કાંઠા વિસ્તારમાં 25 વર્ષથી કાળા ઓઈલનો કાળો કહેર: માછીમારી શિકાર, તંત્ર નિશ્ચિંત

અઢી દાયકાથી દક્ષિણ ગુજરાતના હજારો માછીમારો ભોગ બની રહ્યા હોવા છતાં તંત્ર ખો આપે છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 12:54 AM
fisher's dead by poisonous oils on the coast of Valsad sea

વાપીઃ હાલમાં વલસાડ તેમજ નવસારી જિલ્લાના દરિયાકાંઠા પર કાળા ઓઇલનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. કિનારેથી લગભગ 100 ચો.કિમી સુધીના દરિયાઈ વિસ્તારમાં ચારે તરફ ઝેરી ઓઇલની કાળી ચાદર પથરાઈ ગઈ છે. છેલ્લા 25 વર્ષથી લગભગ દર ચોમાસામાં આ સમસ્યા જીવ સૃષ્ટિ માટે ઘાતક બની માછલીઓના ઈંડા તેમજ લારવાનો સફાયો કરી રહી છે. જોકે આ માટે જવાબદાર એવા વહાણો સામે કોઈ ઠોસ પગલાં ન ભરી કોસ્ટ ગાર્ડ વિભાગ ગુનાહિત બેદરકારી દાખવી રહ્યો છે અને સરકાર પણ ચૂપ છે.

માછલીના લાખો બચ્ચાના મોત, માછીમારી પર નભતા પરિવારો પર વ્રજાઘાત

ગુજરાતના 1600 કિમી.ના દરિયામાં સૌથી વધારે માછીમારો મચ્છી પકડવા માટે ઉમરગામ, દહાણું, દમણ વિસ્તારના દરિયાની પસંદગી કરે છે. કારણ કે અહી મોંઘીદાટ માછલીઓ સરળતાથી મળી રહે છે. ઉમરગામથી લઇ નવસારી સુધીના દરિયા કિનારામાં દર ચોમાસામાં ઝેરી ઓઇલનો ગઠ્ઠો (ટાર બોલ) તણાઇ આવે છે. ઉમરગામ, દમણ, તિથલ સહિત દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે દર વર્ષે ઓઇલ પદાર્થ પુષ્કળ પ્રમાણમાં તણાઇ આવતાં નાના-મોટા હજારો માછીમારોની હાલત અતિશય કફોડી બની રહી છે અને કાંઠા વિસ્તારના માછીમારોની આવકને સિઝનના પ્રારંભે જ ફટકો પડી રહ્યો છે. સ્થાનિક માછીમારોના મતે આ સમસ્યા 25 વર્ષથી સતાવી રહી છે.

ચાર વર્ષથી ભારે ત્રાસ


ઉમરગામ સહિતના દરિયા કિનારે 2015માં આ પરિસ્થિતિ વિકટ બનતાં સ્થાનિક માછીમારો તેમજ સરપંચોએ વન-પર્યાવરણ વિભાગ તથા સરકારને આ મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યારબાદ 2016માં ઓઇલ જથ્થો તણાઇ આવ્યો હતો. ફરી આ પ્રશ્ન વિકટ બન્યો છે. 2017 અને 2018માં ફરી ઓઇલનો જથ્થો ફરી તણાઇ આવ્યો છે.

જહાજોની મહેરબાનીઃ દર વર્ષ સર્જાતી આ સમસ્યા શું છે અને કેવી રીતે સર્જાય છે ?

ચોમાસામાં જ મોકાણ
દરિયામાં ઇન્ટરનેશનલ ટ્રાર્વેલ કરતા ઓઇલનું વહન કરતા અથવા દરિયાના અંદરના (ઓફ શોર) ભાગે કોઇ પણ પ્રકારનું ઓઇલ લીક થયું હોય હોય તો ઓઇલ અને પાણીનું ઇમલ્ઝન બની જાય છે. આ ઇમલ્ઝન દરિયાની ખારાશના કારણે વધી જાય છે. વળી ચોમાસા દરમિયાન દરિયાના પવનો તેજ બનવાને કારણે તેમજ દરિયાની ભરતી-ઓટની સતત પ્રક્રિયા થતી હોવાથી આ ઇમલ્ઝન નાના-નાના ભાગમાં વહેંચાઇ જાય છે, જેના કારણે ટાર બોલ બની જાય છે જે કાંઠા વિસ્તાર તરફ તણાઈ આવે છે.

