વલસાડમાં ભર વરસાદે ભગવાન જગન્નાથની રથયાત્રા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના છીપવાડ ખાતે આવેલા જગન્નાથજી મંદિરેથી શનિવારે અષાઢીબીજ નિમિત્તે 23મી રથયાત્રા નિકળી હતી. ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા. જય રણછોડ માખણચોરના નાદથી શહેરના રાજમાર્ગો ઉપર મોટીભીડમાં ઉમટેલા ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અષાઢીબીજ એટલે ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરે આવતી મોટી રથયાત્રા. છેલ્લા 23 વર્ષથી પરંપરાગત રીતે છીપવાડ ખાતે આવેલા પુરાણા જગન્નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ સાથે રથમાં સવાર થઈ નગર ની યાત્રાએ નિકળે છે. ભક્તને સામેથી ચાલીને દર્શન આપવા જતાં જગતના નાથને નિહાળવા ભક્તોની નજરો આકૂળ વ્યાકૂળ બની જતી હોય છે. વલાસાડના છીપવાડથી પરંપરાગત રીતે નિકળતી રથયાત્રાએ શનિવારે બપોરે 1ના ટકોરે પ્રસ્થાન કર્યું હતું. સવારે શાસ્ત્રોક્ત વિધી કર્યા બાદ બપોરે 12 કલાકે ભગવાનને માલપૂઆ અને દૂધપાકનો મહાભોગ જમાડ્યા બાદ આરતી ઉતારી રથયાત્રાને પ્રસ્થાન કરાવાય છે. મંદિરે થી નિકળી રથયાત્રા છીપવાડ દાણાબજાર થઈ બેચરરોડ પર આવી હતી. ત્યાંથી આગળ નિકળી પાવર હાઉસ, એસટી ડેપો, કલ્યાણબાગ થઈ યાત્રા આવાંબાઈ સ્કૂલ તરફ ફંટાઈ ગઈ હતી. ત્યાંથી હાલરરોડ, આઝાદ ચોક, મોટાબજાર થઈ છીપવાડ જગન્નાથજીમંદિરે મોડી સાંજે પરત ફરી હતી.

કિમી રથયાત્રાને મંદિરે પહોંચતાં 6 કલાક લાગ્યા
છીપવાડથી બપોરે 1 કલાકે નિકળેલી રથયાત્રાને શહેરના 3 કિમી લાંબા માર્ગને કાપતાં અંદાજે 6 કલાક લાગ્યા હતાં. આ લાંબી રથયાત્રામાં આશરે 10 હજારથી વધુ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જય રણછોડ માખણચોર, ગલી ગલીમાં કોન હૈં રાજા રણછોડ હૈં, ના નાદથી ભક્તો ભક્તિ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતાં.

પોલીસનું મોનિટરીંગ જડબેસલાક રહ્યું
વલસાડની રથયાત્રા નિવિર્ઘ્ને પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને મોનિટરીંગ હાથ ધરાયું હતું. જેમાં 1 ડીવાયએસી એલ.બી.ઝાલા, 2 પીઆઈમાં સિટી પીઆઈ એન.કે.કામળિયા અને એલસીબી પીઆઈ ડી.ટી.ગામીત, 6 પીએસઆઈ, 90 કોન્સ્ટેબલ, 24 મહિલા કોન્સ્ટેબલ અને 57 હોમગાર્ડનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. યાત્રા દરમિયાન પોલીસના કડક જાપ્તાને લઈ કોઈ અનિચ્છનીયવ બનાવ બન્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...