ભારે વરસાદથી વલસાડ ઔરંગા નદીના પાણી કાશ્મીરનગરના ઘરોમાં ઘૂસ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ: વલસાડમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની બેટિંગ જારી રહી હતી. જિલ્લામાં બુધવારે સાંજે 6 થી ગુરૂવારે સાંજે 6 સુધીના 24 કલાકમાં વલસાડમાં 5 ઇંચ અને  સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં 6 ઇંચ ખાબકતાં તાન નદીથી ઔરંગાનદીમાં પાણીનો ભારે પ્રવાહ આવી પહોંચતા વલસાડના કિનારાના કાશ્મીનર નગર અને બરૂડિયાવાડમાં પાણી ભરાઇ જતાં રહીશો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા.પારડીમાં 3 ઇંચ,વાપીમાં 1.05 ઇંચ,કપરાડામાં 3.05 ઇંચ અને ઉમરગામમાં 06 મિમિ વરસાદ નોંધાયો હતો.બુધવારે ધરમપુર અને વલસાડમાં ધોધમાર વરસાદ ઝિંકાતા ઔરંગા,તાન,માન જેવી નદીઓ બંન્ને કાંઠે છલકાઇ ગઇ હતી.જ્યારે ગુરૂવારે પણ ભારે વરસાદ ચાલૂ રહેતા ઔરંગાનદીમાં પાણીના ભારે પ્રવાહ ધસી આવતા વલસાડના પારડીસાંઢપોરના કૈલાસ રોડ બ્રિજ અને હનુમાનભાગડાનો લો લેવલ પીચિંગ પુલ સવારે 8.30 થી જ અવરજવર માટે બંધ કરી એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવાઇ હતી.

 

 

તંત્રએ કિનારા વિસ્તારમાં ભયજનક સ્થિતિ નહિ સર્જાય તેના પર નજર રાખી

 

પીચિંગ પર પાણીનો પ્રવાહ ઓછો થતાં એનડીઆરએફની ટીમે લોકોને પકડીને પૂલ પરથી પસાર થવામાં મદદ કરી હતી.ઔરંગાના કિનારાને અડીને આવેલી વલસાડની કાશ્મીનગર અને બરૂડિયાવાડના ઝુંપડા વસાહતમાં પાણી ભરાઇ ગયા હતા.ઘૂંટણથી ઉંચી સપાટીએ પાણી પ્રવેશી જતાં ઝુંપડાઓમાં પાણી ભરાતા રહીશો મૂશ્કેલીમાં મૂકાયા હતા. જો કે બપોર બાદ ધીમે ધીમે પાણી અોસરવા માડતા સૌએ રાહતનો દમ લીધો હતો.ઔરંગાનદીની સપાટી સવારે 8.30 વાગ્યે 7.11 સુધી પહોંચી ગઇ હતી,જેને લઇ તંત્રએ કિનારા વિસ્તારમાં ભયજનક સ્થિતિ નહિ સર્જાય તેના પર નજર રાખી હતી.

 

શાળાઓમાં બાળકોની પાંખી હાજરી,બજારો સુમસામ


વલસાડમાં ઔરંગાનદીમાં પાણીનો પ્રવાહ વધતાં શાળાઓમાં પાંખી હાજરી જોવા મળી હતી.ભારે વરસાદના કારણે લોકોએ સવારથી સાંજ સુધી મહદઅંશે બહાર નિકળવાનું ટાળ્યું હતું.જેના કારણે દૂકાનોમાં ગ્રાહકોની પણ અવરજવર તદ્દન ઓછી જણાતા વેપાર ધંધા પણ  ઠંડા રહ્યા હતા.

 

મોનસૂન મીટર

 

તાલુકાMM
વલસાડ1060
પારડી912
વાપી1051
ઉમરગામ1655
ધરમપુર1023
કપરાડા998

અન્ય સમાચારો પણ છે...