દરિયાનું તોફાન બનાવી દે છે પ્લેટફોર્મ
ઉમરગામ દરિયાથી મુંબઇ હાઇ પશ્રિમ દિશામાં આવેલું છે. મુંબઇ હાઇમાં મે અંત અને જુન મહિનામાં દરિયો તોફાની બને છે. ખનીજ, ક્ષાર, પેટ્રોલિયમ પદાર્થ તોફાનના કારણે પાઇપોમાંથી લીક થાય છે. અમુક સંજોગોમાં ઓઇલ એક સામટુ બહાર આવે છે. ભારે વરસાદ અને દરિયાઈ તોફાનમાં (ઓઇલનો જથ્થો) પ્લેટફોર્મ બની જાય છે. બોટો ઊભી હોય એવી રીતે કુદરતી રીતે બનેેલાં પ્લેટફોર્મમાં કુડ ઓઇલ, સ્ટીમરના લીકેજ સહિતના પદાર્થો હોય છે.

આ વિસ્તારોમાં ωωવ્યાપે છે ટાર બોલનો ત્રાસ
સામાન્ય રીતે આ પ્રકારના ટાર બોલ ચોમાસાની સિઝનમાં દરિયા કાંઠે આવી જાય છે. કારણ કે ચોમાસાની સિઝન અને તેના એકાદ માસ પહેલાં દરિયો ખુબ તોફાની બને છે. તેજ પવનોના કારણે જુનથી ઓકટોમ્બર દરમિયાન ટાર બોલ દરિયા કિનારે ઘસડાઈ આવે છે. સામાન્ય રીતે દરેક સિઝનમાં આ પ્રકારે ટાર બોલ ગોવા, કર્ણાટક તેમજ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે આવી જાય છે.

વર્ષો અગાઉ ઇરાન અને ઇરાકની લડાઇ બાદ પણ ક્રુડ ઓઈલ તણાઈ આવ્યું હતું
ઉમરગામના માછીમાર સમાજના આગેવાને જણાવ્યું હતું કે વર્ષો અગાઉ ઇરાન-ઇરાક વચ્ચે લડાઇ હતી. આ લડાઇના કારણે ક્રુડ ઓઇલનો જથ્થો દરિયામાં તણાઇ ગયો હતો. ઉમરગામ દરિયા કિનારે પણ ક્રુડ ઓઇલ તણાઇ આવ્યું હતું. 2009માં ઓઇલ તણાઇ આવતાં દરિયાની માટી સાથે ભળી ગયું હતું. સ્થાનિક લોકોએ આ ઓઇલના જથ્થાને બિસ્કીટ તરીકે લઇ જઇ ઘરે તેનો ઇંઘણ તરીકે ઉપયોગ કર્યો હતો.

નુકસાન કોને અને કઈ રીતે ?

માછલીઓના બ્રિડિંગ પર પ્રહાર
ચોમાસાની શરૂઆત સાથે જ માછલીઓ માટે બ્રિડિંગ પીરીયડ પણ શરૂ થતો હોય છે. જયારે ઓઇલ તણાઇ આવે છે ત્યારે નાની-નાની માછલીઓનું બાળમરણ થઇ જાય છે. વિવિધ પ્રકારની માછલીઓના બચ્ચા મરી જાય છે. છીછરા દરિયામાં મચ્છીમારી થઇ શકતી નથી.

બહારના માછીમારોને પણ ફટકો
પોરબંદર, વણકબાર (દીવ) જાફરાબાદ અને મુંબઇના મોટા માછીમારો, ઉમરગામ અને દહાણુના દરિયામાં મચ્છીમારી માટે આવે છે. અહી મોઘી માછલીઓ વિપુલ પ્રમાણમાં આવે છે. જેને લઇ આ પટ્ટાને માછીમારો દહાણુના ખાડા તરીકે ઓળખે છે. મુંબઇથી ગુજરાતના મહત્વના બંદરોની બોટ આ વિસ્તારમાં આવે છે. બોમ્બે ડક (બુમલા), બટર ફીશ (પાપલેટ), લોપસ્ટર (મોંઘામાં મોંધી માછલી મળે છે.) છીછરા પાણીમાંથી મળતી હોય છે. પરંતુ હાલ માછીમારોની હાલત દયનીય છે.

