈ ટેગ એટલા માટે જરૂરી છે કે તેને કારણે એક ગુણવત્તાયુક્ત પાક તથા જે-તે પ્રદેશની ખાસીયત બહાર આવતી હોય છે. નિકાસ સમયે પણ જો જીઆઈ ટેગ હોય તો પ્રોત્સાહન મળે છે. એકબાજુ જ્યારે ખેતી માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતો આ પ્રકારે પોતાના ઉત્પાદનની મૂલ્ય વૃદ્ધિ કરે તો તેમને અવશ્યપણે ફાયદો થાય તેમ છે. આ પ્રકારના પ્રમાણપત્ર માટે દસ્તાવેજો ઘણા અગત્યના હોય છે. જેટલું ડોક્યુમેન્ટેશન પરફેક્ટ કરવામાં આવે તેટલો ફાયદો થતો હોય છે. આ માટે નિષ્ણાતોની પણ મદદ લેવી જરૂરી હોય છે. અમલસાડ મંડળી આ દિશામાં સક્રિય બનીને પ્રયત્નશીલ થશે તો 2019માં તેમને ચોક્કસ જીઆઈ ટેગ મળી શકે. આ ઉપરાંત આ પ્રદેશના ખેડૂત આગેવાનો તથા રાજકારણીઓએ પણ તેમાં રસ લઈને આગળ વધવું પડશે. અંદરોઅંદરનું રાજકારણ તથા વાંધા વિરોધને પણ બાજુએ મૂકવા પડશે. આ માટે બધાએ ભેગા મળી મતભેદ ભૂલીને આગળ વધે તો જીઆઈ ટેગ સહેલાઈથી મળી શકે તેમ છે.

(લેખક કૃષિ બાબતોના નિષ્ણાંત છે.)

ajaynaik63@gmail.com

એગ્રોનોમિક્સ
અજય નાયક

અન્ય સમાચારો પણ છે...