વિદેશી પક્ષીઓના ઇંડા પણ નષ્ટ
ઉંમરગામ સહિતના કાંઠા વિસ્તારોમાં માનવ વસ્તી પ્રમાણમાં ઓછી છે. પશુ અને પક્ષીઓ માટે આવા વિસ્તારો એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. નારગોલ (સોનેરી ખાડી) પળગામ, કલાઇ, સરોઇ, ફણસા દરિયા કિનારામાં અનેક વિદેશી પક્ષીઓે આવે છે. પક્ષીઓ ઇંદા પણ મુકે છે. જેની સંખ્યા પણ વધે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ માઇગ્રેશન કરીને પક્ષી અહી આવે છે, પરંતુ ઓઇલના પ્રદુષણના કારણે વિદેશી પક્ષીઓને પણ અસર થાય છે. પંકજ નામની માછલીઓ (લેવટા) પર નભનારા માછીમારો મોટાપાયે પ્રભાવિત થઇ રહ્યા છે.

આ ગંભીર મામલે કોનું શું કહેવું છે ?

ચોમાસું એટલે માછલીઓનું બ્રિડિંગ પિરિયડ
સૌ પ્રથમ હાલનો સમય માછલીઓનો બ્રિડિંગ પિરિયડ છે. ઓઇલની સીધી અસર માછલીઓ પર પડી રહી છે. માછલીઓના મોતના કારણે સ્થાનિક માછીમારોને સીધો ફટકો પડી રહ્યો છે. આ માટે સરકારમાં પણ રજૂઆત કરાશે. - દિલિપભાઇ ટંડેલ, ગુજરાત વહાણવટુ અને મચ્છીમાર સંઘ ,મંત્રી

મેરીટાઇમ બોર્ડ આશ્ચર્યજનક રીતે અજાણ
દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ઓઇલ તણાઇ આવવા મામલે માછીમારોમાં ભારે આક્રોશ છે, પરંતુ સરકારના મેરીટાઇમ બોર્ડ આ ઘટનાથી અજાણ છે. કારણ કે મેરીટાઇમ બોર્ડના કેપ્ટન રાઘવે સાથે દિવ્ય ભાસ્કરે વાત-ચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે મારી બદલી સુરતથી પોરંબદર થઇ ચુકી છે. જેથી મને આની જાણ નથી.

નિરીક્ષણ કરનાર અધિકારીએ હાથ ઊંચા કર્યા
ઉમરગામ દરિયા કિનારે અોઇલ તણાઇ અાવવા મામલે 2 દિવસ અગાઉ કોસ્ટગાર્ડની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સ્થળ નિરીક્ષણ કરનાર અધિકારીને આ અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે આ અંગેની તમામ માહિતી મુંબઇથી મળશે. આ અંગે અહીથી અમે કશુ કહી શકીએ તેમ નથી.આમ કોસ્ટગાર્ડ વિભાગે હાથ ઊંચા કરી દીધા છે.

ઉકેલ શું: કોસ્ટ ગાર્ડ ગંભીર બને
દરિયા કિનારે ઓઇલને દુર કરવા ઉમરગામ પાલિકાએ માત્ર ઔપચારિક પ્રયાસો કર્યા છે, જયારે નજીકની પંચાયતો પાસે પુરતા સાધનો જ નથી. મુંબઇમાં આંતકવાદી હુમલાની ઘટના બાદ દરિયાની સુરક્ષાની તમામ જવાબદારી કોસ્ટગાર્ડને સોંપવામાં આવી છે. મરીન પોલીસ સ્ટેશનો સ્થાપ્વામાં આવ્યાં છે. આ જવાબદાર વિભાગો દરિયામાં ઓઇલ લિકેજના પ્રશ્નને ઉકેલે તે જરૂરી છે. સાથે-સાથે દરિયા કિનારે ચોમાસામાં તણાઇ આવતાં ઓઇલના જથ્થાને અટકાવવા પુરતા પ્રયાસો કરવા જોઇએ.

X
fisher's dead by poisonous oils on the coast of Valsad sea
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App